સ્વાતિબિંદુ
તમારા પ્રેમનાં ગીતો કેટલાં બધાં સરસ ને ભાવવાહી હોય છે ! ઉરના ભાવ ને ઉમળકાને રજૂ કરનારાં ગીતો કાળજામાં કાયમને માટે કોતરાઈને અમર રહી જાય છે.
મને એ ગીતો ઘણાં જ ગમે છે. અને તમારું શું નથી ગમતું ? ખરી રીતે તો તમે મને ખૂબ ગમો છો. તમારા પર મને અત્યંત વહાલ છે. તેથી તમારી પ્રત્યેક વસ્તુ મને પ્યારી લાગે છે.
તમારે માટેનાં ગીતો તો ગીતા કરતાંયે વધી જાય છે. તેના વાચન પાસે ગીતાપાઠ પણ નીરસ લાગે છે. અંતરને એ આનંદ આપે છે; આંખને તૃપ્તિ.
જેમ ઉષા રોજ નવુંનવું રળિયામણું રૂપ ધારણ કરે છે; ફૂલ નવીનવી ફોરમ લઈને ખીલી ઊઠે છે; નદી નિત્યનૂતન દેખાય છે, ને ગગનની ગહનતા મટતી નથી; તેમ તે રોજરોજ નવો રસ, નવું રૂપ, નવી ફોરમ, નવી ગહનતાને ધારણ કરશે. એમ કહો કે નિત્યનૂતન થયા કરશે. જ્યારે જ્યારે એનું વાચન કરવાનો વખત મળશે ત્યારે ત્યારે જીવન ઉત્સવમય લાગશે; અવનવા આનંદે આપ્લાવિત બનશે.
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)