ભરતમંદિર, ઋષિકેશ
તા. ૧૦ ઓગસ્ટ, ૧૯૫૩
ભાઈલાલભાઈ,
તમારો પ્રેમપત્ર મળ્યો છે. સમાચાર જાણ્યા. માતાના સ્વર્ગવાસથી તમને દુ:ખ થાય તે સ્વાભાવિક છે. કેમકે તમારા પત્ર પરથી લાગે છે કે તમારી માતા માત્ર જનની જ નહિ પરંતુ જીવન ઘડનારી પ્રેરણામૂર્તિ માતા હતી. તમારા જીવનના ઘડતરમાં તેમણે જે ભાગ ભજવ્યો છે તે તમારા પત્રથી સ્પષ્ટ સમજાય છે, ને તેથી તેમની મહત્તાનું ભાન થાય છે. આ જીવન ચંચલ છે. પાણીના પ્રવાહની પેઠે તે ચાલ્યા જ કરે છે. તેનું અંતિમ મિલનસ્થાન ઈશ્વરના અનંત પ્રેમસાગરમાં છે, પણ તે પહેલાં તે કેટલાય જીવનની આવૃત્તિમાંથી એટલે કે લૌકિક ભાષામાં કોતરો ને ભેખડોમાંથી, ચઢાઈ, ઉતરાઈ ને કદીક સમથલ ધરામાંથી વહ્યા કરે છે ને માર્ગ કાઢે છે. આ પૃથ્વી પર કોઈ જ અમરપટો લઈને આવ્યું નથી એમ કહેવાય છે તે સાચું જ છે. વહેલા કે મોડા સૌને અહીંથી વિદાય થવાનું છે. જીવનની અનંત યાત્રામાં આ જીવન જેવી તો કેટલીય બીજી ધર્મશાળાઓ છે. તેમાં વિશ્રામ લઈને જીવાત્મા આગળ વધે છે. કેવલ કર્મનું પોટલું તે પોતાની સાથે લઈને ફરે છે. બાકી દરેક ઠેકાણે નવા નવા સંબધો ઊભા કરે છે. આ તત્વજ્ઞોની દૃષ્ટિ છે. ફક્ત સારું ને નરસું તેની પાછળ રહી જાય છે. છતાં જેની ઓથ નીચે કોઈને આરામ મળ્યો હોય, ને એક કે વધારે હૈયાંને જેનાથી હૂંફ મળી હોય, તેનું જીવન સદાયે યાદ કરવા લાયક, પૂજ્ય ને પ્રશંસનીય થઈ પડે છે. તમારાં માતા પણ એવાં જ મહાન હતાં. તમને તેમની ખોટ જરૂર સાલશે. તો પણ, જ્ઞાન દ્વારા સમાધાન કરી, ઈશ્વરનાં અટલ વિધાનનો વિચાર કરીને મનને વારી, સદાયે શાંતિથી રહેજો ને તમારાં માતા તમારા જીવનને જેવું ઝખતાં હતાં તેવું જીવન કરવા સદાય તત્પર રહેજો. ઈશ્વરની સૃષ્ટિમાં તો અમુક જ અવતાર કહ્યા છે. પણ માનવની નાનકડી સૃષ્ટિમાં મુંઝવણ ને પરિતાપને ટાળવા તથા વ્યવસ્થા સ્થાપવા જે મૂલ્યવાન માનવીય અવતારો થાય છે ને તે દ્વારા માનવને જે પ્રકાશ મળે છે તેની કથની માત્ર માનવહૃદયમાં જ લખાયેલી છે. તેને જતન કરીને જાળવવાથી માનવને સદાયે લાભ જ છે. તમારાં માતાજી પણ તમારે માટે તેવાં જ પ્રકાશદાયી હતાં.
‘હુ આફટર નહેરુ’ લેખ મળી ગયો છે. વિષય સારો છે. મારી માન્યતા પ્રમાણે નહેરુ પછી પણ ભારત વિશ્વના રાષ્ટ્રોની વચ્ચે પોતાનું ગૌરવભર્યું સ્થાન વધારે ને વધારે ગૌરવભર્યું બનાવતું જશે. ને તેને વધારે ને વધારે શક્તિશાળી નેતૃત્વ સાંપડશે. આ મારી વર્ષો જૂની અનુભવસંપન્ન માન્યતા છે, ને તે દિવસે દિવસે વધારે દૃઢ થતી જાય છે. નહેરુના પ્રયાણ, પછી ભારત નિરાધાર બનશે કે અવ્યવસ્થિત થઈ જશે એવી શંકા પાયા વિનાની છે. મારી સમજ પ્રમાણે ભારતની આઝાદી ને ભારતનું ઉત્થાન ઈશ્વરની નિશ્ચિત યોજના છે. આજે ભારત ઉત્થાનના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેની સાથે વિશ્વમાં આધ્યાત્મિક ને નૈતિક પ્રકાશ પછી વિશ્વગુરુ થવું ને વિશ્વશાંતિમાં મહત્વનો ફાળો આપવો એ પણ ભારતને માટે નિર્માણ થયેલું છે. તે થઈને જ રહેશે એમાં શંકા નથી. તે માટે ભાવિ ભારતમાં એક મહાન આધ્યાત્મિક વ્યક્તિનો ઉદય થશે, ને ગાંધી તથા નહેરુની જેમ, પણ તેથીયે બળવત્તર રીતે, તે દેશ ને દુનિયાને પ્રકાશ ને પ્રેરણા પહોંચાડશે. આ વ્યક્તિ નહેરુ પછી કામ કરનારા નેતાગણમાં કેન્દ્ર જેવી બનશે. નહેરુની જગ્યા લઈ શકે તેવી બે-ત્રણ સારી વ્યક્તિ આજે પણ છે. પણ મુખ્ય પ્રશ્ન તે નથી. મારી દૃષ્ટિએ મુખ્ય મુદ્દો એ છે કે નહેરુ પછી વડાપ્રધાન પદે ગમે તે આવે, તે સમગ્ર દેશના સંસ્કૃતિધનની મૂર્તિ જેવી એક વિભૂતિ ભારતમાં સમય પર જરૂર પ્રકટશે. નહેરુ પછી ભારતનું ગૌરવ વધતું જ રહેશે ને તે ગૌરવની પ્રતિમૂર્તિ જેવું એક મહાન વ્યક્તિત્વ બહાર આવશે. બીજા પણ સારા સારા સેવકો તૈયાર થતા જશે.
ગીતા પર નિબંધ લખાતા જાય છે.
હમણાં અમે અહીં જ રહીશું. કોઈ બીજે સ્થળે જવાનો વિચાર હતો પણ હજી પ્રયાસ સફળ થયો નથી. અત્યારે અહીં ઋતુ સારી છે. હિમાલયની દૈવી ભૂમિએ અત્યારે અજબ શોભા ધારણ કરી છે. ગંગાનું સૌન્દર્ય પણ અનુપમ છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓએ સેવેલી આ ભૂમિ આજે પણ આકસ્મિક પ્રકાશનાં પરમાણુથી સંપન્ન છે ને સાચા સાધકજનોને શાંતિ ને પ્રકાશ આપે છે, એ ભૂમિમાં અત્યારે તો આનંદ કરી રહ્યા છીએ.

