બદરીનાથ - ૩

મહાત્મા બચ્ચીદાસજી : બદરીનાથમાં અમે પ્રથમવારની યાત્રા દરમિયાન ત્રણેક દિવસ રોકાયા. એ વખતે અમને ત્યાં રહેતા બાબા બચ્ચીદાસની મુલાકાતનો લાભ મળ્યો. અલકનંદા અને ઋષિગંગાના સંગમ પાસેની નાનીસરખી કુટિરમાં બાબા રહેતા હતા. સૌથી પહેલાં એ દેવપ્રયાગમાં રહેતા અને સંતપુરુષોની સેવા કરતા. એકવાર દેવપ્રયાગમાં એક બંગાલી મહાત્માની પધરામણી થઈ. એમણે બચ્ચીદાસજીને કોઈ સાધનાની વિધિ બતાવી, એકાદ માસ કેવળ ચા ઉપર રાખ્યા, અને તપ માટે બદરીનાથ જઈને રહેવાની આજ્ઞા કરી. પછી તો એ બદરીનાથમાં કાયમને માટે રહી ગયા. કહે છે કે સાધના કરતાં કરતાં એ ઘણી ઊંચી અવસ્થા પર પહોંચી ગયેલા. બદરીનાથના ઠંડા પ્રદેશમાં રહીને વરસો સુધી સાધના કરવામાં ખૂબ જ સંયમ ને સહનશક્તિની જરૂર રહે છે. અમને એમને માટે માન પેદા થયું. બચ્ચીદાસજીની પહેલાં બદરીનાથમાં સિદ્ધ બાબા સુંદરનાથજી રહેતા. વરસો સુધી એ બદરીનાથમાં તદ્દન નગ્નાવસ્થામાં રહ્યા. મંદિરની સામે, અલકનંદાની પેલી પાર, એક વિશાળ શિલા પર હંમેશ બધી ઋતુઓમાં અર્ધપદ્માસન વાળીને એ બેસી રહેતા. એકવાર એ અચાનક અદૃશ્ય થઈ ગયા. જે સ્થળે એ બેસતા ત્યાં એક નાનુંશું વૃક્ષ થઈ ગયું છે. બદરીનાથવાસી સંતોમાં બચ્ચીદાસજી અને વસુધારાની ગુફામાં રહેનારા એ સંત મુખ્ય હતા.

બદરીનાથના મંદિરના વિશુદ્ધ વાતાવરણનો પ્રભાવ મન પર ઘણો સારો પડે છે. આકાશને અડવાની હરીફાઈ કરતા ઊભેલા, બરફથી છવાયેલા સુંદર પર્વતોને જોયા જ કરીએ એવું થયા કરે છે. એમાં પણ ચાંદની રાતમાં ગંગા, પર્વત ને મેદાન પર ચંદ્રમાનાં ચારુ કિરણો ફરી વળ્યા હોય ત્યારે તો અમૃતની વૃષ્ટિ થતી હોય એવો ભાસ થાય છે. એવા અલૌકિક વાતાવણમાં મન સહેલાઈથી શાંત ને સ્થિર થાય છે, પરમાત્મા તરફ વહેવા માંડે છે. શાસ્ત્રોએ ને મહાપુરુષોએ એવા શાંત, સુંદર ને એકાંત વાતાવરણમાં રહીને સાધના કરવાની જે સૂચના કરી છે તેનો મર્મ એ વખતે સહેલાઈથી સમજાઈ જાય છે. સંસારની નશ્વરતા ને પરિવર્તનશીલતાનું ચિત્ર આંખ આગળ આવીને હાજર થાય છે કે, જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે છે; આપણે અસત્યમાંથી સત્ય, અંધકારમાંથી જ્ઞાન, અલ્પતામાંથી પૂર્ણતા અને મૃત્યુમાંથી અમૃતત્વમાં પહોંચી જવું જોઈએ; વિષયરસને છોડીને ઈશ્વરપ્રેમનો રસાસ્વાદ લેવો જોઈએ. એ દિવ્ય વાતાવરણમાં ગત જીવન યાદ આવે છે અને નૂતન જીવનની રૂપરેખા તૈયાર કરવાનું મન થાય છે. હૃદય પ્રભુની પ્રેમગંગામાં સ્નાન કરીને પ્રાર્થનાની પેલા પ્રખ્યાત પંક્તિમાં પોકારી ઊઠે છે :
"અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ, લઈ જા;
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા."

