બદરીનાથ - ૨

દેવપ્રયાગ : દેવપ્રયાગનું સ્થળ પ્રાકૃતિક સૌન્દર્યથી ભરેલું છે. ત્યાં અલકનંદા તથા ભાગીરથીનો સંગમ થાય છે. પર્વતની ખીણમાં, નદીના કિનારા પર, થોડેક ઉપર ગામ વસેલું છે. સંગમને લીધે એની શોભા વધી જાય છે. બદરીનાથના પંડાઓ મોટે ભાગે ત્યાં રહે છે. સંગમના સ્થળ પાસે બંને નદીઓ પરસ્પર આલિંગન આપતી એક થાય છે. ત્યાંથી આગળ જતાં તે ગંગાના નામથી ઓળખાય છે. અલકનંદા સ્થિતપ્રજ્ઞ યોગિની જેવી થોડીક ગંભીર અને શાંત બની જાય છે, પરંતુ ભાગીરથી મત્ત બનીને પોતાની બહેનને મળવા મુક્ત હૈયે ઊછળવા માંડે છે. એમના પવિત્ર સંગમમાં યાત્રીઓ સ્નાન કરે છે. સંગમના પાણીનો વેગ એટલો બધો પ્રબળ છે કે યાત્રીઓ ખૂબ જ સંભાળીને કિનારે જ સ્નાન કરે છે. કિનારા પર સાંકળની વ્યવસ્થા છે. યાત્રીઓ તેને પકડીને ડૂબકી મારે છે. સંગમ પર પિંડદાન કરવાની પણ પ્રથા છે.

દેવપ્રયાગની આજુબાજુ ગુદ્ધાચલ, નરસિંહાચલ અને દશરથાચલ નામના ત્રણ પર્વતો છે. સંગમથી થોડેક દૂર રઘુનાથજીનું પ્રાચીન મંદિર છે. ત્યાં જવા માટે પગથિયાં ચઢવાં પડે છે. મંદિરની પાછળની નાની ગુફામાં કોઈવાર કોઈ એકાંતપ્રેમી સંતપુરુષો આવીને નિવાસ કરે છે.

શ્રીનગર : દેવપ્રયાગથી આગળ જતાં શ્રીનગર આવે છે. શ્રીનગર સપાટ મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. ત્યાં કાલી કમલીવાલાની સુંદર, વિશાળ ધર્મશાલા છે. ઉપરાંત, સત્યનારાયણ ભગવાન ને હનુમાનજીનું મંદિર છે. એ સ્થળને ‘શ્રીક્ષેત્ર’ કહેવામાં આવે છે. એ પ્રાચીન ગઢવાલની રાજધાનીનું નગર હતું, એવું પણ માનવામાં આવે છે. સત્યયુગમાં કોલાસુરના ત્રાસથી દુઃખી રાજા સત્યસંઘે આ સ્થળમાં ભગવતીની આરાધના કરેલી. ભગવતીએ પ્રસન્ન થઈને એને વરદાન આપેલું. તેથી એ રાજા એ અસુરનો નાશ કરવા સમર્થ બનેલો. અહીંથી એકાદ માઈલ દૂર જે કમલેશ્વર મહાદેવનું મંદિર છે તેના સંબંધમાં પુષ્પદંતના પ્રખ્યાત ‘શિવમહિમ્નસ્તોત્ર’ના પેલા શ્લોકમાં વર્ણવેલી કથા જેવી જ કથા પ્રચલિત છે કે, ભગવાન રામે એ સ્થળમાં હજાર કમળથી શંકર ભગવાનની પૂજા કરી ત્યારે એમની પ્રેમભક્તિની પરીક્ષા કરવા શંકરે એક કમળ છુપાવી દીધું, તે વખતે રામે એ કમળને બદલે પોતાની આંખ અર્પણ કરી; તેથી શંકર ભગવાન પ્રસન્ન થયા.

શ્રીનગરનું બજાર સારું છે.

