Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભરત મંદિર, ઋષિકેશ.
તા. ૩૦ જુન, ૧૯૫૪

પ્રિય શ્રી નારાયણભાઈ,

તમારો બદરીનાથ લખેલો પત્ર મને મળ્યો છે. આનંદ થયો. આ વરસે બદરીનાથની યાત્રા યાદગાર થઈ ગઈ. ખૂબ આનંદ આવ્યો. બદરીનાથમાં ઠંડી ઘણી હતી. બીજી કેટલીક તકલીફ પણ હતી. ખાસ કરીને ખાવાની તકલીફ મોટી હતી. કેમ કે ત્યાં અનાજ અધકચરા જેવું રહેતું. છતાં 'મા'ની ઈચ્છા પ્રમાણે ત્યાં સત્તર દિવસ રહેવાનું થયું. એકંદરે બધી રીતે અનુકૂળતા રહી.

અહીં હજી વરસાદ શરૂ થયો નથી. એટલે ગરમી પ્રમાણમાં વધારે છે. વરસાદ પડ્યા પછી અહીંનું વાતાવરણ ખૂબ રમણીય થઈ જાય છે. ભરત મંદિરની જગ્યા સારી છે. તેમાં પણ અમને મળેલી ઓરડી ઘણી અનુકૂળ છે. આ ઓરડીમાં ગયે વખતે નવરાત્રી બાદ ઘણા સારા અનુભવો થયા-ઘણું કામ થયું. સાધનાનો ચાલી રહેલો અંતિમ તબક્કો અહીં પૂરો થઈ જાય, તો આ સ્થાન સાધનાના ઈતિહાસમાં ખરેખર અમર બની જાય. ભવિષ્યમાં શું થશે તે ઈશ્વર ને તેના કૃપાપાત્ર મહાપુરુષ વિના બીજું કોણ કહી શકે ? એટલું સાચું છે કે સાધનાની સંસિદ્ધિને થોડો વખત વધારે લાગે તો પણ, 'મા'ની કૃપાથી ભવિષ્ય ઘણું ઉજ્જવલ બનશે.

ત્યાંના વ્યાવહારિક જીવનમાં રહીને તમારી જાતને વધારે ને વધારે વિશુદ્ધ કરવાનો પ્રયાસ કરતા રહેજો. જીવનને સદગુણી, સંયમી ને પ્રભુપરાયણ બનાવવાનો પુરુષાર્થ ચાલુ રાખજો. જીવનને વધારેમાં વધારે ઉન્નત કરવાની જરૂર છે. નોકરી ચાલુ હશે.