બદરીનાથના શાંતિમય વાતાવરણમાં વિવેકી પુરુષોને એવી રીતે પ્રેરણાનો લાભ મળી રહે છે; પરંતુ ત્યાં ઠંડી તથા ખાનપાનની અગવડને લીધે લાંબો વખત રહેવાનું મુશ્કેલ છે. યાત્રી વધુમાં વધુ ત્રણ દિવસ રહે છે.

બદરીનાથના સંબંધમાં પૌરાણિક કથા

પુરાણોમાં બીજાં તીર્થોની જેમ બદરીનાથનો ઉલ્લેખ પણ કરેલો છે. એમાં કહેવાયેલી બદરીનાથની કથા આ પ્રમાણે છે : બ્રહ્માના પુત્ર દક્ષની સોળ પુત્રીઓ હતી. એ સોળ પુત્રીઓમાંથી તેરનું લગ્ન ધર્મરાજ સાથે કરવામાં આવેલું. એ છોકરીઓમાંથી એકનું નામ શ્રીમૂર્તિ કે માતામૂર્તિ હતું. એના બે પુત્રો : એક નર અને બીજો નારાયણ. એ બંને ભાઈઓમાં પરસ્પર પુષ્કળ પ્રેમ હતો. એ હંમેશા સાથે જ રહેતા. નર નાના હતા ને નારાયણ મોટા. બંનેને માતા પર ખૂબ જ પ્રેમ હતો. તેઓ માતાની ખૂબ સેવા કરતા. પ્રસન્ન થઈને એક દિવસ માતાએ કહ્યું, ‘તમારી બંનેની સેવાથી પ્રસન્ન છું. માગવું હોય તે માગો. મનોવાંછિત વસ્તુ અર્પણ કરીશ.’

નર ને નારાયણના વિચારો ઉત્તમ હતા. એ કહેવા માંડ્યા : ‘અમારી ઈચ્છા વનમાં જઈને તપશ્ચર્યા કરવાની છે. એ જ વરદાન આપો કે અમે વનમાં જઈને તપશ્ચર્યા પ્રવૃત્ત થઈએ.’

માતાને થયું કે તપ કરવાનું વરદાન આપવાથી બંને પુત્રોથી છુટા પડવું પડશે. પણ શું થાય ? પોતે વચન આપી ચૂકેલી, એટલે કોઈ ઉપાય નહોતો. એણે વરદાન આપી દીધું.

માતાનો આશીર્વાદ લઈને બંને ભાઈઓ હિમાલયમાં ગયા. એ પવિત્ર પ્રદેશમાં એક સ્થળે બદરી અથવા બોરનું વન જોઈને ત્યાં જ રહેવા લાગ્યા. ત્યાં ગંગા હતી, ઝરણાં હતાં, કંદમૂળ ને ફળફૂલ હતાં, બરફ હતો. બંને ભાઈઓએ એ પ્રદેશમાં તીવ્ર તપ કરવા માંડ્યું. એ તપથી સ્વર્ગના સ્વામી ઈન્દ્રને ભય લાગ્યો. એને થયું કે મારું ઈન્દ્રાસન જતું રહેશે કે શું ? એણે બંનેના તપમાં ભંગ પાડવા મેનકા જેવી અપ્સરાઓને આદેશ આપ્યો. એ અપ્સરાઓએ ઘણોય પરિશ્રમ કર્યો, પરંતુ તપમાં ભંગ ના પાડી શકી. એવી રીતે વરસો વીતી ગયાં, ત્યારે એક દિવસ નારાયણે આંખ ઉઘાડીને અપ્સરાઓને જોઈ. અપ્સરાઓ ડરી ગઈ. નારાયણે એમને આશ્વાસન આપી કહ્યું, ‘તમે અહીં રહી શકો છો એથી તમને કોઈ નુકશાન નહિ થાય.’

