Saturday, October 24, 2020

બંગાળી કન્યાની મુક્તિ

ઈ.સ. ૧૯૪૮માં કલકત્તામાં ભયંકર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. લૂંટ, આગ, અપહરણ, અત્યાચાર, અનાચાર, જોરજુલમ ને હત્યાના બનાવો બધે બનવા માંડ્યા. માનવે માનવતાને વિસારી દીધી ને દાનવતા ધારણ કરી. આતંકની મૂર્તિ બની એ ચારે તરફ ફરવા માંડ્યો. બધે હાહાકાર થઈ રહ્યો. અશાંતિ વ્યાપી ગઈ. અનીતિ છવાઈ ગઈ. એ રમખાણોમાં સ્ત્રી જાતિએ જે સહન કર્યું એ અજોડ હતું. ભારતમાતાનો આત્મા એ ઘોર અત્યાચારથી કકળી ઊઠ્યો.

એક બંગાળી કન્યા એ વખતે એક મુસલમાનના હાથમાં ફસાઈ ગઈ. મુસલમાન પરણેલો હતો. એ એને પાકિસ્તાન લઈ જવા તૈયાર થયો. પોતાની બીજી પત્ની સાથે એણે એ બંગાળી કન્યાને પણ બુરખો પહેરાવ્યો અને કલકત્તાથી બધાં ટ્રેનમાં લાહોર જવા માટે વિદાય થયાં.

બંગાળી કન્યા બહાદુર હતી. પરંતુ અત્યાચાર આગળ એનું કશું ન ચાલ્યું. એણે વિચાર કરી નક્કી કર્યું કે બળ હવે કામ નહિ લાગે, બુદ્ધિયે કામ નહિ લાગે. જે નરાધમના પંજામાં પોતે ફસાઈ છે, તે નરાધમ સાથે હવે તો પાકિસ્તાન જવું એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય હવે કામ લાગે તેમ નથી. બંગાળની ભૂમિને હવે ભૂલી જવી પડશે, કલકત્તાનું જીવન સ્વપ્ના જેવું થઈ રહેશે.

એની છાતી ધડકી ઊઠી, નસો હાલી ઊઠી, એની આંખે અંધારાં આવ્યાં. આવા જીવન કરતાં તો મરણ સારું. એવો એને વિચાર આવ્યો. પણ મરવું ય કેવી રીતે ? મરવા માટેનો માર્ગ પણ ક્યાં હતો ?

ભાગ્યશાળી હોય તેને જ મરણ મળે ને ? તે કાંઈ જેને-તેને કે માગનારને થોડું જ મળે છે ? ગાડી દોડાદોડ કરતી આગળ વધ્યે જતી હતી. ત્યાં તો એને એની માતાના શબ્દો યાદ આવ્યા, 'વિપત્તિ હોય ત્યારે જરા પણ મૂંઝાયા કે ગભરાયા વિના ઈશ્વરને યાદ કરવા, ને સાચા દિલથી ઈશ્વરની પ્રાર્થના કરવી. જે મદદ કોઈ નથી કરી શકતું તે ઈશ્વર કરે છે. એને કરેલી પ્રાર્થના કદી નકામી જતી નથી.'

અને પ્રેરણાનો એક નવો પ્રવાહ એના પ્રાણમાં ફરી વળ્યો. એક નવા પ્રકાશ અને નવી આશાથી એનો આત્મા આલોકિત બની ઊઠ્યો. એને થયું, દુઃખ વેઠવાનું નક્કી જ છે, તો પછી ઈશ્વરનું સ્મરણ કરીને શાંતિપૂર્વક શા માટે ન વેઠવું ? ઈશ્વરની કૃપા માટે બનતા પ્રેમભાવથી પ્રાર્થના શા માટે ન કરવી ?

