Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારી તમને કૈં જ પડી નથી એમ મને તો લાગે છે.
દિવસ ને રાત હું તમારી કેટલી બધી આતુરતાથી રાહ જોયા કરું છું !
રાતે તો ખાસ કરીને મારી વેદના અત્યંત વધી જાય છે.
મારા પ્રેમનું પ્રમાણ અમર્યાદ બની જાય છે.
તમને મળવા માટે મારું હૃદય તલસવા ને રડવા માંડે છે,
ને મન અનેક પ્રકારના મનોરથ કર્યા કરે છે.
મારી એકેક ક્ષણ કલ્પના જેવી કપરી રીતે વીતે છે.
પણ તમને મારી વેદનાની કૈંજ પડી નથી એમ મને લાગ્યા કરે છે.

તમે તો ચાંદનીનો આનંદ લુંટતાં ઉઘાડા આકાશ નીચે
સુમનની સુવાસિત શય્યામાં શાંતિપૂર્વક સુઈ રહો છો
ને અનેક પ્રકારના આનંદનો આસ્વાદ લીધા કરો છો.
રાત આખી હું તમારી પ્રતીક્ષામાં ને તમારી પ્રાર્થના કરતાં આંટા મારવામાં પૂરી કરું છું,
ત્યારે તમે તો હાલતાંય નથી, ચાલતાં કે આવતાંય નથી,
ને ન જાણે કયા સુખમય સ્વપ્નામાં વિહાર કર્યા કરો છો.

મારે તમારે માટે શું સમજવું ?
હું જાણું છું કે મારી વાતથી તમને દુઃખ થશે, ને મારા શબ્દો તમને પીડા પહોંચાડશે.
પણ મારા હૃદયને પ્રકટ કર્યા વિના ચાલે તેમ પણ ક્યાં છે ?
તમારા પ્રેમી બીજા ઘણા હશે જેમના મનોરથ તમારે પૂરા કરવાના હશે,
પણ મારે માટે તો તમે એક જ છો.
એ વાત યાદ રાખશો તો મને અન્યાય નહિ કરો ને મારા વિના એક ક્ષણ પણ નહિ રહી શકો.

મારો પ્રાણ પ્રજળી જશે પછી તમે આવશો તો શું બહુ મોડું નહિ થઈ જાય ?

- શ્રી યોગેશ્વરજી