ભરત મંદિર, ઋષિકેશ
તા. ૨૩ ઓગસ્ટ, ૧૯૫૩
પ્રિય શ્રી નારાયણભાઈ,
તમારો પત્ર મળ્યો છે. તે પછીનું કાર્ડ પણ મળ્યું છે. કાલી માતાના ફોટા વિશે જાણ્યું. તે હમણાં ત્યાં જ રાખી મુકજો. હજી અમે અહીં જ છીએ. કોઈ બીજી સારી જગ્યા જડી નથી, એટલે હમણાં અહીં જ રહીશું. પત્ર અહીં જ લખતા રહેજો. આ વર્ષે વરસાદ સારો છે. હિમાલયના પર્વત ખૂબ હરિયાળા બની ગયા છે. ગંગાજી પણ રમણીય લાગે છે. હવા પાણી સારા છે.
પેલા પીરના આવેશવાળા ભાઈની વાત વાંચી. આવેશવાળા માણસો આત્મિક સાધનાના રહસ્યોને ભાગ્યે જ જાણી કે બતાવી શકે છે. તેમાંના વધારે લોકો તો પોકળ જ હોય છે. ઈશ્વરી માર્ગની સમજ તો કોઈ યોગી, ઈશ્વરની કૃપા પામી ચુકેલા ભક્ત કે સંત પાસેથી જ સાંપડી શકે. એવા મહાપુરુષ પણ આ સમયમાં ઘણાં જ ઓછા છે. તેમની પ્રાપ્તિ વળી તેથીયે વિરલ છે. ઈશ્વરની કૃપા થાય ને તે મળી જાય તો તેમની દ્વારા સાધનાના રહસ્યોની સમજ ને ભવિષ્યનું સાચું દર્શન મળી શકે. બાકી તો બીજો માર્ગ માણસે પોતે જ પોતાની જાતમાં ને ઈશ્વરમાં વિશ્વાસ રાખી પોતાની ઓછીવત્તી શક્તિ પ્રમાણે આગળ વધતા રહેવાનો છે. માણસની સાચી ને દૃઢ ઈચ્છા હશે તો ઈશ્વર તેને ક્યાં સુધી તલસાવશે કે નિષ્ફળ બનાવશે ? આજે નહિ તો કાલે, કાલે નહિ તો પરમ દિવસે, પણ માણસના પરિશ્રમનું ફળ જરૂર મળી રહેશે ને બધાં પ્રશ્નોનાં ખુલાસા થઈ જશે. આ શ્રદ્ધાથી માણસે આ માર્ગમાં આગળ વધતા રહેવાનું છે.
આજે તો ભારતની દશા ખૂબ વિચિત્ર છે. આ ધર્મપ્રાણ દેશમાં આજે ચારિત્ર્યહીનતા એક વ્યાપક રોગનું રૂપ ધારણ કરી રહી છે. દેશની જે કેટલીયે વિકટ સમસ્યાઓ છે તેમાં એક આ પણ છે. દેશના ઉત્થાન માટે કેટલીયે નવી નવી યોજનાઓ બને છે ને માર્ગ શોધાય છે. પણ ચારિત્ર્યહીનતાને મીટાવવાનો માર્ગ ના શોધાય, ને પ્રજા નૈતિક રીતે સલામત ને શક્તિશાળી ના બને, ત્યાં સુધી દેશનું ઉત્થાન સાચા અર્થમાં દૂર જ રહેવાનું. આઝાદી પછી ભારતમાં આ સમસ્યા ખૂબ જ ઉગ્ર ને વિષમ બની છે. જૂઠ, કપટ, સ્વાર્થખોરી, ચોરબજારી ને લાંચરૂશ્વત તથા અનાચારે વધારે વ્યાપક રૂપ ધારણ કર્યું છે. નાનામાં નાના નોકરથી માંડીને મોટા અફસર સુધી સૌ આના શિકાર બન્યા છે. બહુ જ ઓછા માણસો આ બદીમાંથી મુક્ત છે. આ વસ્તુ ભારતના મહાન ગૌરવને અનુરૂપ નથી. ભારતમાં ગોળની અછત ઊભી થઈ ત્યારે દક્ષિણના કેટલાક વેપારીઓએ પૈસા કમાવવા માટે ગોળમાં છાણ ભેળવીને વેપાર કર્યો. એવી જાહેરાત પાર્લામેન્ટમાં શ્રી રાજગોપાલાચાર્યે કરી ત્યારે આ બદીએ કેટલું વિકરાળ રૂપ ધારણ કર્યું છે, તેનો જનતા ને ખ્યાલ આવ્યો. ગોળમાં છીકણી, દૂધમાં પાણી ને ઘીમાં વેજીટેબલ કે ચરબી મેળવવાના