બંગાળી કન્યાએ પ્રાર્થના કરવાનો આરંભ કર્યો. એની આંખમાંથી આંસુ ચાલી નીકળ્યાં, હે પ્રભુ ! મારી રક્ષા કરો, ગમે તેમ કરી મારી રક્ષા કરો. હું તમારી ભક્ત નથી, છતાં શરણાગત તો છું જ. તમારા વિના જીવનમાં કોઈનો ય આધાર નથી રહ્યો. હત્યારાએ મારા ભાઈ ને મા-બાપની હત્યા કરી છે. મને હવે કોઈ અજાણ્યા પ્રદેશમાં લઈ જવાય છે. તમે મને મદદ કરો ને ગમે તેમ કરી આ પિશાચના હાથમાંથી છોડાવો, નહિ તો પછી મારા શ્વાસ બંધ કરી દો-મને મૃત્યુ આપો.

ઈશ્વરે એની પ્રાર્થના સાંભળી હોય એવો એક બનાવ બન્યો. બરેલીના સ્ટેશને ટ્રેન ઊભી રહી, ને એક ટિકિટ ચેકરે એ જ ડબ્બામાં પ્રવેશ કર્યો. પેલા સેકન્ડ ક્લાસના ડબ્બામાં બેઠેલા મુસલમાન ભાઈ પાસે એણે ટિકિટ માંગી. એનો અવાજ સાંભળી પેલી બંગાળી કન્યાને જરા હિંમત આવી. પોતાનો પગ એણે ટિકિટબાબુના પગ પર દાબી જોયો, એકવાર, બે વાર, ત્રણ વાર, ઉપરાઉપરી પગ દબાવવાથી ટિકિટબાબુને શંકા ગઈ. નીચે ઉતરીને એ એક સ્ત્રી કંડક્ટરને બોલાવી લાવ્યો. સ્ત્રી કંડક્ટરની હાજરીમાં કન્યાનો બુરખો એમણે ઊંચો કરાવ્યો, તો એ સ્તબ્ધ બની ગયા. કન્યાના મોંમાં ડૂચો હતો, ને એના હાથ પીઠ પાછળથી બાંધેલા હતા. પોલીસની મદદથી એમણે કન્યાને નીચે ઊતારી.

એવી રીતે કન્યાને મુક્તિ મળી. જેમ તેમ કરીને એ બંગાળી કન્યા કલકત્તા જવા ફરી વિદાય થઈ. એનો આત્મા, ઈશ્વર પ્રત્યેના પ્રેમભાવથી નાચી ઊઠ્યો. એને કેટલો બધો આનંદ થયો, ને કેટલી શાંતિ થઈ તે કોણ કહી શકે ? આપણે તો તેની કલ્પના જ કરી શકીએ.

ઈ.સ. ૧૯૪૮માં બનેલી આ સત્યઘટના આજે પણ કહી રહી છે કે દુઃખ, પરિતાપ, ચિંતા, મુસીબત, વેદના કે આફતના વિપરીત વખતમાં નિરાશ કે નાસીપાસ થઈ બેસી રહેવાને બદલે, તમારી અંદર ને બહાર બધે જ બેઠેલા પ્રિયતમ પરમાત્માનું શરણ લો, તેની પ્રાર્થના કરો, ને તેને પોકાર પાડો. હિંમતને હાર્યા વિના, ધીરજને ખોયા વિના, તેની મદદની માંગણી કરો, તો તે મદદ જરૂર કરશે, તમારી વહારે થાશે ને કૃપા વરસાવી તમને ધન્ય કરશે. તમને મદદ કરવા કોઈપણ જાતના સ્વાર્થ વિના એ સદાયે તૈયાર છે. ફકત તમે એને ઓળખતા નથી, એની મદદ માટે તમારું હૃદય ખોલી હાથને લાંબો કરતા નથી એટલું જ. આવો, ને જીવનને સાચા અર્થમાં સુખી, શાંત ને કૃતાર્થ કરવા માટે એ પરમાત્માનું શરણ લો !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok