if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

'આપણા ધર્મપ્રાણ કહેવાતા દેશમાં શું વીતરાગ, ઈશ્વરપરાયણ, સાચા અથવા આદર્શ મહાત્માઓની અછત છે ?' કેટલાક જિજ્ઞાસુઓ તરફથી એવો પ્રશ્ન પૂછાય છે. એના પ્રત્યુત્તરમાં આપણે કહીશું ? ના, એવા મહાત્માઓની ખોટ નથી. દેશનો પ્રવાસ ઉપર ઉપરથી કરીએ તો એવા મહાત્માઓનો મેળાપ મોટા પ્રમાણમાં ને સહેલાઈથી ન થાય એ સાચું છે, તો પણ એમની સંખ્યા ઓછી હોવા છતાં એમના સમાગમનું સૌભાગ્ય ઈશ્વરની કૃપાથી કોઈક ધન્ય સમયે સાંપડી શકે છે એ પણ એટલું જ સાચું છે. એવા એક સુખદ સમાગમનું મને સ્મરણ થાય છે.

એ સમાગમ જગન્નાથપુરીના પવિત્ર પ્રદેશમાં થયેલો. એ પ્રદેશનો મહિમા એક તીર્થ તરીકે ઘણો મોટો મનાય છે. ભારતનાં ચાર પુરાણપ્રસિદ્ધ પ્રાચીન પુણ્યધામોમાં જગન્નાથપુરીની ગણતરી થાય છે. કહે છે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પોતાના જીવનના છેલ્લા અઢાર વરસો ત્યાં જ પસાર કરેલાં અને પોતાનું શરીર પણ ત્યાં જ છોડેલું. આજે પણ પ્રત્યેક વરસે કેટલાય જિજ્ઞાસુઓ, પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ એની યાત્રા કરે છે ને ત્યાંના પવિત્ર પરમાણુઓનો લાભ લે છે. એ પવિત્ર તીર્થપ્રદેશમાં વસતા કે વિચરતા સંતોનાં દર્શન કે સમાગમનું સદ્દભાગ્ય પણ મેળવે છે. બે વરસ પહેલાં અમે એની યાત્રાએ ગયા ત્યારે એવા જ એક સંતપુરુષના દર્શનનો અલૌકિક અવસર મેળવી શકેલા.

ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં જુદી જુદી કક્ષાના જે સારા સંતો જોવા મળે છે તેમાં એક અસાધારણ કક્ષાના કહી શકાય એવા એ સંત હતા. એમની બાહ્ય આકૃતિ એટલી બધી અવનવી કે આકર્ષક નહોતી લાગતી. એમનું શરીર શ્યામ હતું. એમણે કેવળ કૌપીન પહેરેલું. મુખમંડળ લાંબી જટા તથા દાઢીથી શોભતું. એમના હાથમાં મોટા મણકાની માળા હતી એની મદદથી એ જપ કરતા. એ જગન્નાથપુરીના વિખ્યાત, વિશાળ, કળાત્મક મંદિરના પ્રવેશદ્વારની અંદરના ભાગમાં મોટા ઓટલા પર બેઠેલા.

એમને જોતાં જ અવનવી લાગણી થઈ આવી એવું લાગ્યું. લાગ્યા વિના રહ્યું નહિ કે એ એક મહાન સંત છે. અમે એમની પાસે ગયા એટલે એમણે અમારી તરફ મીઠી નજરે નિહાળીને સ્મિત કર્યું. પાંચેક મિનિટ સુધી એમની સમક્ષ શાંતિપૂર્વક ઊભા રહીને એમની આજુબાજુનાં પવિત્ર પરમાણુઓનો આસ્વાદ લઈને ધર્મશાળામાં પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે અમારી સાથેના એક ધર્મપ્રેમી પુરુષે એમને પૂછ્યું :

'આ જમાનામાં કોઈને ઈશ્વરદર્શન થઈ શકે ?'

'થઈ શકે.' મહાત્મા પુરુષે ઉત્તર આપ્યો.

'થઈ શકે ?'

'હા'

'પરંતુ આ જમાનો કેવો છે ?'

'જમાનો ગમે તેવો હોય, ઈશ્વર એકના એક જ છે.'

'ઈશ્વરનું દર્શન કેવી રીતે થઈ શકે ?'

'એમને માટેની ભક્તિથી.'

'કળિયુગમાં ભક્તિ થઈ શકે ?'

'ના કેમ થાય ? જેને કરવી હોય તેનાથી થઈ શકે. કળિયુગમાં ભક્તિનું સાધન જ સરળ, સચોટ ને સર્વસુલભ તથા સર્વશ્રેષ્ઠ છે. એ સાધનનો આધાર લેવો કે ના લેવો એ મનુષ્યના હાથની વાત છે.'

'તમને ઈશ્વરનો અનુભવ થયો છે ?'

'અનુભવ થયો છે માટે તો બોલી બતાવું છું.' સંતપુરુષે શાંતિથી જણાવ્યું, 'જે એનું શરણ લે છે એને એ વહેલો કે મોડો, નાનો કે મોટો અનુભવ આપે જ છે.'