પ્રયોગો તો જાણીતા જ છે. જીવનને જરૂરી એવી કોઈયે વસ્તુ ભેળસેળ વગરની મળવાનું મુશ્કેલ બની ગયું છે. પોતાની આ અધમતા માટે ભારતીય વેપારી હવે તો પરદેશમાં જાણીતા થયા છે. જે માલ મંગાવ્યો હોય તેથી જુદી જ જાતનો ખરાબ માલ કેટલીયે વાર તેમણે મોકલ્યો છે. એવી ફરિયાદો થઈ ચૂકી છે. પરદેશોમાં વર્તમાનપત્રો વેચનાર માણસો હોતા જ નથી. જેને જોઈએ તે પોતે વર્તમાનપત્ર લઈ લે છે, ને તેના પૈસા બાજુમાં પડેલી પેટીમાં નાખે છે. ધર્મપ્રાણ ભારતમાં સાને ગુરૂજીના પુસ્તકો વેચવાનો પ્રયોગ મુંબઈ સરકારે કરી જોયો. તો જેટલા પુસ્તકો માણસો લઈ ગયા હતા તેટલા પુસ્તકોની કીંમત પણ પૂરેપૂરી પેટીમાં ન હતી ! માણસોનું નૈતિક ધોરણ કેટલું શિથિલ થયું છે ! દિલ્હીમાં હમણાં જ પોલીસે બે લત્તામાં દરોડો પાડીને લગભગ ૨૦૦૦ નાની મોટી છોકરીઓને અનીતિનાં ધામ જેવા ઘરોમાંથી હાથ કરી છે. દેશમાં વ્યાપક જેવા બનેલા લોહીના વેપાર તો જાણીતા છે જ. ગમે તેમ કરીને પૈસો ને ભોગ મેળવવાની જ લોકોની વૃત્તિ છે. અલબત્ત સમસ્ત ભારતનું હૃદય આથી રંગાયુ છે એમ ના કહી શકાય. આવા કઠીન કાળમાં પણ ધર્મ ને નીતિની મર્યાદા પ્રમાણે ચાલનાર માણસો પણ છે, ને ભારતનું સાચું પ્રતિનિધિત્વ તે જ રજુ કરે છે. છતાં પણ ચારિત્ર્યહીનતા એક નક્કર વાસ્તવિકતા છે, ને તે રીતે તેનો સ્વીકાર થવો જ જોઈએ. તેને દૂર કરવાથી જ ભારતનું ગૌરવ વધી શકશે. દુનિયાના બીજા દેશોએ પણ એક યા બીજી રીતે પોતાનો કાબુ કરી બેઠેલા અનીતિના આ શયતાનનો સામનો કરવો જોઈએ. શરીરના આકર્ષણ ને જાતીય ભોગની ભાવના પશ્ચિમના કેટલાક દેશોમાં ખૂબ જ પ્રચુર બનેલી દેખાય છે. તે એક ભયંકર રોગ છે. પ્રજા ચારિત્ર્યના બીજા અંગોના પાલનમાં કુશળ હોય, પણ કામુકતાના કેફી કે ઝેરી નશામાં સપડાયલી હોય, તો તેને પૂરા અર્થમાં નીતિમાન કે ચારિત્ર્યશીલ ને સુસંસ્કૃત કહી શકાય નહિ જ. આજે કેટલાક પ્રમુખ રાષ્ટ્રનેતાઓ પરસ્પર, કડવાશ, ધિક્કાર, શત્રુતા ને શંકાની ભાવનાથી વાતો કરે છે, નિવેદનો બહાર પાડે છે, ને પ્રચાર કરે છે. રંગભેદની શાપદાયક નીતિ ને સામ્રાજ્યશાહી રીતરસમ તથા સંસ્થાનવાદનું એક યા બીજા બહાના હેઠળ સમર્થન કરે છે. આ બધાં ચારિત્ર્યની તંદુરસ્તીનાં લક્ષણ નથી જ. માનવજાતિ હજી નૈતિક વિકાસની કેટલી પ્રાથમિક દશામાં છે તેનું આથી ભાન થાય છે. અપહરણ, અત્યાચાર ને સ્ત્રીઓના વેપાર દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાયેલા છે. આ વાતાવરણને પરિશુદ્ધ કરવાનું છે, પલટાવવાનું છે, ને તેને ઠેકાણે નવા વધારે ઉત્તમ વાતાવરણની સ્થાપના કરવાની છે. ધર્મની સાચી સમજથી આ કામમાં ઘણી મદદ મળી શકે તેમ છે.
