Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વઢવાણ કેમ્પ
તા. ૧ જાન્યુ. ૧૯૪૮

પ્રિય નારાયણ,

તમે લખેલો પત્ર ત્રણેક દિવસ થયાં મળ્યો છે. આજે ઉત્તર લખી શકું છું જે દિવસે તમારો પત્ર આવ્યો તે દિવસે આકાશમાં વાદળાં હતાં. વરસાદને લીધે જમીન સુગંધિત બની ગઈ હતી, તેથી ખૂબ જ નવીનતા લાગતી હતી. હું ને માતાજી ફરવા ગયાં હતાં. બપોરે નીકળ્યાં તે ચાલવા જ માંડયાં. લગભગ ૧॥ માઈલ ચાલતાં જ રહ્યાં, ને તમારો પત્ર પણ સાથે સાથે વાંચતાં રહ્યાં ! તમારા પ્રેમભર્યા મધુર પત્રથી ખૂબ ખૂબ આનંદ થયો.

બેન સરસ્વતીને ઈડર ના આવવાથી દુ:ખ થયું, પણ પ્રેમ હોય તેણે એટલો ભોગ પણ આપવો જ રહે છે, પ્રેમમાં મિલન થવાની ને ભોગવીને આનંદ કરવાની જે મજા છે, તેવી જ બીજી મજા વિરહની ને સહન કરવાની છે. આમાં પ્રેમની પરમ કસોટી થાય છે, અને એક પ્રકારના અગ્નિમાં પ્રેમ તપીને કંચન જેવો ખરો ને વિશુદ્ધ બને છે. ને જેને સાચો પ્રેમ છે, ને સાચું દુ:ખ પણ થાય છે, તેને તો સુખ પણ તરત જ સાંપડે છે. આ વાત સરસ્વતીને ત્યાં થયેલા રાત્રિ અનુભવ પરથી બરાબર સમજાય છે. પણ તે કાંઈ તેટલાથી જ સંતોષ માને ? પણ ઈશ્વરેચ્છા વિના કંઈ પણ ક્યાં થઈ શકે છે ? ઈશ્વર ધારશે ત્યારે કંઈ જ વાર નહીં લાગે, ને આપણે જરૂર જરૂર મળીશું. શરીર ખૂબ ઘસાઈ ગયું છે, એટલે તેને સમૃદ્ધ કરવાની પણ ઈચ્છા છે. ને ઈશ્વરની ઈચ્છા હોય તો સરસ્વતી જેવી પ્રેમાળ બેનની માવજત નીચે લાંબો વખત ઈડરના ગ્રામ પ્રદેશમાં કુદરતી જીવનના આનંદ વચ્ચે રહીને તે સમૃદ્ધિ મેળવવી છે. પણ ઈશ્વર તે મંજુર કરે ત્યારે ખરું.