મહાત્મા પુરુષની આગળ એક કપડું પાથરવામાં આવેલું. તેમાં જતાં આવતા ભક્તોએ પૈસા નાખેલા. એના તરફ આંગળી કરીને પેલા પુરુષે પુનઃ પૂછ્યું, 'ઈશ્વરનું શરણ લીધું છે તો પછી આ પૈસા શા માટે એકઠા કર્યા છે ?'

'એકઠા કરવા કે ના કરવાનો કોઈ સવાલ નથી. જેમની ઈચ્છા હોય છે તે પૈસા મૂકે છે. નથી ઈચ્છા હોતી તે નથી મૂકતા. હું કોઈને મૂકવા માટે આગ્રહ નથી કરતો ને મૂકતાં રોકતો પણ નથી.'

મહાત્માએ થોડાક સમય મૂક રહીને માળા ફેરવી એટલે પેલા પુરુષે પાછું પૂછ્યું, 'આ પૈસામાં તમને મમત્વ નથી ?'

'ના'

'તો પછી આ પૈસા કોઈ લઈ લે તો ?'

'ભલે લઈ લે.'

'હું લઈ લઉં તો ?'

'તો તમે જાણો. તેમાં મારે શું ?'

પેલા પુરુષે મહાત્મા પુરુષની આગળ પડેલા પૈસા ખરેખર લેવા માંડ્યા. પરંતુ મહાત્મા પુરુષ પોતાના આસન પરથી વિચલિત ન થયા. એ શાંત જ રહ્યા. એમની નિર્વિકારિતા અને શાંતિ જોઈને એ વિસ્મય પામ્યા ને પૈસા મૂકીને મારી સાથે પાછા ફર્યા. એ પ્રસંગથી એ ખૂબ જ પ્રભાવિત થયા ને બોલ્યા, 'મહાત્મા સાધારણ નથી, એકદમ અસાધારણ છે. એના સિવાય આટલી બધી અલિપ્તતા અને શાંતિ ના હોઈ શકે.'

'તમને ખાતરી થઈ ?'

'હા'

'મને તો પહેલેથી જ, એમના દર્શનમાત્રથી જ એવું લાગેલું.'

'મને હવે લાગ્યું.'

'સારું.'

બીજે દિવસે સાંજે અમે મંદિરમાં ગયા ત્યારે એ મહાપુરુષ ત્યાં જ બેઠેલા. એમની પાસે પેલા ભક્તે દીક્ષાની માગણી કરી એટલે એમણે નમ્રતાપૂર્વક જણાવ્યું, 'દીક્ષા તો જીવમાત્રને ઈશ્વરની મળેલી જ છે. હું વળી દીક્ષા આપનાર કોણ ? શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક ઈશ્વરનું શરણ લો ને સ્મરણ કરો એ દીક્ષા જ છે.'

'પરંતુ તમારા જેવા મહાપુરુષનો આશીર્વાદ તો જોઈએ ને ?'

'આશીર્વાદ ઈશ્વરનો-મનુષ્ય શરીર મળ્યું ત્યારથી મળેલો જ છે. એ આશીર્વાદને ઓળખો. હું પોતે પણ એમના જ આશીર્વાદની કામના કરું છું. મારા આશીર્વાદની આવશ્યકતા હોય તો એ પણ છે જ. જીવન ઝડપી છે. કોઈને માટે રાહ જોઈને ઊભું નથી રહેતું. માટે કામ કરવા માંડો. વધારે વાતો કરવામાં વખત ના વીતાવો.'

એટલું બોલીને એ મહાપુરુષ મૂક રહ્યા. પછી એ બોલ્યા જ નહિ.

એ પછી બીજે દિવસે અમે એમને ત્યાં જોયા જ નહિ. એ ક્યાં ગયા તે ના સમજાયું. જગન્નાથપુરીમાં કોઈ ઠેકાણે એ જોવા જ ના મળ્યા. ભગવાન જગન્નાથ જ એમના રૂપમાં પોતાના મહિમાને પ્રગટ કરવા અને એવી રીતે અમારી શ્રદ્ધાભક્તિને બળવત્તર બનાવવા આવી પહોંચ્યા કે કોઈક પ્રાતઃસ્મરણીય સ્વનામધન્ય સિદ્ધપુરુષે અમારી ઉપર અનુગ્રહ કરીને એવી રીતે દર્શન દીધું એ ના સમજાયું, પરંતુ એ દર્શન હતું અતિશય આનંદદાયક અને પરમ પ્રેરણાપ્રદાયક એની ના નહિ. એ દર્શન દ્વારા અમને પ્રતીતિ થઈ કે ભારતની આધ્યાત્મિક પરંપરાનું પ્રતિનિધિત્વ કરનારા ઉજ્જવળ જીવનવાળા જ્યોતિર્ધરો હજુ જીવે છે ખરા.

આજે પણ એમનું સુખદ સ્મરણ થાય છે ત્યારે અંતર અસાધારણ આનંદ અને આદરભાવથી ભરાઈ જાય છે.

 - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.