શ્રીનગરથી આગળ જતાં રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, ચમોલી, જોશીમઠ અને વિષ્ણુપ્રયાગ આવે છે. રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ ને વિષ્ણુપ્રયાગમાં બે નદીઓનો સંગમ થતો હોવાથી દૃશ્ય ઘણું સુંદર લાગે છે.   

જોશીમઠ: જોશીમઠ ઊંચાઈ પર વસેલું સુંદર સ્થાન છે. ભારતની ચાર વિભિન્ન દિશાઓમાં શ્રી આદ્ય શંકરાચાર્યે જે ચાર જુદાજુદા મઠની સ્થાપના કરેલી તેમાંનો એક મઠ જોશીમઠમાં છે. તે જ્યોતિર્મઠ પણ કહેવાય છે. બદરીનાથમાં અતિશય ઠંડી તથા બરફને લીધે મંદિરની પૂજા છ મહિના સુધી બંધ રહે છે ત્યારે પૂજા અહીં જ કરવામાં આવે છે. ત્યાં સૈનિકોની છાવણી પણ છે. ત્યાં જ્યોતીશ્વર મહાદેવ તથા ભગવાન વિષ્ણુનાં મંદિર છે. નૃસિંહ ભગવાનના મંદિરમાં શાલિગ્રામ-શિલામાં ભગવાન નૃસિંહની સુંદર મૂર્તિ છે. એનો એક હાથ ખૂબ જ નાજુક છે. પૂજા કરતી વખતે, તે મૂર્તિથી અલગ થઈ જશે એવું લાગે છે. પંડાઓ કહે છે કે ભવિષ્યમાં જ્યારે એ હાથ છૂટો પડી જશે ત્યારે વિષ્ણુપ્રયાગથી આગળના નર અને નારાયણ પર્વતો એક થઈ જશે ને બદરીનાથનો રસ્તો બંધ થશે. પછી બદરીનાથ નહિ જઈ શકાય. એટલે તેને બદલે લોકો ભવિષ્યબદરીના દર્શને જશે. જોશીમઠથી નીતિઘાટ થઈને કૈલાસ જતા રસ્તા પર જોશીમઠથી છ માઈલ પર તપોવન છે. ત્યાંથી ત્રણ માઈલ પર જે વિષ્ણુ મંદિર છે તે જ ભવિષ્યબદરી છે એવું કહેવામાં આવે છે. મંદિરની પાસે ઝાડની નીચેની શિલામાં બારીકાઈથી જોવાથી ભગવાનની અડધી આકૃતિ દેખાય છે. તે આકૃતિ સંપૂર્ણ બનતાં ભવિષ્યમાં ત્યાં યાત્રા શરૂ થશે. પંડાઓ તરફથી એવું સ્પષ્ટીકરણ કરવામાં આવતું હોવા છતાં અત્યારે તો બદરીનાથની જાહોજલાલી વધતી જાય છે.

કેદારનાથ દર્શનનો લાભ લઈને ત્યાંથી બદરીનાથ તરફ આવતા યાત્રીઓના માર્ગમાં નાલાચટ્ટી પછી ઊખીમઠ આવે છે. ત્યાંથી આગળ વધતાં રસ્તામાં અઢાર માઈલ જતાં કાલીમઠ અને મદમહેશ્વર અથવા મધ્યમેશ્વર આવે છે. ત્યાંથી પાછું ઊખીમઠ આવવું પડે છે. એટલે કેટલાક યાત્રીઓ ત્યાં જતા નથી.

કાલીમઠ: કાલીમઠનું સ્થાન જંગલ તથા હિમાચ્છાદિત પર્વતમાળાની વચ્ચે આવેલું છે. ત્યાં એક કુંડ છે. તે બંને નવરાત્રી દરમિયાન ખોલવામાં આવે છે. તે સિવાય તેને પથ્થરથી ઢાંકી દેવામાં આવે છે. ત્યાં મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતીનાં મંદિર છે. તેને સિદ્ધપીઠ માનવામાં આવે છે. રક્તબીજના નાશ માટે દેવોએ કરેલી પ્રાર્થનાથી પ્રસન્ન થઈને મહાકાલીએ એમને અહીં દર્શન આપેલું એમ પણ કહેવાય છે.

