Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ 
તા. ૧૨ મે, ૧૯૪૮

પ્રિય નારાયણ,

તારો પત્ર તા. ૫નો આજે મળ્યો. વાંચી ખૂબ આનંદ થયો.

તેં મોકલેલું ચામડાનું પાકીટ મળી ગયું છે.

પૈસા માટેની વ્યવસ્થા બરાબર થતી રહે તે જરૂરી છે ને તે માટે તેં જે ધોરણ રાખ્યું છે તે પણ બરાબર છે. મદદ કોના તરફથી મળે છે તે મને લખી જણાવજે. આ વખતે વળી ઈશ્વરેચ્છાવશ આપણે આવી વ્યવસ્થા કરવી પડી છે. ને તે બરાબર છે એમ જ લાગે છે. કેમ કે અહીંની અજ્ઞાન પ્રજા વચ્ચે સ્વતંત્રપણે રહેવું હોય તો તે જ એક માર્ગ છે. છેલ્લા બે વરસના અહીંના વ્યાપક અનુભવે મારું હૃદય આ પ્રદેશ પરથી ઊઠી ગયું છે. પહેલાં જે અલૌકિકતા કે અસાધારણતા લાગતી તે હવે લાગતી નથી. તેના બદલામાં અહીં ઉલટી નિસ્તેજતા ને નીરસતા લાગે છે. ને તેથી જ ઈશ્વરેચ્છાને વશ થઈ મારું કામ છે ત્યાં લગી હું અહીં રહું છું ને રહીશ. પછી આ પ્રદેશમાં હંમેશ માટે વસવાનો કોઈ જ મોહ નથી. બાહ્યજીવનમાં પણ સાધનાની પરિપૂર્ણતા થઈ રહેતાં પરિવર્તન કરવાની મારી ઈચ્છા હવે દૃઢ બની છે. ને તે વિશે મેં તને અનેકવાર વાત પણ કરી છે. આધ્યાત્મિકતાને હું સમગ્ર જીવન તરીકે નહિ, પરંતુ જીવનના મુખ્ય અંગ કે કેન્દ્ર તરીકે સ્વીકારું છું, ને તેથી જ બીજા તદ્દન નિવૃત્તિપરાયણ સંત કરતાં મારો વિચાર આમ જુદો જ પડે છે. મને જીવનની એકાંગિતા કે એકવિધતા જરાય પસંદ નથી. ને તેથી જ થોડા સમય પછી મારું બાહ્ય ક્લેવર હું પલટાવી દેવા માગું છું.

તારા પ્રેમ માટે મારી પાસે શબ્દો નથી. પૂર્વજન્મના અપાર સંસ્કારને લીધે આપણો સંબંધ થયો છે, ને તે અક્ષય રહેવા સર્જાયેલો છે. તારા પર મને પ્રેમ ને વિશ્વાસ બંને છે, ને તેથી જ જીવનના ગુઢ રહસ્યો પણ કોઈક વાર તને કહું છું. કેમ કે હું જાણું છું કે તેને સમજવા ને પચાવવા માટે તું એક યોગ્ય પાત્ર છે. મારું જીવન એવું તો વિરોધાભાસી ને ગહન છે કે તેને સમજવા માટે ભારેમાં ભારે વિવેક, સહાનુભૂતિ, અનુભવ ને ચિંતન જોઈએ. આ બધું તારામાં હોવાથી જ તું મને હરેક અવસ્થામાં સમજી શકે છે, ને તેથી જ ભલે કોઈ ભૂલ ખાય પણ તું કદી ભૂલ નહીં ખાય એમ ચોક્કસ માનું છું.

*

સંસારમાં અત્યારે ભયંકર ગડમથલ ચાલી રહી છે. ભારતને માથે હજી વિપત્તિના ભણકારા વાગી જ રહ્યા છે. હૈદરાબાદની પરિસ્થિતિ આતંક ફેલાવશે એમ લાગે છે. કાશ્મીરનો ઠરાવ કરીને સમિતિએ પોતાનો મેલ ખુલ્લો પાડ્યો છે. પણ ભારતનું ભાગ્ય ઘણું પ્રબલ છે એટલે એ ક્રૂર નીતિને વશ થાય તેમ કદી નહી બને. વચ્ચે અશાંતિ ઊભી થશે એટલું જ છે. પણ તે તો નવનિર્માણને માટે જરૂરી છે. ભારતની બહાર પણ સંસારમાં હોળી જ ચાલી રહી છે. સ્વાર્થ ને સત્તા પોતાનું નાટક ભજવી રહ્યાં છે. રશિયા ને અમેરિકા બંને સામ્રાજ્યલાલચુ છે એમાં તો હવે કોઈનેય સંદેહ રહ્યો નથી. ભાવિ જગતમાં આધ્યાત્મિક પરિપૂર્ણ શક્તિવાળા વ્યક્તિત્વ વિના કોઈ પણ પ્રકારનું નક્કર નવનિર્માણ શક્ય નથી, એ ચોક્કસ છે. ને સમય પર તેનું કાર્ય ભારતમાંથી જ શરૂ થશે. ઈશ્વરની એ ઘટના કે સંકલ્પમાળાને કોઈ આંચ આવે તેમ નથી.  

માતાજી લગભગ આ માસને અંતે અહીંથી જશે. કોઈ સારો સાથ મળે એટલે તેમને મોકલાવી દઈશ.