if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મોરબીની પાસેનું નાનકડું ટંકારા ગામ. કોને ખબર હતી કે એ નાનકડું ગામ એક એવા મોટા પુરુષની-જ્યોતિર્ધરની ભેટ આપશે, જેનો પ્રકાશ કેવળ ભારતમાં જ નહિ, ભારતની બહાર પણ પહોંચી જશે ? ગરીબ માતાપિતાના ઘરમાં જન્મેલા મૂળશંકર, વખતના વિતવા સાથે, ભારતના વર્તમાન કાળના જ નહિ પરંતુ બધા જ કાળના એક મહાન અને અજોડ સાંસ્કૃતિક સૂત્રધાર બની, ઈતિહાસમાં દૈદીપ્યમાન અને અમર એવા મહર્ષિ દયાનંદ બનશે, એની કોને ખબર હતી  ?

મૂળશંકર ટંકારા છોડી બહાર નીકળ્યા, અને એમાંથી જગવિખ્યાત સ્વામી દયાનંદ થયા, એ બંનેની વચ્ચે કેટલાય પ્રસંગો છે અથવા કહો કે ઘટનાચક્રનો ઈતિહાસ છે. માણસ એ રીતે જ મહાન બને છે. નાના ને મોટા પ્રસંગોમાંથી પસાર થઈને, અને પ્રત્યેક પ્રસંગમાંથી, મધમાખીની જેમ, કાંઈ ને કાંઈ જીવનોપયોગી મધુ લઈને.

દયાનંદના જીવનની એવી અનેક પ્રકારની પ્રસંગ પરંપરામાંથી, એક પ્રસંગને આજે રજૂ કરું છું. પ્રસંગ છે તો નાનો પરંતુ ગુણવત્તામાં ઘણો મોટો છે. દયાનંદને લોકસેવાના ભેખધારી દયાનંદ બનાવવામાં એ પ્રસંગનો ફાળો ઘણો મહત્વનો છે. એની પ્રતીતિ એ આખા પ્રસંગનો વિચાર કરનારને થયા વિના નહિ રહે. દયાનંદના જીવન પાછળ જે પ્રેરક બળ કામ કરી રહ્યું હતું, તેનો એ પરથી સાધારણ સરખો પણ ખ્યાલ આવે છે. એ રીતે જોતાં, એ પ્રસંગનું મૂલ્ય ઘણું છે.

આવો ત્યારે, એ સાધારણ પ્રસંગનો વિચાર કરીએ.

ભારતના વિદ્વાનો કે પંડિતોના પિયર જેવા કાશીની કલ્પના કરી લો. ભગવતી ગંગાનો ત્યાં ઘાટ છે. એ ઘાટ પર વિદ્વાન, પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરાજાનંદનો આશ્રમ છે. ત્યાં રહી દયાનંદ અભ્યાસ કરે છે. વેદ શીખે છે. વિરાજાનંદ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, વેદના પારદર્શી પંડિત છે. શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથોના અઠંગ આલોચક. ક્રોધે ભરાય ત્યારે એમને કશું ભાન નથી રહેતું. હાથમાં દંડ કે લાકડી જે આવે તે લઈ એ દયાનંદના શરીર પર પ્રહાર કરે છે. દયાનંદને વાગે છે પણ ખરું, છતાં ગુરુની આમન્યામાં માનનાર શિષ્ય શાંત રહે છે. ઊલટું, કોઈવાર કહે છે, 'પ્રભુ, આપને ભારે શ્રમ પડતો હશે !' ગુરુનો રોષ એવા શાંત શબ્દો સાંભળી છેવટે શમી જાય છે, અને એ પશ્ચાત્તાપ પણ કરવા માંડે છે.

આજે એમણે એવો જોરદાર લાઠી પ્રહાર કર્યો, જેને પરિણામે દયાનંદને વાગ્યું પણ વધારે. છેવટે ગુરુએ અફસોસ કર્યો ને કહ્યું, 'બેટા, આજે તને ઘણું વધારે વાગ્યું. ચાલ હવે વેદપાઠ બંધ કર, મેં તને વેદનું બધું રહસ્ય બતાવી દીધું છે, હવે તારે કાંઈ ભણવાનું બાકી નથી રહેતું. તારો બધોયે અભ્યાસ હવે પૂરો થયો છે. તારા જેવો શાંત અને સહનશીલ શિષ્ય મને બીજો કોઈ મળ્યો નથી. મેં પણ મારા દિલને તારી આગળ ખોલી દીધું છે. તું મને ગુરુદક્ષિણા આપી અહીંથી વિદાય થજે.'

દયાનંદની આંખમાં આંસુ આવ્યાં. આવા ગુરુ બીજે ક્યાં મળે ? કેટલા પ્રેમથી બાર બાર વરસ સુધી એમણે એને ભણાવ્યો હતો ?

દયાનંદ જાણતા હતા ગુરુને લવીંગ પ્રિય છે. નીકળતાં પહેલાં ગુરુની આગળ ગુરુદક્ષિણામાં એણે પાંચ લવીંગ ધરી ગુરુની રજા માંગી.

ગુરુ ભાવવિભોર બનીને બોલી ઊઠ્યા, 'બેટા, મને તું અતિપ્રિય છે. પરંતુ મારે ખાતર તને અહીં વધારે નહિ રોકી રાખું. દેશમાં કંગાલિયત છે, ગરીબી છે, નિરક્ષરતા છે, દુઃખ છે, દર્દ છે અને અજ્ઞાન છે. મારું દિલ એથી દ્રવી ઊઠે છે, દક્ષિણામાં તેં મને પાંચ લવીંગ તો આપ્યાં, પણ સંકલ્પ કર : મેં આપેલા જ્ઞાનથી તું જીવનભર એ બધાંનો અંત લાવવા પ્રયાસ કરીશ અને એને માટે જ મરીશ.'

દયાનંદની છાતી હાલી ઊઠી. બીજાના હિતની ભાવના એમના દિલમાં ભરેલી જ હતી. ગુરુને એમણે ઉચિત શબ્દોમાં આશ્વાસન આપ્યું.

ગુરુએ પ્રસન્ન થઈ એમને અભિનંદન આપતાં કહ્યું, 'ઈશ્વર તને સફળ કરશે એવો મારો આશીર્વાદ છે. દેશને તું અજ્ઞાન ને જડતાની ઘોર ઊંઘમાંથી બેઠો કર, એ માટે જ વિચરણ કર.'

રડતા ગુરુ અને રડતા શિષ્ય છૂટા પડ્યા. પછીનો ઈતિહાસ આજે આખું જગત જાણે છે. દયાનંદે ગુરુનું વચન પાળ્યું, અને એ વચનનું પાલન કરતાં કરતાં જ શરીર છોડ્યું.

દેશમાં કોલેજો, વિદ્યાપીઠો, લાઈબ્રેરીઓ ને ડિગ્રીઓ વધતી જાય છે. પરંતુ દેશને આજે જરૂર છે વિરાજાનંદ જેવા દેશપ્રેમી, નિઃસ્વાર્થ ગુરુની તથા દયાનંદ જેવા દેશની સેવાના વ્રતધારી શિષ્યોની. એ બેને સાચવી શકીશું તો દેશ આઝાદ રહેશે, આનંદમય રહેશે, અને અમર બનશે, બાકી તો કેળવણી કેવળ વેઠ કે બોજારૂપ જ બની જશે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.