if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કલકત્તા
તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૫૧

પ્રિય નારાયણ,

ભાઈ ધનેશ્વર દ્વારા મોકલાવેલો તમારો પ્રેમપત્ર મને મળ્યો હતો. તે બાદ અમે કાશ્મીર ને અમરનાથ જઈ આવ્યા, ને પછી અહીં આવ્યા છીએ.

કાશ્મીર પ્રવાસમાં ઈશ્વરેચ્છાથી ભાઈ ધનેશ્વરનો સાથ મળ્યો. પ્રવાસ દરમ્યાન તેમનો પ્રેમ, ઉદાર ને આનંદી મસ્ત સ્વભાવ તેમ જ તેમની ઊંચી સેવાવૃત્તિનો પરિચય થયો. ધનેશ્વરભાઈ એક રતન છે. તેમનામાં ઘણી જ સારી શક્યતાઓ છે, ને તે તેમને જીવનના ઉજ્જવલ ભાવિ ઘડતરમાં કામ લાગશે. તેમના અનેકવિધ ગુણોનો પરિચય મને આ પ્રવાસમાં થયો. પરિણામે મારા દિલમાં તેમને માટે માન ઉત્પન્ન થયું. હજી તો તે મારા સાધનાત્મક જીવન ને ભાવિ આદર્શો વિશે ખાસ નક્કર હકીકત જાણતા નથી, તે છતાં તેમને મારે માટે જે પ્રેમ છે તે અજબ છે. કાશ્મીર પ્રવાસ એટલો બધો ખર્ચાળ છે કે એકલે હાથે તે પ્રવાસ કરવાનો વિચાર અમે માંડી જ વાળ્યો હોત. તે ના આવ્યા હોત તો અમે કાશ્મીર જવાનું બંધ રાખત. પણ ઈશ્વરે તેમને અમારી મદદે મોકલ્યા. ઈશ્વરની લીલા અજબ છે.

અમરનાથનું સ્થળ અત્યંત રમણીય ને વિકટ છે. માઈલો સુધી બરફ પર ચાલવું પડે છે. ઠંડી સખત હોય છે. આ બધી ને બીજી અનેક તકલીફો વેઠીને માણસો એ યાત્રા કરે છે, અને અંતે એવા દર્શનની ઝાંખી કરે છે જે જીવનમાં યાદગાર બની જાય છે. આ બધી પ્રવાસની વાત ભાઈ ધનેશ્વર દ્વારા સાંભળવા મળશે. પ્રત્યક્ષમાં કોઈ વાર મળાશે ત્યારે હું કહી શકીશ.

કાશ્મીર યાત્રા દરમ્યાન મારા જીવનનું ૩૦ મું વર્ષ પણ સમાપ્ત થઈ ગયું, ને ૩૧ મા વર્ષની પ્રભાતે અમે કાશ્મીરની ભૂમિ પર અમરનાથની યાત્રા માટે પગલાં ભરતાં હતાં. ૩૦મા વરસ માટે ખૂબ ખૂબ આશા હતી. પણ બીજી અનેક આશાની જેમ આ આશા પણ હજી આશા જ રહી છે. 'મા' મારા પર ક્યારે કૃપા કરે છે તેની આતુર હૃદયે હું પ્રતીક્ષા કરી રહ્યો છું. કાશ્મીર ને આ બાજુ હું 'મા'ની પ્રેરણાથી જ આવ્યો છું. ને નવાં સ્થળમાં પણ પ્રતિદિન તેની કૃપા માટે ઝંખું છું. શ્રદ્ધા છે કે 'મા'ની પૂર્ણ કૃપા થઈ જ જશે, ને સત્વર થશે. આશા મરી નથી ને મરવાની નથી, પણ ધારેલા કામને પૂરું થયેલું જોઈ લેવાની લગની દિલમાં ઘણી જ છે. ને સમયના આટલા બધા લંબાણ પછી તે વધતી જાય છે. મેં લીધેલું કામ પૂરું થશે જ થશે. તે વિના મને ચેન પડે કે શાંતિ વળે તેમ નથી. આજે મારી આંખ આગળ પડદો છે, ને તેથી 'મા'ની ભાવિ યોજના નક્કર રીતે મારી દૃષ્ટિ સમક્ષ આવી શકતી નથી. પરંતુ એક દિવસ તે પડદો હઠી જશે એ ચોક્કસ છે. પુરુષાર્થ કરવાની ને શ્રદ્ધાપૂર્વક ભોગ આપવાની મારી શક્તિ હજી મરી નથી ને કદી મરવાનીયે નથી. એટલે મારી સફળતા નિશ્ચિત છે. માત્ર તે શીઘ્રાતિશીઘ્ર થઈ જાય એ જ ઈચ્છા છે.

*

અહીં અમે વિખ્યાત સ્થળ દક્ષિણેશ્વર જોઈ આવ્યાં. છ વરસ પહેલાંનાં સંસ્મરણો તાજાં થયાં દક્ષિણેશ્વર ખૂબ જ સુંદર સ્થળ છે. ગંગા કિનારે હોવાથી વધારે રમણીય લાગે છે. રામકૃષ્ણદેવ જીવતા હશે ત્યારે આ સ્થળ કેવું અલૌકિક લાગતું હશે ! જો કે હજી પણ તે ખૂબ સજીવ લાગે છે. આવાં સ્થળોમાં માણસનું મન ઈશ્વરાભિમુખ વધારે ને વધારે થાય છે. જગતની નશ્વરતા, માનવ શરીરની મહત્તા ને ઉત્તમતા તેમ જ માનવ પુરુષાર્થની ભાવિ શક્યતાનો વિચાર આવાં સ્થળોમાં માણસને જલદી આવે છે, ને ઉત્તમ જીવનનો સંકલ્પ ઘડવામાં તે સહાયક થાય છે. આ સંસારમાં માણસ જે ધારે તે બધું જ કરી શકે છે. સંસારના ક્ષણભંગુર પદાર્થોમાં જ તે ફસાઈ જાય ને આસક્તિ કે મમતા ને રાગદ્વેષમાં બંધાય તો તે પોતાને જ હાથે પોતાનો વિનાશ નોતરે છે એમ કહેવાય. એથી ઊલટું, જો તે કામ ક્રોધ ને મમતા-અહંતાના પાશમાંથી છૂટવાનો પુરુષાર્થ કરીને ઈશ્વરનાં ચરણોમાં પ્રીતિ કરે તો મૃત્યુંજય બની જાય. જીવનને કેવું બનાવવું તે માનવના હાથની વાત છે.

અહીં થોડાક દિવસ રહીને અમારો જગન્નાથપુરી જવા વિચાર છે. અહીં વધારે રહેવાનું ગમે તેવું ખાસ નથી. આ સંસારમાં આધ્યાત્મિક રૂચિવાળાં સાચાં માણસો બહુ જ ઓછાં હોય છે. જો અનુકૂળતા હશે તો જગન્નાથપુરી સારી રીતે રહેવા વિચાર છે. તમારો પત્ર અહીં જ લખશો. મને મળી જશે. માતાજી કુશળ છે ને યાદ કરે છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.