સ્વાતિબિંદુ
પંખી પોતાના માળામાં પાછાં ફરે છે; ગાયો ગામની વાટે વળે છે. મધુથી મુગ્ધ મધુકર કમલદલને બિડાતાં જોઈને, કૃતાર્થતાનું ગીત ગાતાં મુસાફરીનો મહોત્સવ કરે છે.
મારી મુસાફરીને મેં શી સામગ્રી સાથે શરૂ કરી તેની મને ખબર નથી. પણ એટલું તો સાચું છે કે મુસાફરી મારે માટે મધુમય અને મંગલ થઈ પડી છે.
જે કાંઈ જોઉં છું તે બધું જ મંગલમય થઈ ગયું છે. જે કાંઈ અનુભવું છું, બોલું છું, સાંભળું છું તે પણ મંગલમય. અમૃતનો આસ્વાદ લેતો મારો અંતરાત્મા આઠે પહોર કોઈ મધુમય મહોત્સવમાં સામેલ થયો હોય એમ મને લાગ્યા કરે છે.
હવે જ્યારે મોટા ભાગની કેડી કપાઈ ગઈ છે ને સાંજનો સોનેરી સમય સમીપ છે ત્યારે, મને કહેવા દે કે મહીમંડળની મારી મુસાફરી મિથ્યા નથી થઈ. એની પ્રત્યેક પળ મારે માટે પાવન, પ્રાણવાન થઈ પડી છે; તારા સ્વર્ણમંદિરના સોપાનની શ્રેણી થઈ પડી છે !
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)