if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભરતમંદિર, ઋષિકેશ
તા. ૨૯ ઓકટો. ૧૯૫૩

પ્રેમી શ્રી ભાઈલાલભાઈ,

તમારો પ્રેમપર્ણ પત્ર મળ્યો છે. સમાચાર જાણીને આનંદ થયો છે. તમારા પત્રોમાં તમારું નિર્મળ ને સંસ્કારસંપન્ન માનસ મૂર્ત થાય છે. તમારામાં આધ્યાત્મિક સંસ્કારો સારા પ્રમાણમાં છે. ને તેનો યોગ્ય સંગ્રહ ને ઉપયોગ કરવામાં આવે તો સારું ફળ મળી શકે તેમ છે, એમ મને વારંવાર લાગ્યા કરે છે. કેટલાક માણસોને આત્મિક વિકાસ માટે ભારે મથામણ કરવી પડે છે. તેના વિકાસ માટે જે મૂળ પાયો જોઈએ, તેની રચના માટે તેમને પ્રખર પરિશ્રમ કરવો પડે છે. એક રીતે કહીએ તો માટલાની રચના કરનાર કુંભારની જેમ તેમને જરૂરી ઉપકરણો કે સાધનો એકઠાં કરીને પછી જ ઘડતરનું કામ કરવું પડે છે. પરંતુ બીજા કેટલાક માણસોની વાત જુદી હોય છે. તેમની પ્રકૃતિ જરા નિરાળી હોય છે. તેમની અંદર પૂર્વજન્મના સુકર્મના સુફળરૂપે કહો કે આ જન્મના કંઈક અનુભવના પરિપાકરૂપે સારા સંસ્કારોનું ઘડતર થયેલું હોય છે. ઘડતરને માટે જરૂરી એવાં માટી, પાણી ને ચાકડા જેવાં સાધનો એમની અંદર તૈયાર હોય છે. ફક્ત ઘડતરની કળાને જાણીને તે માટેના પુરુષાર્થની જ જરૂર બાકી હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં આવા માણસોને યોગભ્રષ્ટ જીવ કહેલા છે. તેવા માણસોનું કામ સરળ બને છે, ને જીવનના ઈપ્સિત ધ્યેયને તે બનતી વહેલી તકે પહોંચી શકે છે. ફક્ત તેવા માણસોએ ઉચિત માર્ગદર્શન મેળવતા રહીને, પોતાની સમગ્ર શક્તિને વિકાસના અતિ મહત્વના કામમાં લગાડી દેવી જોઈએ.

જીવનમાં આગળ વધવાની ઈચ્છા હોય, પણ તે માટે માર્ગદર્શક મળવાનું કામ કપરું છે. છતાં માણસ પ્રામાણિક હોય તો તેને માર્ગ મળી રહે છે. વાલ્મિક ને વ્યાસ, તુલસી ને કબીર તથા વિવેકાનંદ ને અરવિંદ જેવા મહાપુરુષો પોતાની પાછળ અનુભવ ને વિચારવાનો જે અમૂલ્ય વારસો મૂકી ગયા છે, તે કોઈનેય પ્રેરણા આપવા ને કોઈનાય જીવનમાં પ્રકાશ પાથરવા પૂરતો છે. માનવકુળના જે ઉત્તમોત્તમ હિતચિંતકો ને સદગુરુઓ થઈ ગયા છે તે એ અક્ષરદેહના રૂપમાં આજે પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે, ને અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી પ્રકાશમાં ને જડતામાંથી જીવનમાં જવા માગતા જીવોને ધન્ય કરવાની શક્તિ ધરાવે છે. તે ઉપરાંત, સૃષ્ટિના નિયંતા કે સૂત્રધાર ઈશ્વર જેવો વિશ્વગુરુ બીજો કોણ છે ? તેનું શરણ માણસને માટે સદાયે ઉઘાડુ છે. જે ધારે તે તેનું શરણ લઈને ન્યાલ બની શકે છે. તે કૃપાળુ કોઈ પણ જાતના ભેદભાવ વગર, પોતાની કૃપા જે માગે તેના પર વરસાવવા સદા તૈયાર જ રહે છે. વળી એ પણ સાચું છે કે જેને પોતાને માટે કોઈ માનવીય રૂપના પથપ્રદર્શકની તરસ હશે, તેને સમય પર તે પણ મળી રહેશે. આ સંસારમાં બધા જ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, ને દરેકને પોતપોતાની ઈચ્છાનુસાર મળી રહે છે. એટલે મહાપુરુષોનાં વચનોનું મનન કરજો, ને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આગળ વધતા રહેજો. બને તેટલું સાધન ભજન કરતા રહેજો.

હા, ગયે વરસે તો આ દિવસોમાં આપણે પાસે હતા. ત્યાંનું વાતાવરણ બહુ સુંદર હતું. તેમાં વધારો કરતો તમારા સૌનો નિર્મળ ને પ્રબળ પ્રેમ, એને લીધે ત્યાં ખૂબ આનંદ આવ્યો હતો. એ આનંદ જીવનમાં હંમેશા યાદ રહેશે. હાલ તો ગંગાના કિનારાથી થોડેક દૂર એક ઓરડીની કલ્પના કરી લો. તેમાં બેસીને આ પ્રેમસંદેશ લખી રહ્યો છું. ગંગાજી ને હિમાલયનાં દર્શન નિરંતર થયા કરે છે. સ્થાન ખૂબ એકાંત છે. તમારું પ્રેમભીનું આમંત્રણ મળવાથી આનંદ થયો છે. તમારા પ્રેમને માટે આભારી છું, ને તમને હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું. તમારા આમંત્રણ પ્રમાણે ત્યાં જરૂર આવત. પરંતુ મારું જીવન ઈશ્વરી પ્રેરણા પ્રમાણે ચાલતું હોવાથી તે પ્રમાણે બધું કરવું પડે છે. હાલ તો મારું મન સાધનામાં લાગેલું છે.

જે યાદ કરે તે બધા પ્રેમી ભાઈઓને મારો પ્રેમ કહેશો. તમારા સૌનો પ્રેમ યાદ આવે છે. તમારી ભાવના ઈશ્વર જરૂર પૂરી કરશે, ને વહેલા કે મોડા પણ આપણને જરૂર મેળવશે.

તમે લખેલો અનુભવ ખૂબ સારો છે. ઈશ્વરકૃપાથી એવા અનુભવો થયા કરે છે, તેથી ઉત્સાહ વધે છે. ઉત્સાહ વધારીને મહત્વાકાંક્ષાને સેવતા રહીને ઈશ્વરસ્મરણ ને જપ ધ્યાન કરતા રહેજો. માતાજી યાદ કરે છે. પત્ર લખશો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.