Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરોડા
તા. ૩ માર્ચ ૧૯૫૩

પ્રેમી ભાઈશ્રી ભાઈલાલભાઈ,

તમારો પત્ર મળ્યો છે. બે દિવસ અગાઉ તમારા તરફથી મોકલેલો ફોટો પણ મળ્યો છે. ફોટો સારો આવ્યો છે. તમારા પ્રેમ ને તમારી ઈચ્છાનું તે ફળ કહી શકાય. આ વખતે અમારે અહીં સારું રહેવાનું થયું. જગા એકાંત જેવી છે. એટલે સારું લાગે છે. હવે પ્રભુઈચ્છા હશે તો અગિયારસ બાદ સાબરમતી જવા ઈચ્છા છે. ત્યાં એકાદ માસ રહેવાનું થશે. તે બાદ થોડા દિવસ જુનાગઢ આવવાનું થાય તો ઠીક, નહિ તો હિમાલય તરફ જવાનું થશે.

આત્મિક સાધનાના માર્ગમાં તીવ્ર ઈચ્છાની જરૂર ખૂબ વધારે છે. સાધના માટેની તીવ્ર ઈચ્છા, સૌથી પહેલી આવશ્યકતા છે. તીવ્ર ઈચ્છા હશે તો આગળની મદદ આપોઆપ મળશે. એ નિયમ છે. તીવ્ર ઈચ્છાવાળા સાધકને કોઈ માર્ગદર્શકની જરૂર હોય છે તો તે પણ તેને જરૂર મળી રહે છે, અથવા ઈશ્વર પોતે તેને પ્રેરણાનું પિયૂષ પાઈને આગળ વધારવાનું કામ કરે છે. અલબત્ત, આ ઈચ્છા તીવ્રની સાથે સાથે સતત પણ હોવી જોઈએ. એટલે કે કોઇયે સંજોગોમાં શિથિલ થવી કે નિર્મૂળ થવી જોઇએ નહીં. આની સાથે સાથે સાધકે સત્વગુણની મૂર્તિ બનવા પ્રયાસ કરતા રહેવું ઘટે છે. આને માટે રોજીંદા જીવનના નાના મોટા પ્રસંગોનું પરીક્ષણ ને પોતાની જાતનું નિરીક્ષણ કે સ્વભાવનું અન્વેષણ કરવાની જરૂર હોય છે. આનો અર્થ એ થયો કે સાધકે પોતે જ પોતાના વિવેચક કે ટીકાકાર થવું. સતગુણની સ્થાપના સાધનાની અનિર્વાય આવશ્યકતા છે. તે સારા પ્રમાણમાં સિદ્ધ થતાં સાધકનું નિર્મલ હૃદય ઈશ્વરની પ્રેરણાને ઝીલવાને શક્તિમાન બની શકે છે, અથવા અંત:પ્રેરણા મેળવી શકે છે. આનો અર્થ એ થયો કે સાધક ઈશ્વર સાથે સંબંધ બાંધે છે, ને પછી ઈશ્વર જ તેને દોરે છે. આ દશા વિરલ છે, પણ ઈશ્વરી કૃપાથી પ્રેમી ને પવિત્ર સાધકોને પ્રાપ્ત થઈ શકે છે. પ્રાર્થના ને ધ્યાન કરતા રહેજો. પ્રેમી ભાઈઓ કુશળ હશે.