Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૧૮ ડીસે. ૧૯૫૨

પ્રેમી ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. હમણાં જરા કામમાં ગુંથાયેલો છું. આત્મકથાનાં નવાં પ્રકરણ લખવામાં સમય વહી જાય છે. બાકી સંસ્કૃતમાં મહર્ષિ વ્યાસ કૃત વિષ્ણુસહસ્ત્રનામ નામે ખૂબ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેનો ગુજરાતી કાવ્યાનુવાદ ચાલે છે. અનુવાદ આજે પૂરો થયો છે. હવે દરેક સ્તોત્ર કે ગ્રંથની જેમ વિષ્ણુસહસ્ત્ર નામનું પણ માહાત્મ્ય છે. તેનો અનુવાદ બાકી છે. તે થોડા દિવસમાં પૂરો થશે.

તમને આત્મિક વિકાસ માટે જે રુચિ ને લગની છે તેને જાળવી રાખજો, ને માળી જેમ છોડને પાણી પાઈને ઉછેરે છે, તેમ સંસ્કાર ને સુકર્મ દ્વારા તેનું જતન કરી તેને વધારતા રહેજો. માનવજીવન પૂર્ણતા માટે છે. તેને જ પરમાનંદ, પરમ શાંતિ કે મુક્તિની પ્રાપ્તિ પણ કહે છે. પણ તે બધા શબ્દો વાપરવાને બદલે પૂર્ણતા શબ્દ વાપરવાનું મને વધારે ગમે છે. તેમાં પરમાનંદ, શાંતિ કે મુક્તિનો સમાવેશ તો થઈ જ જાય છે. પણ સાથે સાથે માનવની શારીરિક, માનસિક ને આત્મિક શક્તિનો પરિપૂર્ણ વિકાસ પણ સમાઈ જાય છે. આ ધ્યેય તરફ જ્ઞાત તેમ જ અજ્ઞાત રીતે બધા જ માનવો-કહો કે જીવમાત્ર જઈ રહ્યા છે. પણ ઈચ્છાપૂર્વક ને પ્રેમ તથા જ્ઞાન સાથે વિકાસ કરનારા માનવો ઘણા જ થોડા છે.

આજે માનવ સુખને માટે પ્રયાસ કરે છે પણ તેનો પ્રયાસ પૂરો થતો નથી, તેમ જ પરમ સુખની પ્રાપ્તિ તેને ભાગ્યે જ થાય છે. કેમ કે તેની સાધના ચોક્કસ દિશામાં હોતી નથી. આજે માનવ વધારે ને વધારે અનીતિમાન ને પ્રકૃતિ તથા મનનો દાસ બનતો જાય છે. ધનસંગ્રહ, સત્તા ને પદની તૃષ્ણા તેમ જ જાતીય આકર્ષણ પાછળની તેની દોટ વધી ગઈ છે. આની સાથે સાથે એક બાજુ અત્યંત અમીરીપણું ને બીજી બાજુ કારમી કંગાલિયત પણ વધી રહી છે. આ દશામાં સુખની કલ્પના અતૃપ્ત જ રહી ગઈ છે. એટલે જ જેને પરમ સુખની ઈચ્છા હોય તેણે ભારતીય ઋષિવરોનો સંદેશ સાંભળવો જોઈએ, ને જીવનમાં સચ્ચાઈ તેમ જ નીતિની પ્રતિષ્ઠા કરી, ઈશ્વરપ્રાપ્તિ કે જીવનની પૂર્ણતાનું વ્રત લઈ, તેની પૂર્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. જીવન ઘણું જ ટૂંકું છે ને માર્ગ લાંબો છે, એ વાત સાચી છે. પણ જે સતત જાગ્રત કે સાવધ રહીને માર્ગ કાપવાની શરૂઆત કરે, તેને તો આ લગીર જેટલું જીવન પણ પોતાના પુરુષાર્થની સિદ્ધિને માટે પૂરતું થઈ પડે તેમ છે. માટે ડાહ્યા માણસે તો જાગ્યા ત્યાંથી સવાર માની, બધા પ્રકારનો પ્રમાદ છોડી, ઈશ્વરનું શરણ લેવું એ જ હિતાવહ છે. પાણીના ભંડાર જેવી નદી વહી જતી હોય, તેને બંધ બાંધવામાં આવે, તો પૃથ્વીને માટે તે આશીર્વાદ થઈ પડે છે, ને ધરતી તેથી હરિયાળી બને છે, તેવી જ રીતે જીવનની વિશાળ શક્તિમતી સરિતાને સંયમનો બંધ બાંધી, તેના પાણીને જો આત્મિક ઉન્નતિને માર્ગે વાળવામાં આવે, તો તેથી જીવનની વાડી હરિયાળી બને છે, પ્રેરણા ને પ્રકાશથી ભરાઈ જાય છે, ને સ્વર્ગસુખદ બની રહે છે.

