if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભરતમંદિર, ઋષિકેશ
તા. ૪ જુલાઈ, ૧૯૫૩

પ્રેમી ભાઈશ્રી ભાઈલાલભાઈ,

તમારો પ્રેમ પત્ર મળ્યો છે. આનંદ થયો. તમે મુંબઈના સરનામે ઈલસ્ટ્રેટેડ વીકલીમાંથી ‘હુ આફ્ટર નહેરુ’ લેખનું બુકપોસ્ટ કર્યું ને એક પત્ર પણ લખ્યો, પરંતુ કોઈ કારણથી મને તે મળી શક્યાં નથી. નારાયણભાઈ મુંબઈથી હાલ એક માસ માટે દેશ ગયા છે. છતાં તમારા લખ્યા પ્રમાણે તે મુંબઈ હતા ત્યારે જ તમારું રવાના કરેલ બુકપોસ્ટ તેમને મળી જવું જોઈએ. આ માટે તપાસ કરવા નારાયણભાઈને મેં લખેલ છે. તમારા પત્ર ને બુકપોસ્ટને મળવાની આશા હવે તો ઓછી છે. તમે જે લાગણીથી તે મોકલ્યું હશે તે હું સમજી શકું છું. હવે તો જો ઈલેસ્ટ્રેટેડ વીકલી બીજી પ્રત કોઈને ત્યાં હોય તો તેમાંથી લેખની નકલ કે લેખની કાપલી મને મોકલજો. જરૂર. જો તે શક્ય ન જ હોય તો ‘હુ આફ્ટર નહેરુ’ લેખની મુખ્ય વસ્તુ લખી જણાવજો. ને ઉપરાંત તે લેખ ‘ઈલસ્ટ્રેટેડ વીકલી’ ના કયા માસની કઈ તારીખના અંકમાં છે તે પણ જણાવજો તો હું મુંબઈ કે અમદાવાદ તેને માટે લખીશ. આટલું એક કામ તમારે ખાતે બાકી રહે છે.

ભારતમાં છેલ્લે છેલ્લે બે મુખ્ય બનાવ બની ગયા. એક તો એવરેસ્ટનું આરોહણ ને બીજું ડો. શ્યામપ્રસાદ મુકરજીનું અવસાન. દૃઢ શ્રદ્ધા, નિષ્ઠા ને લોખંડી ઈશ્વરશક્તિ તેમ જ સતત પુરુષાર્થ શું કરી શકે છે તેનું એવરેસ્ટ વિજય એક અજોડ દષ્ટાંત છે. ભૌતિક વસ્તુ કે દુનિયા પર વિજય મેળવવાના પ્રયોગ ગાંધીજી ને શ્રી અરવિંદ જેવા ઉચ્ચ પ્રયોગશીલ પુરુષોના આત્મિક જીવનના વિકટ પ્રયોગો પાસે કંઈ જ વિસાતમાં નથી. બંનેની દિશા જુદી છે છતાં માનવની ઈચ્છાશક્તિ ને કર્તવ્યપરતા બંનેમાં જરૂરી છે. જંગલી જનાવરને વશ કરવાની, સાપને જીતવાની તેમ જ પહાડ ને સાગરને સર કરવાની માનવવૃત્તિને જો નૈતિક ને આત્મિક માર્ગના મહામૂલાં મોતી મેળવવાના કામમાં વેગ મળી જાય તેમજ માનવહિતને માટે જાતને ફના કરવાના સેવાયજ્ઞનો સાથ સાંપડી જાય તો માનવ તેમ જ સંસારનું મહાન મંગલ થઈ શકે. માણસ જો ધારે તો તેને માટે કંઈ જ અસંભવ નથી. જીવનની શક્યતા ખૂબ જ વિરાટ છે. ફક્ત તેનો વિકાસ કરવાની તાલીમ મળવી જોઈએ. આત્મિક વિકાસની સાધનામાં પુરુષાર્થનું સાતત્ય, દૃઢ મનોબળ ને ત્યાગની ખૂબ જરૂર પડે છે. સાધારણ રીતે માણસમાં આનો અભાવ હોય છે. એટલે તે આત્મિક જીવનના એવરેસ્ટ શિખરનો આનંદ મેળવી શકતો નથી. ડો. મુકરજીના અવસાનથી ભારતે એક મહાન નેતા ખોયો છે. તેમના વિરોધી લાગતા વિચારોમાં કેટલું તથ્ય હતું તે તો ભવિષ્યમાં જ જણાઈ શકશે. પણ તેમની દેશદાઝ ને યોગ્યતા વિશે નિ:શંક કહી શકાય કે તે મહાન હતાં.