તુંગનાથ : તુંગનાથ લગભગ ૭,000 ફૂટ ઊંચું, સુંદર અને શીતળ સ્થાન છે. ત્યાં પર્વત પર મોટું મંદિર છે અને પાતાળગંગા નામની એકદમ ઠંડી જલધારા છે. ત્યાં પહોંચવા માટે ઘણું ચઢાણ ચડવું પડે છે; છતાં ઉત્સાહી સ્ત્રીપુરુષો ત્યાં આનંદપૂર્વક પહોંચી જાય છે. ત્યાંથી ચોતરફ ઊંચીઊંચી સુંદર પર્વતમાળાનું દર્શન થાય છે. પૂર્વ તરફ નંદાદેવી ને દ્રોણાચલ પર્વતનાં શિખરો, ઉત્તર તરફ ગંગોત્રી, જમનોત્રી, કેદાર ને બદરીનાથનાં શિખરો, અને દક્ષિણ તરફ ચંદ્રવદની તેમ જ સુરખંડા દેવીનાં શિખરોનું દર્શન થાય છે. જે યાત્રી તુંગનાથ પર ચઢવા ના ઈચ્છે તે ચોપતાથી સીધા ભુલકનાચટ્ટી(દોઢ માઈલ) તથા ભીમડ્યાર(એક માઈલ) થઈને જંગલપટ્ટી પહોંચીને આગળ વધી શકે છે. આગળ જતાં ચમોલી આવે છે, જ્યાં હૃષીકેશથી સીધી બદરીનાથ જતી સડક મળી જાય છે. ત્યાંથી મોટર મારફત કે પગરસ્તે આગળ વધી શકાય છે.

પાંડુકેશ્વર : એ પર્વતમાં વસેલું, નાનું છતાં સુંદર ગામ છે. ત્યાં પાંડુકેશ્વરનું મંદિર છે. તેની મૂર્તિ મહારાજા પાંડુએ સ્થાપેલી કહેવાય છે. રાજા પાંડુએ રાણી કુંતી ને માદ્રી સાથે આ સ્થળમાં તપશ્ચર્યા કરેલી, ને પાંડવોનો જન્મ પણ અહીં જ થયેલો એમ કહેવાય છે. અહીં કાલી કમલીવાલાની ધર્મશાળા છે, અને નાનું છતાં સુંદર બજાર છે. બદરીનાથ જતા યાત્રીઓ એ સ્થાનમાં રોકાઈને જ આગળ વધવાનું પસંદ કરે છે.

હનુમાનચટ્ટી : પાંડુકેશ્વરથી પાંચથી સાડા-પાંચ માઈલ દૂર આવેલું હનુમાનચટ્ટીનું સ્થળ જરા ઊંચાઈ પર ને પુષ્કળ ઝાડપાનથી વીંટળાયેલું છે. ત્યાં પણ ધર્મશાળા ને હનુમાનજીનું મંદિર છે. ત્યાંથી બદરીનાથ લગભગ સાડા-ચાર માઈલ છે. રસ્તામાં મોટે ભાગે ચઢાણ આવે છે. એ ચઢાણ યાત્રીની કપરી કસોટી કરનારું થઈ પડે છે. છતાં બદરીનાથનું દર્શન કરવાના ઉમંગમાં યાત્રી એ ચઢાણ હિંમતથી ને શાંતિપૂર્વક પૂરું કરે છે. યાત્રા દરમિયાન એક બાજુ પર્વતની વચ્ચેથી વહી જતી, ઉછાળા મારતી અલકનંદા અને બીજી બાજુ પર્વતમાં કોરી કાઢેલો માર્ગ એ બંને અત્યંત આકર્ષક અને આનંદદાયક લાગે છે.