એ પછી એમણે અનેક અપ્સરાઓનો આવિર્ભાવ કર્યો. એમને દેખીને સ્વર્ગની અપ્સરાઓ લજાઈ ગઈ. નારાયણ ઋષિએ પેદા કરેલી અપ્સરાઓમાં ઉર્વશી પણ હતી. નારાયણે ઉર્વશીનું સ્વર્ગની અપ્સરાઓને અર્પણ કરતાં કહ્યું : ‘ઈન્દ્રને મારા તરફથી આ ભેટ આપજો.’

અપ્સરાઓ ઉર્વશીને લઈને ઈન્દ્રની પાસે આવી ત્યારે એને જોઈને ઈન્દ્ર મુગ્ધ થઈ ગયો. એને થયું કે આવા અદ્દભુત રત્નને પેદા કરનાર અને એનાથી પ્રભાવિત ના થનાર નારાયણ ઋષિ કોઈ સામાન્ય માનવ નથી, પરંતુ ઈશ્વરના અવતાર છે. એમને ચલિત કરવાનો વિચાર કરવા બદલ એને અફસોસ થયો.

બંને ઋષિઓ કલિયુગ સુધી એ જ ભૂમિમાં તપ કરતા રહ્યા. કલિયુગનો સમય પાસે આવતાં નારાયણ તથા નર, કૃષ્ણ અને અર્જુનના રૂપે પ્રકટ થયા. ઋષિઓએ પ્રાર્થના કરી : ‘તમે બદરીવનમાં વાસ કરો અને એક જ રૂપે અવતાર લો.’ ભગવાને કહ્યું : ‘હવે કલિયુગ આવી રહ્યો છે. એમાં મારું સાક્ષાત્ દર્શન થવું અસંભવ છે. કલિકાળનાં કલ્મિષ દૂર કરવા નારદકુંડમાંથી મારી મૂર્તિનો ઉદ્ધાર કરી, અહીં એક મંદિર બનાવીને એમાં એની સ્થાપના કરો.’

ઋષિમુનિઓએ આજ્ઞાનું પાલન કર્યું. દ્વાપરયુગમાં મૂર્તિને કુંડમાંથી બહાર કાઢી, દેવોના મુખ્ય શિલ્પકાર વિશ્વકર્મા પાસે મંદિર બંધાવી, એમાં એની પ્રતિષ્ઠા કરી. દેવર્ષિ નારદે એની પૂજા કરવા માંડી.

બુદ્ધાવતાર વખતે બૌદ્ધોએ એ પ્રતિમાને બુદ્ધની પ્રતિમા માનીને એની પૂજા કરી. પરંતુ પ્રચલિત લોકકથા પ્રમાણે, ઈ.સ.ના આઠમા સૈકામાં આદ્ય શંકરાચાર્યે બૌદ્ધોને પરાજિત કરી નસાડી મૂક્યા ત્યારે નાસતી વખતે બૌદ્ધો મૂર્તિને નારદકુંડમાં નાખી ગયા, એટલે શંકરાચાર્યે ત્યાંથી એને બહાર કાઢીને મંદિરમાં પ્રસ્થાપિત કરી.

આજે બદરીનાથના મંદિરમાં નરનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન થઈ શકે છે. બદરીનાથમાં ઉર્વશીકુંડ તથા માતામૂર્તિની જગાઓ પણ આવેલી છે.