પ્રિય નારાયણ ! અહીં રહેવાનું તો તારું થોડુંક જ થયું પણ, તે પણ ખૂબ જ આનંદદાયક થઈ પડ્યું. ખરું ને ? સાંસારિક વ્યવહાર ને ઉપાધિની ગડમથલથી અલિપ્ત રહીને કોઈ ગ્રામ વાતાવરણમાં આમ લાંબો વખત સાથે રહેવાનું હોય તો ઘણો ઘણો આનંદ આવે. તારો પ્રેમ મને ખૂબ જ યાદ આવે છે. હું તો જગતમાં પ્રેમનો જ પૂજારી છું. ને કેવલ પ્રેમનો ભૂખ્યો છું. મારામાં અત્યારે તો એવું કશું જ નથી જેથી તમને કાંઈ લાભ થઈ શકે, ને તેથી પ્રેરાઈને પ્રેમ કરવા કારણ મળે. પરંતુ પ્રેમ મારી દૃષ્ટિએ એવો વેપાર કે બદલો નથી. તે તો એક સહજ સ્વભાવગત વસ્તુ છે. માણસ રહી શકતો નથી, માટે તે શ્વાસ લે છે, જીવન જીવે છે, ને માટે જ પ્રેમ કરે છે, એમ હું માનું છું, ને એટલા માટે જ તેણે પ્રેમ કરવો જોઈએ એમ ભારપૂર્વક સમજું છું. તેમાં નફાતોટાની કે લાભાલાભની ગણતરી હોય નહિ. તે તો અનુકૂળ તેમજ પ્રતિકૂળ બંનેય પરિસ્થિતિમાં પોતાનો માર્ગ કરે ને ફાલે. હડધૂત થાય, અપમાનિત થાય કે સહન કરે, છતાં બંધ ના થાય, પણ તેવો જ અબાધિતરૂપે વહ્યા કરે. તેમાં કોઈ જાતિધર્મનાં બાહ્ય બંધનો હોય નહીં, તેમ જ દેશકાલની સાંકડી માનવમનની મર્યાદાઓ પણ તેને ના સ્પર્શે. કેવળ શરીર પર નભનારો તે ના હોય, પણ સાથે સાથે શરીરની છેક સૂગ રાખનારો પણ ના હોય. તે એક આત્માનો ધર્મ હોય એ બરાબર છે, પણ શરીરના સંપર્કમાં આવે છે ત્યારે જ વ્યક્ત થાય છે, પોતાને વધારે સ્પષ્ટરૂપે જાહેર કરે છે, માટે શરીરના ઋણને પણ ભૂલે નહીં. આત્મા કે શરીર બેમાંથી કોઈનાયે કેવળ બંધનમાં તે ના બંધાય, પણ બંનેના પારસ્પરિક સહકારથી વધે. અલબત્ત શરત એટલી કે તેમ કરતાં તે પોતાની જાતને શુદ્ધ રાખે. આવો પ્રેમ આપણા જગતમાં જ્યારે પ્રકટશે ત્યારે ત્યારે સમગ્ર સંસાર નવો પ્રકાશ પામશે, આપણી પોણાથી પણ વધારે ભાગની વિકટ સમસ્યાઓનો ઉકેલ થઈ જશે, ને સૃષ્ટિ સ્વર્ગથી પણ વધારે ઊંચી થઈ રહેશે.

આજે જીવનમાં જે દુ:ખ છે, જે સડો છે, વેદના ને સંઘર્ષ છે, તેનાં કેટલાંયે કારણો છે. પણ પ્રેમને ના જાણવાનું કારણ તેમાં પ્રધાન છે. આજે વધારે ભાગની દુનિયા પ્રેમને નામે મોહમાં જ જીવન જીવે છે, વાસનાના કાદવમાં જ ઊંડે ને ઊંડે ડૂબે છે, ને પરિણામે મહાન ઉલ્કાપાત ને બંધનમાં ફરે છે. મનુષ્યની  અંદર જે જાતીય આકર્ષણ તેમ જ પ્રેમભાવના છે, તે પણ પ્રેમના આધાર પર સમગ્ર સૃષ્ટિની જે સહજ એકતા છે તેનું જ એક પ્રતીક છે. ને તેથી જ મનુષ્ય જ્યારે મનુષ્યને જુએ છે ત્યારે એક થવા તલસે છે. શૃંગારિક જગતમાં આ કુદરતીભાવ કામની અનેક વિકૃતિઓમાં અંતે પરિણામ પામે છે, ને પોતાના મૂળ સ્થાનને પણ ચૂકી ને ભૂલી જાય છે. પણ જોઈએ છીએ કે તેથી મનુષ્યનો આત્મા તૃપ્ત થતો નથી. કેમ કે કામ તેનો સહજ ધર્મ નથી. તેનો સહજ ધર્મ તો પ્રેમ છે, જે કામના ઉપભોગ પછી ફરી એક વાર માણસ જીર્ણ બને છે ત્યારે કે ગમે ત્યારે પણ ઊગી નીકળે છે. પણ તે સમયે માણસ એટલો અશક્ત હોય છે કે પ્રેમનો આનંદ લઈ શકતો નથી. આવો પ્રેમ જે પ્રાપ્ત કરે છે ને અનુભવે છે તે ખરેખર ધન્ય છે.