બદરીનાથની મૂર્તિ ધ્યાનસ્થ અને ચતુર્ભુજ છે. પરંપરાગત કથા પ્રમાણે, દેવતાઓએ એ મૂર્તિને નારદકુંડમાંથી બહાર કાઢીને સ્થાપિત કરેલી. એ પછી એ મંદિર પર બૌદ્ધોનું પ્રાબલ્ય થયું. મૂર્તિને એમણે બુદ્ધની મૂર્તિ માનીને પૂજવાનું ચાલુ રાખ્યું. આદ્ય શંકરાચાર્યના વખતમાં એ લોકો તિબેટમાં જતા રહ્યા. એ વખતે મૂર્તિને એમણે અલકનંદામાં નાખી દીધી. શંકરાચાર્યે એને અલકનંદામાંથી બહાર કાઢીને વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. કહેવાય છે કે એ પછી કેટલાય વખતે મંદિરના પૂજારીએ દર્શનાર્થીઓની કમી તથા ભોજનનું કષ્ટ હોવાથી, એ મૂર્તિને તપ્તકુંડમાં નાખી દીધી. એ પછી એને રામાનુજ સંપ્રદાયના કોઈક આચાર્યે ફરી સ્થાપી. બદરીનાથ મંદિરની મૂર્તિનો ઈતિહાસ આવો અનોખો છે.

નર-નારાયણ પર્વતોનાં બરફથી ચમકતાં શિખરો, નાનું છતાં સુંદર મંદિર, નિર્મળ અલકનંદા, અને એના સામે કિનારે સાધુસંતોના રહેવા માટેની કાલીકમલીવાલાની સંસ્થાની કુટિરો, એ સર્વ બદરીનાથની શોભામાં વધારો કરે છે. ત્યાં પોસ્ટઑફિસ ને દવાખાનું પણ છે. બજારમાં ભાતભાતની વસ્તુઓ મળે છે. મંદિરની તથા કાલી કમલીવાલા ક્ષેત્ર તથા પંજાબ-સિંધ ક્ષેત્રમાંથી ભિક્ષા મળે છે.

તપ્તકુંડ:  અહીં વહેતી અલકનંદાનું પાણી એટલું બધું ઠંડુ છે કે વાત ન પૂછો. એટલે ઈશ્વરે ભક્તોને માટે પહેલેથી જ કુંડની વ્યવસ્થા કરી રાખી છે. અલકનંદાના કિનારા પર જ ઊકળતા ગરમ પાણીના કુંડ છે. યાત્રીઓ એમાં હોંશેહોંશે સ્નાન કરે છે.

તપ્તકુંડની નીચે પાંચ શિલાઓ છે : ગરુડશિલા, નારદશિલા, માર્કંડેયશિલા, નરસિંહશિલા અને વારાહીશિલા.

બ્રહ્મકપાલ: તપ્તકુંડના ઉપરના રસ્તા પર થોડેક આગળ ચાલીને અલકનંદા નદી તરફ જઈએ એટલે બ્રહ્મકપાલ તીર્થ આવે છે. ત્યાં પિંડદાન કરવાની પ્રથા છે. એ તીર્થથી દૃષ્ટિપાત કરતાં બદરીનાથની ભૂમિ ખૂબ રમણીય લાગે છે. એના નીચે બ્રહ્મકુંડ છે. ત્યાં બ્રહ્માએ તપ કરેલું એમ કહેવાય છે.

માતામૂર્તિ : માતામૂર્તિ તીર્થ બદરીનાથથી લગભગ ત્રણ માઈલ દૂર છે. ત્યાં નર-નારાયણની માતામૂર્તિ દેવીનું નાનુંસરખું મંદિર છે. એ સ્થળમાં ભાદરવા સુદ બારસને દિવસે મેળો ભરાય છે.

ચરણપાદુકા : મંદિરના પાછળના ભાગમાં પર્વત પર જરા ઉપર ચઢીએ તો ચરણપાદુકા નામે સુંદર સ્થાન આવે છે. ત્યાં લીલુંછમ ઘાસ છે, રંગબેરંગી ફૂલો છે અને સુંદર ઝરણાં છે. ત્યાંથી નળ દ્વારા મંદિરમાં પાણી લાવવામાં આવે છે. ચરણપાદુકાથી ઉપરના ભાગે ઉર્વશીકુંડ છે.