શાસ્ત્રો ને મહાપુરુષો કહે છે કે હજારો જન્મોના પુણ્યોદય વિના ઈશ્વરપરાયણ થવાની કે આત્મિક વિકાસ કરવાની ઈચ્છા જાગતી નથી. એ વાતની ચર્ચા ના કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ છે કે આજના જગતમાંથી આ ઈચ્છા વધારે ને વધારે લુપ્ત થતી જાય છે. માનવજાતિને માટે આ વસ્તુ અમંગલકારક છે. કેમ કે દેશ કે દુનિયા જ્ઞાન-વિજ્ઞાન કે ભૌતિક આવિષ્કાર કે રાજકારણ ને વ્યાપાર કે વાણિજ્યની દિશામાં ગમે તેટલો વિકાસ કરે, પણ તેમાં રહેનારી પ્રજાનું નૈતિક કે આધ્યાત્મિક જીવન પાંગળુ હોય તો સંસ્કૃતિની ઉચ્ચોચ્ચ ને સર્વાંગીણ દૃષ્ટિથી તે પછાત જ છે એમ કહેવું જોઈએ. વ્યક્તિગત રીતે પણ આ વાત એટલી જ સત્ય છે. ને બધા જ વિકાસની સાથે આત્મિક વિકાસનો પણ માણસ પ્રતિનિધિ બને, ત્યારે તેને શ્રેષ્ઠ ને સુસંસ્કૃત કહી શકાય. આવા વિકાસને માટે તીવ્ર ઈચ્છા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સાધકની અંદર ગમે તેવા સંજોગોમાંથી માર્ગ કરીને આગળ વધવાની ઈચ્છા ખૂબ પ્રબળ હોવી જોઈએ. આ ઈચ્છા નિર્બળ હોવાને લીધે જ કેટલાય સાધકો અધવચ્ચે કે થોડેક ચાલીને જ અટકી જાય છે. સ્વાધ્યાય, સત્સંગ, જપ ને વ્રત આ ઈચ્છાને તીવ્રતર બનાવવાના જ સાધન છે. એનું જતન કરવું સાધકને માટે ખૂબ જરૂરી છે. તમને આત્મવિકાસની ઈચ્છા થઈ છે તે ઈશ્વરનો મહાન આશીર્વાદ છે. એ ઈચ્છા કોઈયે સંજોગોમાં મરે નહીં, પણ સદાય વધતી રહે એવો પુરુષાર્થ કરતા રહેજો.

ભજન ને ધ્યાન થાય તેટલું નિયમિત કરવું. ને ઈશ્વર પર શ્રદ્ધા રાખી ખૂબ ઉત્સાહ, ધીરજ ને આશાથી કરવું. આધ્યાત્મિક માર્ગ કાંઈ એકાદ બે દિવસનો માર્ગ નથી. તેમાં લાંબી સાધના ને લગનની જરૂર પડે છે. શ્રી અરવિંદને કેટલો સમય લાગ્યો ? ૪૦ વરસ સુધી તે સાધન કરતા જ રહ્યા. તેમની ધીરજ ને તેમનું મનોબળ કેવું મહાન હશે ? ઉત્સાહ વિનાના ચંચલ માણસો આ માર્ગમાં કાંઈ જ કરી શકતા નથી. જેની રગેરગમાં ખંત ને ઉત્સાહ હોય, ને જે ગમે તેવી મુશ્કેલી આવે તોય, ડગલું ભર્યા પછી આ મારગમાંથી પાછા હઠવા તૈયાર ના હોય તે મરજીવિયા પુરુષનું જ આ માર્ગમાં કામ છે, ને તે જ આ માર્ગમાં સફળ પણ થઈ શકે. આવા મનોબળનો અભાવ હોવાથી જ વધારે ભાગના સાધકો માર્ગમાં જ અટવાઈ જાય છે. આની સાથે જો યોગ્ય માર્ગની સમજ ને પુરુષાર્થ કરવાની શક્તિ ને ઈશ્વરની કૃપા ભળે તો સાધકનું જીવન ધન્ય બની જાય એમાં સંદેહ નથી.

ત્યાં સૌ પ્રેમી ભાઈઓને પ્રેમ કહેશો. માતાજી કુશળ છે.

તા. ક. : તમે ગયે વખતે બે પૈસાની ટિકિટ વધારે લગાડી છે. ‘ઈનલેન્ડ એર લેટર’ને છ પૈસાની જ ટિકિટ લાગે છે, જે તેના પર તૈયાર જ હોય છે.