બાણભટ્ટની આત્મકથા વાંચી આનંદ આવ્યો હશે. ઠીક લાગે તો એક પ્રકારનો ભાવાનુવાદ કરજો. વિષય નવો છે ને તેની પાછળ બાણભટ્ટનું નામ સંકળાયેલ છે તે તેની વિશેષતા છે.

હાલ અહીં વરસાદને લીધે વાતાવરણ ખૂબ જ રમણીય બન્યું છે. બંને કાંઠે ભરપૂર ગંગા ને તેને અડીને ઊભેલા હિમાલયના પહાડ-વર્ષોથી આ જ પ્રમાણે સુંદરતાની મૂર્તિ બનીને ઊભા રહ્યા છે. શાંતિ ને એકાંત તો આ પ્રદેશની વારસાગત મિલ્કત છે. અહીં શ્રાવણને અંતે ને ભાદરવામાં જરા હવા બગડે છે. એટલે જો અનુકૂળતા થઈ જશે તો અમે ગુરુપૂર્ણિમા બાદ આ બાજુ જ કોઈ બીજા સ્થળમાં રહીશું. ગુરુપૂર્ણિમા સુધી તો નક્કી અહીં જ છીએ.

ગીતાની શંકાઓનો સમાધાન લેખ વાંચ્યો તે જાણ્યું. તેવી શંકાઓનું સમાધાન કરતા બીજા ત્રણેક લેખ લખ્યા છે પણ હમણાં છપાવાના નથી. હાલ ગીતા પર થોડાક નિબંધો લખું છું. કુલ ૧૫-૨૦ લખાશે. 'અખંડ આનંદ' તરફથી કોઈ ધાર્મિક લેખ લખી મોકલવા લખ્યું છે. પણ હાલ લેખ છાપવાનું ચાલુ કરવાનો વિચાર નથી. છતાં અનુકૂળતા હશે. તો એકાદ માસ પછી કોઈ ધાર્મિક લેખ લખી મોકલીશ.

તમારાં માતાજીની બિમારી વિશે જાણ્યું. ચિંતા થાય તે સ્વાભાવિક છે. પણ તેથી શું વળે ? બનતી સેવા કરવી. આ સંસારમાંથી હરેક જીવને નક્કી સમયે વિદાય થવાનું છે. કોઈ અહીં સ્થાયી નથી. વહેલું કે મોડું, આ ભાડુતી ધર્મશાળા ખાલી કરીને સૌને જવાનું જ છે. જે દુ:ખ કે પરિતાપ કર્માધીન થઈને ભોગવવાના છે તે પણ અફર છે. ફક્ત પૂર્ણ યોગી કે ઈશ્વરપ્રાપ્ત ભક્ત જ તેમાંથી મુક્ત થઈ શકે છે. સાધારણ માણસને માટે કોઈ છટકબારી નથી. માટે ઈશ્વરની યોજના સમજી, તટસ્થ ભાવે, તેના જીવન-નાટકના નમ્ર પ્રેક્ષક ને ભાગીદાર થવું એ જ યોગ્ય છે. જન્મ ને મરણ, સુખ ને દુ:ખ, શરીર સાથે વળગેલાં જ છે. મન ખૂબ ચંચળ બને ત્યારે અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરવી ને મહાન પુરુષોના જીવનને યાદ કરવું તેમ જ પ્રેરણાસ્પદ ઉત્તમ પુસ્તકોનું શરણ લેવું. પ્રાર્થના એક અમોઘ ઉપાય છે. બાકી ઈશ્વર જે વખતે જે દશામાં મૂકે તેમાં સમાધાન મેળવવું.

ત્યાં સૌ કુશળ હશે. સૌને મારા પ્રેમ કહેશો. તમારા ઉચ્ચ સંસ્કાર જતનપૂર્વક વધારે ને વધારે કેળવતા રહેજો. માતાજી કુશળ છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.