કેશવપ્રયાગ : બદરીનાથથી આગળ જતાં માણા ગામની પાસે અલકનંદામાં સરસ્વતીની ધારા મળે છે. એ સંગમસ્થાનને કેશવપ્રયાગ કહેવામાં આવે છે. ત્યાં સરસ્વતીના કિનારા પર શમ્યાપ્રાસ તીર્થ છે. મહર્ષિ વ્યાસનો આશ્રમ એ જ સ્થાનમાં હતો એમ કહેવાય છે. ત્યાં રહીને એમણે અઢાર પુરાણોના રચના કરેલી. માણા ગામમાં વ્યાસગુફા પણ જોવા મળે છે. વ્યાસગુફાના પર્વતશિખર પર મુચુકુંદ ગુફા છે. ભગવાન શ્રીકૃષ્ણના આદેશ અનુસાર રાજા મુચુકુંદે ત્યાં તપ કરેલું. એ તરફથી સરસ્વતીના તટપ્રદેશ પરથી જતો માર્ગ થુલિંગ મઠ થઈને કૈલાસ માનસરોવર જાય છે. માણા ગામ આ બાજુની ભારતીય સીમાનું છેલ્લું ગામ છે.

વસુધારા : માણા ગામથી આગળ વધીએ એટલે વસુધારા નામે સુંદર સ્થાન આવે છે. ત્યાં હિમાચ્છાદિત પર્વત પરથી પાણીની ધારા પડે છે. ત્યાં નાની ધર્મશાળા પણ છે. ઘણા પ્રકૃતિપ્રેમીઓ ત્યાં સુધી આવે છે.

સત્પથ : માતામૂર્તિથી ચારેક માઈલ દૂર લક્ષ્મીવન છે. ત્યાં ભોજપત્રનાં વૃક્ષોનું વન છે. લક્ષ્મીધારા નામે ઝરણું પણ ત્યાં વહે છે. આગળનો રસ્તો ઘણો વિકટ છે. નારાયણ પર્વત સુધી એ દીવાલ જેવો દેખાય છે. એના પરથી પાણીની અનેક ધારાઓ ઢળ્યા કરે છે. એ રસ્તે આગળ જતાં ચક્રતીર્થ આવે છે. ત્યાંથી ત્રણ-ચાર માઈલ આગળ જતાં સ્વર્ગારોહણ કે સત્પથ આવે છે. એથી થોડેક ઉપર પવિત્ર પાણીથી ભરેલું સુંદર શીતળ સરોવર છે.

સત્પથની આગળનો રસ્તો ભારે વિકટ છે. પર્વતની ધાર પરથી ઉપર ચઢવું પડે છે. આગળ જતાં નીચે ગોળ કુંડ દેખાય છે. તેને સોમતીર્થ કહે છે. તેમાં મોટે ભાગે પાણી નથી હોતું. ત્યાં ચંદ્રમાએ તપ કરેલું એમ કહેવાય છે.

સત્પથની યાત્રા મોટે ભાગે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં થાય છે. ઉનાળામાં પર્વત પરથી બરફના ટુકડાઓ પડે છે, જ્યારે વરસાદમાં પથ્થર પડવાથી માર્ગ જોખમકારક બને છે. ઉપરાંત, સાત દિવસ માટેની ખાવાની સામગ્રી, તંબુ, પાથરણું ને સારા ભોમિયાની પણ એ યાત્રામાં જરૂર પડે છે. કહે છે કે પાંડવો સત્પથ અથવા સ્વર્ગારોહણના આ હિમાચ્છાદિત પર્વતમાં ક્રમેક્રમે શાંત થઈ ગયા હતા. ફક્ત યુધિષ્ઠિર બાકી રહ્યા હતા. તે અહીં થઈને સ્વર્ગમાં ગયા હતા.

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.