Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અરે મારા પાગલ પ્રાણ ! પામરતાનો પરિત્યાગ કરીને તારા પ્રિયતમને નેહભરી નજરથી નિરખી તો લે ! આવો અમુલખ અવસર ક્યારે મળવાનો હતો ? પ્રિયતમને પેખી તો લે !

અરે મારી આળસથી અંજાયેલી આંખ ! આળસનો અંત આણીને, અમૃતનું અંજન આંજીને પ્રિયતમને પેખી તો લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? પ્રિયતમને જરા દેખી તો લે !

અરે મારા રાગરહિત હૃદય ! રાગથી રંગાઈને ને રસિક બનીને તારી પદ્મપાંખડી પર તારા પ્રિયતમની પ્રતિષ્ઠા તો કરી લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? પ્રાણાધારની પ્રતિષ્ઠા તો કરી લે !

અરે મારા સુસ્ત શરીર ! સુસ્તીને છોડીને એ તારી રાહ જોતો, તને આશ્લેષ આપવા માગતો હાથ ફેલાવીને ઊભો છે; ત્યારે એને આશ્લેષ તો આપી લે ! આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ? એને કંઠે કુસુમ કરતાંયે કોમલ એવી માળા તો કરી દે !

અરે મારા જડ જીવન ! તારું બધું જ એને ચરણે ધરી દે. તું એનું જ બની લે. આવો અમુલખ અવસર ફરી ક્યારે મળવાનો હતો ?

(૨૯-૩-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)