Sat, Jan 16, 2021

ધનની સિદ્ધિ

ઈ.સ. ૧૯૪૫ના પોષ મહિનાની વાત છે.

દેવપ્રયાગથી માતા આનંદમયીને મળવાની ઈચ્છાથી હું આલ્મોડા ગયો હતો. દેવપ્રયાગથી હરદ્વાર, હરદ્વારથી બરેલી, બરેલીથી કાઠગોદામ ને કાઠગોદામથી ઠેઠ આલ્મોડા સુધીનો લાંબો પ્રવાસ કરી હું આલ્મોડામાં 'પાતાલદેવી' પર આવેલા માતા આનંદમયીના આશ્રમમાં આવી પહોંચ્યો. આશ્રમને જોઈ મને આનંદ થયો. ચારે તરફ આકાશને અડવાની હરિફાઈ કરતા પર્વતો ને વચ્ચે આશ્રમ, કેટલું બધું સુંદર દૃશ્ય !

પરંતુ આશ્રમમાં માતા આનંદમયી ન હતાં. ત્રણેક વર્ષથી તે ત્યાં આવ્યાં જ ન હતાં. આશ્રમના વ્યવસ્થાપક સંન્યાસી મહારાજે કહ્યું, 'નજદીકના ભવિષ્યમાં માતાજીની આવવાની કોઈ શક્યતા નથી.'

મને થયું કે માતાજીનો મેળાપ ન જ થઈ શકે તેમ હોય તો આશ્રમમાં રહેવાનો શો અર્થ ? આના કરતાં હું દેવપ્રયાગના મારા શાંત સ્થળમાં રહું તે જ સારું છે. એટલે બીજે જ દિવસે મેં આશ્રમ છોડી દેવપ્રયાગ જવાનો નિર્ણય કર્યો. પણ દેવપ્રયાગ જવું કેવી રીતે ? દેવપ્રયાગ જવાનો નિર્ણય કરવાથી કાંઈ દેવપ્રયાગ પહોંચી જવાય છે ? તે માટે ખર્ચ જોઈએ. ખિસ્સામાં જોયું તે ફક્ત બે જ રૂપીયા હતા. એટલામાં દેવપ્રયાગ કેવી રીતે પહોંચી શકાય ? પણ દેવપ્રયાગ જવું એ નક્કી છે. હૃદયના ઊંડાણમાંથી મેં પ્રભુને પ્રાર્થના કરી. 'હે પ્રભુ ! તમારે આધારે-ભરોસે જ હું અહીં આવ્યો છું. હવે તમે મને મદદ કરો તો જ પાછો જઈ શકીશ. તમે ખરેખર ભક્તરક્ષક હો ને ભક્તોના યોગક્ષેમને વહન કરતા હો, તો મને ગમે તે રીતે મદદ કરો, જેથી હું અહીંથી કોઈ તકલીફ વગર વિદાય લઈ શકું.'

દયાળુ પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી કે ગમે તેમ, પણ એ જ દિવસે સવારે મારી પાસે કોઈ સાધુપુરુષ આવ્યા. વીસેક વર્ષની ઉમ્મર, લાંબા કાળા વાળ, શરીરે લાંબો ગરમ ઝબ્બો ને ઉઘાડા પગ. મારી પાસે આવીને એમણે નમસ્કાર કર્યા. એમને જોઈ મને આનંદ થયો. 'કહાંસે આતે હો ? મેં પૂછ્યું.

એમને મૌનવ્રત હતું એટલે થેલીમાંથી સ્લેટપેન કાઢી એમણે લખવા માંડ્યું, 'કૈલાસ માનસરોવરસે આતા હૂં.'

મને થયું : કૈલાસ માનસરોવરથી અત્યારે કેવી રીતે આવી શકાય ? આ ૠતુમાં ત્યાં જઈ શકાય કેવી રીતે ? અત્યારે તો શિયાળો ચાલે છે. પરંતુ એમણે સ્લેટ પર લખ્યું : 'એકાદ વરસથી એ તરફ રહેતો હતો, ને હવે બદરીનાથ જવું છે, એટલે આ બાજુ આવ્યો છું.'

એ પછી મેં એમને મારું તાજેતરમાં લખેલું ગીત સંભળાવ્યું. તેથી તે ખૂબ પ્રસન્ન થઈ કહેવા માંડ્યા, 'મારે તમારી સેવા કરવી છે.' બધી વાત તે લખીને જ કરતા-હિંદી ભાષામાં.

મેં કહ્યું, 'તમે મારી શી સેવા કરશો ? તમારી પાસે કાંઈ હોય તો સેવા કરો ને ? તમે તો ફક્કડ છો, એટલે અગિયારસ બારસને જમવાનું નોતરું આપે એના જેવું કરી રહ્યા છો.'

એમણે હસીને લખ્યું, 'તેવું નથી કરી રહ્યો. હું તમારી સાચેસાચ સેવા કરવા માંગું છું. તમે મારામાં વિશ્વાસ રાખો.'

અને એમણે એમની થેલીમાંથી એક કોથળી કાઢી. કોથળી હાથે સીવેલી ને બહુ નાની હતી. લખીને પૂછ્યું, 'કેટલા રૂપિયા જોઈએ છે ? તમે ના નહિ પાડો ત્યાં સુધી આ કોથળી રૂપિયા કાઢ્યા કરશે. મારી પાસે આ કોથળી સિવાય બીજું કાંઈ નથી.'

મને નવાઈ લાગી. નવાઈ લાગે તેવો જ પ્રસંગ હતો. કોથળીની કરામતની વાત સાંભળી મારું મન વિચારે ચઢ્યું. આવી શક્તિ શું શક્ય હશે ? મને મદદ કરવા આવેલા આ મહાપુરુષ કોઈ સમર્થ યોગી હશે કે પછી સાક્ષાત ઈશ્વર હશે ?

પરંતુ એમણે તો કોથળીમાંથી એક પછી એક રૂપિયા કાઢવા માંડ્યા, ચસકતા, તાજા, ટંકશાળમાંથી કાઢ્યા હોય તેવા રૂપિયા. મારે પાંત્રીસ રૂપિયાની જરૂર હતી. છતાં તેમણે આગ્રહ કરીને ચાલીસ આપીને લખ્યું, 'તમારા ઉપર પ્રેમ થવાથી મેં આ કોથળીનો તમારા માટે ઉપયોગ કર્યો છે. બાકી આને ગુપ્ત રાખું છું. મારી પાસે જે સિદ્ધિ છે તેમાંની આ એક છે.'

હું તો આભો બની ગયો. રાનીખેત સુધી અમે મોટરમાં સાથે હતા. પછી તે છૂટા પડ્યા ત્યારે મેં પૂછ્યું, 'તમારું નામ ?' તેમણે લખ્યું, 'રામદાસ'.

એ કોઈ સમર્થ યોગી હતા .... રામના દાસ હતા, કે ઈશ્વર અથવા તો સાક્ષાત રામ હતા ? એ વાત હું આજે પણ વિચારી રહ્યો છું. પણ હતા એ અતિ અસાધારણ, એમાં શંકા નથી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you judge another, you do not define them, you define yourself.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.