કુતૂહલપ્રેરિત બે ભક્તો
સંતપુરૂષના દર્શને જતા’તા.
એમને એક મુસાફરે જણાવ્યું,
જેના દર્શને જઈ રહ્યા છો તે સંત તો
એના પૂર્વ-જીવનમાં ચોર હતો.
०००
ચોર ?
એકે અજાયબીથી પૂછ્યું.
હા. ચોર. મોટામાં મોટો નામાંકિત ચોર.
તો તો એના દર્શનથી શું વળે ?
એને સંત કહી શકાય જ નહિ.
હું તો ના જ કહું.
અને એ પાછો વળ્યો.
०००
બીજાએ જણાવ્યું : ચોર ?
પૂર્વજીવનમાં ચોર ?
અને છતાં પણ ઉત્તર જીવનમાં આટલો મહાન ધર્માત્મા ?
એનો સંસર્ગ સાચેસાચ સુખદ બનશે, પ્રેરક ઠરશે,
પથપ્રદર્શક નીવડશે.
એ અદમ્ય ઉત્સાહપૂર્વક આશા સહિત આગળ વધ્યો.
- શ્રી યોગેશ્વરજી