હવે તો, છેલ્લા સમાચાર પ્રમાણે, હૃષીકેશથી ઠેઠ બદરીનાથ સુધી મોટરમાં જઈ શકાય છે. જે યાત્રીઓ પગપાળા જવા માગતા હોય તેમને માટે તો પદયાત્રાનો રસ્તો પણ આજે પહેલાંની પેઠે જ ખુલ્લો છે.

બદરીનાથની ભૂમિમાં શંકરમઠ

બદરીનાથની પુણ્યભૂમિના દર્શને નીકળેલા યાત્રીને જોશીમઠમાં શંકરાચાર્યે સ્થાપેલા મઠના દર્શનનો લહાવો સહેજે મળી રહે છે. ભારતના ચારે ખૂણામાં ફરીને શ્રી આદ્ય શંકરાચાર્યે ચાર મઠની સ્થાપના કરી, તેમાં ઉત્તરના મઠ માટે જોશીમઠની પસંદગી કરેલી. જોશીમઠમાં સ્થપાયેલા એ મઠમાં શંકરાચાર્યે થોડોક વખત વાસ કરેલો એમ કહેવાય છે. જોશીમઠથી એ સ્થાન અડધો માઈલ દૂર છે. એને જ્યોતેશ્વર અથવા સિદ્ધનાથના નામથી પણ ઓળખવામાં આવે છે. ઊંચાઈ પર હોવાને લીધે એ ઘણું જ રમણીય લાગે છે. ત્યાં શંકરાચાર્યની ગાદી છે.

મઠની બાજુમાં જે અત્યંત પ્રાચીન વૃક્ષ છે તેની નીચે શંકરાચાર્યને જગદંબાના દર્શનનો લાભ મળેલો. એની બાજુમાં જગદંબાનું મંદિર આજે પણ એ વાતની સ્મૃતિ કરાવે છે.

જોશીમઠની ભૂમિનું પ્રાકૃતિક સૌન્દર્ય અનુપમ છે. ચારે બાજુ યુગયુગથી સમાધિ ધારીને ઊભેલી લીલીછમ ઉત્તુંગ પર્વતમાળા, પર્વતો પર છવાયેલાં ભાતભાતનાં ને જાતજાતનાં સુંદર વૃક્ષો, એમાંથી મંજુલ સ્વરે બોલીને આનંદ આપતાં પંખીઓ, અને કલકલ રવે વહી જતાં ઝરણાંઓ યાત્રીને મુગ્ધ કરે છે. અહીં સફરજન જેવાં ફળો ને ફૂલો સારા પ્રમાણમાં થાય છે.

જોશીમઠના સંબંધમાં સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી રાહુલ સાંકૃત્યાયને લખ્યું છે : "જોશીમઠનો ઉલ્લેખ નવમી-દશમી શતાબ્દીના કલ્યૂરી શિલાલેખોમાં ‘જોશિકા’ નામથી કરાયેલો છે. બદરીનાથના ચોપડાઓમાં એનું નામ ‘જોશી’ છે. ત્યાંના પ્રાચીન નિવાસીઓ જોશિયાલ કહેવાય છે. કહેવામાં આવે છે કે જોશિકા કલ્યૂરીઅનોની રાજધાની હતી. કલ્યૂરી રાજ્ય એક વખત આખા કુમાઊં-ગઢવાલ સુધી જ નહીં, પરંતુ સીમલા સુધી ફેલાયેલું હતું."

એ જોશિકા, જોશીમઠ કે જ્યોતિર્મઠનો મહિમા રાજકીય રીતે નહિ, પરંતુ ધાર્મિક રીતે આખા ભારતમાં ફેલાયેલો છે. સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ એનું સ્થાન અજોડ છે.

Today's Quote

The real voyage of discovery consists not in seeking new landscapes, but in having new eyes.
-Marcel Proust

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.