પ્રિય નારાયણ ! તને શું લખું ? તું તો ખૂબ જ સમજુ છે. તારે માટે મને મોટી મોટી આશા છે, જે માટે મેં તને અનેક વાર કહ્યું છે. બીજું બધુ જવા દઈએ તોય આધ્યાત્મિક વિકાસના માર્ગમાં તો અગ્રેસર થવા તારે જીવન સમર્પિત કરવાનું છે એ એક ધ્રુવ વાત છે. આપણી આધ્યાત્મિકતા બૌદ્ધ સંપ્રદાયના શ્રમણોની સાધના જેમ કેવલ એકાંગી કે નિવૃત્તિપરાયણ નહિ હોય, પરંતુ નિવૃત્તિ અને આત્મિક વિકાસ તેનાં નક્કર ને તદ્દન આવશ્યક અંગો હશે. જીવનનો બીજો કોઈ ઉપયોગ મારી દૃષ્ટિએ એટલો સાચો, ઉન્નત ને ઉપકારક નથી લાગતો, જેટલો કે આત્મિક સાધના તરીકે તેનો ઉપયોગ. ને તેથી જ બીજા પણ પોતાના જીવનને તે વિકાસના કે ઉપયોગના કેન્દ્રની આજુબાજુ ઘડે એમ ઈચ્છું છું. ને સમય પર એ જરૂર થશે.

સંસારને માટે આપણે જે પ્રયાસ કરીએ છીએ તે પૂરો થશે ત્યારે જ મારા નાનકડા અંતરને પૂરી શાંતિ થશે. જો કે તેની ઘણીખરી મંઝિલ આજે કપાઈ ગઈ છે, છતાં હજી આખરી પદને વાર છે. ને ઈશ્વરેચ્છા હશે તો તદ્દન સન્નિકટના ભાવિમાં જ તે થઈ રહેશે. આ વિના મને ચેન પડનાર નથી. સૃષ્ટિના કલ્યાણને માટે મારા હૃદયમાં આજે વર્ષોની વેદના ને દુ:ખ છે. છેલ્લા હિમાલયના તપસ્યાયૂત જીવન પછી તે એક નિશ્ચિત આધારમાં પલટાઈ ગયું છે. ને કેમ કે તે મારી પ્યારી 'મા'ની જ પ્રેરણા, ઈચ્છા ને લીલા છે, તે બરાબર પૂર્ણ થવા ને ફળવા માટે જ છે એમાં જરાય સંદેહ નથી. આ પ્રમાણે તદ્દન નિકટના ભાવિમાં આપણામાંથી એક એવું મહાન વ્યક્તિત્વ પ્રકટી ઊઠશે જે આજના જડવાદી જગતને માટે એક ચમત્કાર કે પડકાર હશે. આપણે આજના મોટા મોટા અધ્યાત્મ જીવનથી સૂકા ને ઈશ્વરશ્રદ્ધાથી હીન વિચારક વર્ગને તદ્દન અચંબામાં નાખી દઈશું. જો કે આ મારો ઉદ્દેશ નથી પરંતુ આ વસ્તુ સહજ થશે એમ બતાવું છું, ને તેના પરિણામે તદ્દન સહજ રીતે એક આધ્યાત્મિક પ્રવર્તનકાલ શરૂ થશે, જે રાષ્ટ્રીય તેમ જ સાંસારીક આગેકૂચની સાથે હસ્તમિલાપ કરી ચાલશે. દુનિયાના આજ સુધીના આધ્યાત્મિક કે રાષ્ટ્રીય ઈતિહાસને માટે એ એક અજોડ અને અજબ પળ તેમજ પ્રસંગ હશે. પણ સૌથી મોટું સાંત્વન તો મને એ થશે કે જે શરીરને મેં બાલપણથી જ સાંસારિક રાગથી રહિત રાખ્યું છે તેનો ભારત ને વિશ્વના કલ્યાણ માટે ઉપયોગ થશે, ને પ્યારા પ્રભુનો મહિમા આપણા અશ્રદ્ધાળુ, નિરાશ, અશાંત સંસારમાં પ્રાણની પેઠે ફરી વળશે.