આજે તો તમારા ભક્તોના મંડળમાં મારે અચાનક જવાનું થયું.
ભક્તોની અંદર અંદર અનેક પ્રકારના વાર્તાલાપ ચાલી રહ્યા હતા.
તમારે ચરણે તેમણે અર્પણ કરેલી ભેટોની વાત થઈ રહી હતી.
કોઈ કહેતું કે તેણે તમને મિલકત આપી, તો કોઈ તમને હીરા,
મોતી ને ઝવેરાત આપ્યાની તો કોઈ દાગીના પૂરા પાડ્યાની વાત કરતું.
તેમની વાત સાંભળીને મને થયું કે આ બધા ભક્તોની ભેટ તો ઘણી ભારે થઈ.
પણ હું તમને શું આપું ?
મારી પાસે એવી કયી વસ્તુ છે જે હું તમારે ચરણે ધરી શકું ?
મારી પાસે તો તમારા પ્રેમથી પરિપ્લાવિત થયેલાં ગીતો છે.
તે તમારાં ચરણોમાં અર્પણ કરું છું.
આ ગીતો નથી પણ મારા હૃદયના રણકાર ને શ્વાસના ધબકાર છે.
આ તો મારા લોહીના લેખ ને મારી ભાવનાની ભાષા છે.
તમારે માટે મારા દિલમાં જે ભાવ ને ઝંખના છે,
તેની આ તો અભિવ્યક્તિ - મારા પ્રાણનું પ્રકટીકરણ છે.
એક બાજુ સંસારની સમસ્ત સંપત્તિ ને બીજી બાજુ આ ગીતોને મૂકો :
ગીતોનું ગૌરવ ને ગીતોની કીમત વધારે થશે.
તમારાં ચરણોમાં પ્રેમનો આવો ઉત્તમ ઉપહાર ધરવા બદલ
હું મારી જાતને ભાગ્યશાળી માનું છું, ને આનંદ પામું છું.
આશા છે કે તમે પણ આનંદ પામશો.
- શ્રી યોગેશ્વરજી