આજે પ્રજાને ધર્મનું શિક્ષણ ભાગ્યે જ મળે છે. એટલે પ્રજા ચારિત્ર્યઘડતરની જરૂરી પ્રેરણાથી વંચિત રહી જાય છે. કોઈ એક ધર્મની શિક્ષાની બળજબરી કરવાની નીતિ બરાબર નથી. પરંતુ તેનો અર્થ એમ પણ નથી કે ધર્મના વિચારની વાતને જ ઉડાવી દેવામાં આવે. ધર્મની અંદર દરેક માનવને ઉપયોગી જે સર્વ સામાન્ય સિદ્ધાંતો, ઉપદેશો ને તત્વો છે, તથા તેને રજૂ કરનારી મહાન પુરુષોનાં જીવનની કે ઈતિહાસની જે વાતો છે, તેને શિક્ષણના કાર્યક્રમમાં મહત્વનું સ્થાન જરૂર આપી શકાય. ધાર્મિક શિક્ષણની અવગણના કોઈ પણ સંજોગોમાં બરાબર નથી. પ્રજાનાં નૈતિક ગઠનને માટે તે ખૂબ જ આવશ્યક છે. નીતિનું મૂલ્ય જ્યાં સુધી માણસને બરાબર રીતે નહિ સમજાય ને એક યા બીજા કારણથી તેના પાલનમાં તત્પર નહિ થાય ત્યાં સુધી ગરીબાઈના ઓઠા નીચે, મુસીબત કે દુ:ખના કારણથી કે લોભ, લાલસા ને સ્વાર્થ ભાવનાથી માણસ અનૈતિક સાધનોનો આધાર લેશે, ને પોતે બરબાદ થઈ અંતે બીજાને પણ બરબાદ કરશે.
અનીતિ કે ચારિત્ર્યની નિર્બળતાના આ રોગને દૂર કરવાની જરૂર છે.
ભારતમાં હમણાં હમણાં ઘણા નવા નવા બનાવ બની ગયા. આમ તો સારાય સંસારને વિશે તેવું છે. છતાં પરિસ્થિતિ વધારે ધ્યાન ખેંચનારી છે. ખાસ કરીને કાશ્મીરની સમશ્યા વધારે ઉલ્લેખનીય છે.
બનતું પ્રભુસ્મરણ કરતા રહેજો. નૈતિક અને આત્મિક વિકાસ માટે જપ તથા પ્રાર્થનાનો આધાર લેવો. તેની શક્તિ અપાર છે. તે ઉપરાંત, સારાં પુસ્તકો પણ વાંચવાં. જીવનને માનવતાપૂર્ણ બનાવવા ને ઉજ્જવલ કરવા પ્રયાસ કરતા રહેવું. સાધના વિશે જાણવાનો કોઈ અવસર મળે તો લાભ જરૂર લેવો. તેમાં નુકશાન કાંઈ જ નથી. માતાજી કુશળ છે.

