Sat, Jan 16, 2021

કાયાપલટ

નિર્વિકલ્પ સમાધિ યોગસાધનાની ઘણી ઊંચી અવસ્થા કહેવાય છે. એ સમાધિની પ્રાપ્તિ કાંઈ જેને-તેને નથી થતી. એને માટે લાંબા વખત લગી ઉત્સાહ, ધીરજ, ખંત અને હિંમતપૂર્વક કોઈ કુશળ માર્ગદર્શક અથવા સદગુરુની સૂચનાનુસાર નિયમિત રીતે પુરુષાર્થ કરવો પડે છે. ત્યારે કોઈ ધન્ય ક્ષણે એ પુરુષાર્થ ફળે છે અને નિર્વિકલ્પ સમાધિના મંગલમય મંદિરનું દ્વાર ઉઘડી શકે છે.

અષ્ટાંગયોગમાં શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે વિચારીએ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિનો સમાવેશ થાય છે. તેમાં સમાધિ છેવટનું અંગ છે. ધ્યાનની સાધનામાં સિદ્ધહસ્ત થયા પછી કોઈક સૌભાગ્યશાળી સાધકને જ એ સમાધિની પ્રાપ્તિ થાય છે, અને સમાધિની પ્રાપ્તિ થયા પછી પણ, જીવનને કૃતાર્થ કરનારી, આત્મદર્શનનો અલૌકિક આનંદ આપનારી, નિર્વિકલ્પ સમાધિ તો અબજોમાં કોઈક એકાદ બડભાગીને જ મળતી હોય છે. એ એટલી બધી અસાધારણ, અમુલખ અથવા વિરલ છે. એટલે જ જ્ઞાની ને યોગી-શિરોમણી શંકરાચાર્યે એના અનુભવની અસાધારણતાનો નિર્દેશ કરતા કહ્યું છે કે, 'સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના પરમ સુખસાગરમાં જેનું મન નિર્વિકલ્પ સમાધિમાં પ્રવેશીને મળી ગયું, કે સમાઈ ગયું છે તે મહાપુરુષનું કુળ પવિત્ર થયું, એની જનની કૃતાર્થ બની, અને એને લીધે પૃથ્વી પણ પુણ્યવતી થઈ ગઈ.'

અને એટલા માટે જ, નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરવાની એમણે ખાસ સૂચના આપી છે.

મહાત્મા શ્રી રામકૃષ્ણ પરમહંસને એમના યોગી ગુરુ તોતાપુરીની મદદથી એ સમાધિની પ્રાપ્તિ થઈ. પછી તો એની અનુભૂતિ એમને માટે એકદમ સ્વાભાવિક બની ગઈ. જગદંબાનું નામ લેતાં કે ગીત ગાતાં અથવા સાંભળતાં એમને એકાએક સમાધિ થઈ જતી. તે જોઈને એમની આજુબાજુના ભક્તો ને સાધકો આશ્ચર્યમાં ડૂબી જતાં. એમના પટ્ટશિષ્ય વિવેકાનંદને પણ ભારે આશ્ચર્ય થતું.

એક દિવસ વિવેકાનંદે-એ વખતે એમણે સંન્યાસ લીધો ન હતો, એમનું નામ નરેન્દ્ર હતું-પોતાના એ આલમની અજાયબી જેવા સર્વસમર્થ લોકોત્તર સદ્દગુરુને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી. રામકૃષ્ણદેવને નરેન્દ્ર પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો. એ એની સુષુપ્ત શક્તિઓને અને એના ઉજ્જવળ ભાવિને સારી પેઠે જાણતા. એટલે નરેન્દ્રને આશીર્વાદ આપીને બોલ્યા, 'જેવી રીતે કરે છે તેવી રીતે રોજ નિયમિત ધ્યાનની સાધના કરતો રહે તો થોડા જ વખતમાં એક ધન્ય દિવસે તને નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ જરૂર થઈ રહેશે.'

રામકૃષ્ણદેવ જેવા મહાપુરુષની વાણી તથા સુભાશિષ ખોટા તો પડે જ કેવી રીતે ? એ તો સદા અમોઘ જ હોય. એ વાણીએ અને એની અંદર સંમિશ્રિત થયેલી સુભાશિષે નરેન્દ્રને વધારે ને વધારે ધ્યાન કરવાની પ્રેરણા આપી. એક દિવસ ધ્યાનની દૈવી દશામાં એને લાગ્યું કે એના ગુરુ એની ઉપર વિશેષ કૃપા કરી રહ્યા છે. એમની કૃપાથી એનું શાંત એકાગ્ર મન જોતજોતાંમાં શરીર તેમજ ઈન્દ્રિયોના પ્રદેશનો પરિત્યાગ કરીને નિર્વિકલ્પ સમાધિના પરમ સુખમય ક્ષીરસાગરમાં ડૂબી ગયું. એ વખતના અલૌકિક આનંદની કલ્પના પણ કોણ કરી શકે ? એ તો અનુભવની વસ્તુ હતી, કલ્પનાની નહિ. નરેન્દ્રનું મન સમાધિની પરમાનંદમય અલૌકિક અવસ્થામાંથી જાગ્યા પછી પણ એવું જ આનંદમય અને શાંત રહ્યું. એણે રામકૃષ્ણદેવનો, એમના અદ્દભૂત અનુગ્રહ બદલ આભાર માન્યો. એટલે એમણે એને કોઈ મનપસંદ વસ્તુ માંગવા કહ્યું. તો એણે જણાવ્યું, 'થોડા વખતની સમાધિમાં જો આટલો બધો રસ ને આનંદ છે, તો કાયમની સમાધિમાં કેટલો બધો રસ ને આનંદ હશે ? તમે કૃપા કરીને મને એવી અવસ્થા આપો કે હું દિવસો સુધી સમાધિમાં જ પડ્યો રહું ને મને ખાવાપીવાનું, બોલવાનું કે બીજુ કશું ભાન જ ના રહે.'

રામકૃષ્ણદેવે જરાક હસીને છતાં જરાક કરૂણ સ્વરે કહ્યું, 'હું તો તને ઘણો વિવેકી માનતો'તો. પરંતુ તું તો સ્વાર્થની જ વાતો કર્યા કરે છે. દુનિયામાં ચારે કોર કેટલું બધું અજ્ઞાન, દુઃખ, ક્રંદન અને શોષણ છે તેની તને ખબર નથી ? તેને દૂર કરવા માટે તું કંઈ જ નહિ કરે ને તારા જ સુખનો વિચાર કરીને બેસી રહેશે ? ના, એવા એકલપેટા થવાને બદલે, બીજાને ઉપયોગી થવા માટે જગદંબાની મરજીને માન આપીને તારે જીવનભર પુરુષાર્થ કરવો પડશે. તારો જન્મ એટલા માટે જ છે. એ હેતુ પુરો થશે ત્યારે તને સમાધિનો એ અદ્દભૂત આનંદ ફરી મળી શકશે.'

નરેન્દ્ર સમજી ગયો. ગુરુની પ્રેરણા પ્રમાણે પાછળથી એ જ નરેન્દ્રે વીર વિવેકાનંદ બનીને જે વિરાટ કર્મ કર્યું, તે લોકસેવાના કર્મથી સૌ સુપરિચિત છે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.