તું અને હું
તારા વિના જીવનની મહત્તા
ના હોત કૈંયે, રચનાય એની
અશક્ય સાચે સઘળીય હોત આ,
ના ચેતના વીર્ય પ્રસન્નતાના
ઊડી રહ્યા હોત અમીફુવારા
અંગાંગમાંથી મુજ રક્તબિંદુ ને
પ્રશ્વાસ કે શ્વાસથકી; ન હોત તું
તો વિશ્વમાં ના પ્રકટ્યો જ હોત હું.
એ સર્વ સાચું, પણ જો ન મારું
અસ્તિત્વ આ હોત ધરાતલે કદી
તો મૂલ્ય તારું પણ હોત કેટલું
તારીય હોત જ શી મહત્તા?
ઉસ્તાદથી સાર્થ થતી સિતાર તો
ઉસ્તાદ યે ધન્ય બને સિતારથી.
- શ્રી યોગેશ્વરજી