Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અન્નના દેવતા લાગે ઉઠી જાણે હવે ગયા,
મરવાનું હવે આવ્યું સમીપે છેક લાગતું.
એથી ખવાય ના અન્ન, રુચિ ના અન્નની થતી,
જોતાંવેંત જ જાગે છે ચિત્તમાં ઉપરામતા.

અન્નના દેવતા લાગે ઊઠી જાણે હવે ગયા,
હવે જીવન છે થોડું છતાં ચિંતા મને નથી,
પંચમહાભૂતતણો ક્યાંયે અજરામર ના રથ,
છોડી એને જશે અંતે અજ્ઞાતસ્થળમાં રથી.

મન મારું રમે પ્રેમે પદમાં પરમાત્મના
તેથી શોક નથી ના છે મોહઆસક્તિવાસના;
મને નિરાંત છે કે હું વિરાજું પ્રભુપાસમાં;
બંધાયો પ્રાણ ના મારો લેશ લૌકિક પાશમાં.

મરવાનું હશે આવ્યું તોય ઉદ્વેગ લેશ ના
જઇશ શાંતિથી છોડી દેહને પ્રભુધામમાં
સાધારણ પથારી આ નથી મારી અહીં થઇ,
પથારી મૃત્યુની એને કહો દિવ્ય મુક્તિની.
ઊઠાશે ના હવે ત્યાંથી તોય લેશ ના વેદના
આત્મામાં જ રમે એને મમતા હોય લેશ ના.

તમારા એ હતા શબ્દો સર્વે અંતિમકાળના.
અંતસમે તમે લીન બનીને આત્મધ્યાનમાં
સ્થિતપ્રજ્ઞસમાં સૂતાં દેહાધ્યાસથકી પર,
કાળનું શે પછી વાગે વીંધે કે તમને શર ?
બન્યાં અમર ને અર્પ્યો મહામંત્ર સનાતન,
કાયાને ત્યાગતાં સૌને ચીંધ્યો અમૃતનો પથ.

 - શ્રી યોગેશ્વરજી