સ્વાતિબિંદુ
કઈ ધન્ય ઘડીએ તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આનંદદાયક, મંગલમય, ઉપકારક, એમાં સંદેહ નથી.
એણે મારી કાયાપલટ કરી નાખી છે. મારા રેતાળ રણ જેવા જીવનમાં વહાલની વનસ્થલી પેદા કરી છે. મને પ્રેરણાની નવી સામગ્રી ધરી છે.
કઈ ધન્ય ઘડીએ તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આશીર્વાદરૂપ, એમાં સંદેહ નથી.
પાંખ વિનાના પંખીને પાંખ મળી ગઈ, અંધને આંખ, જડને જીવનની પ્રાપ્તિ થઈ. મરુભૂમિમાં સુધામય સ્વર્ગીય સરિતાની સૃષ્ટિ થઈ. તન, મન, અંતરની વીણા પર નવા સ્વરની સૃષ્ટિ થઈ.
કઈ ધન્ય ઘડીએ, કયા કારણે તમારો ને મારો મેળાપ થઈ ગયો છે તેની મને ખબર નથી; પણ આપણો મેળાપ થયો છે અત્યંત આહ્લાદક, અનેરો, ઐતિહાસિક, એમાં સંદેહ નથી.
(૧૫-૩-૧૯૬૦)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)