Thursday, September 24, 2020

‘પવિત્ર’ શબ્દપ્રયોગ

સાબરમતી
તા. ૫ માર્ચ. ૧૯૫૮

પ્રિય ભાઈશ્રી,

તમારો ખૂબ જ પ્રેમભર્યો-પ્રેમથી નીતરતો પત્ર મળ્યો છે. આનંદ થયો. હજી કાબોદ્રા જ છો તે જાણ્યું. ગ્રામજીવનનો આનંદ અજબ છે. તદ્દન શાંત, કુદરતી ને સ્વચ્છ જીવન. તેનો વધારે લાભ લેવાથી હવે તો સ્વાસ્થ્ય તદ્દન સારું થઈ ગયું હશે.

બ્લીડીંગ બંધ છે તે જાણી આનંદ થયો છે. નિયમિત આસનનો વ્યાયામ મુંબઈના જીવનમાં પણ ચાલુ રાખવાથી ફરીથી તે નહીં થાય. ફક્ત સુંદર ને ઉપયોગી આસનો જીવનભર કરવા કૃતનિશ્ચય થવું જોઈએ. સ્વાસ્થ્યને માટે તેમની જરૂર ઘણી જ છે.

મેં ‘પવિત્ર’ શબ્દનો પ્રયોગ કર્યો તેમાં ના ગમે તેવું શું છે ? પવિત્ર કાંઈ એ જ નથી જેણે જીવનમાં કદી કોઈ માઠું કામ ના કર્યું હોય. પવિત્રતાનો સંબંધ બાહ્ય કર્મ કરતાં વધારે તો માણસના આંતરિક દેહ એટલે હૃદય સાથે છે. કોઈ કારણથી માણસ કોઈ વાર ભૂલ કરી બેસે, તેટલા જ માટે તે અપવિત્ર બની જતો નથી. પવિત્રતાને જે માને છે, ચાહે છે, ને પવિત્રતા જેનું ધ્યેય છે, તેવા બધા જ માનવ પવિત્ર કહી શકાય છે, ને સન્માનને પાત્ર છે. જીવનમાં ભૂલ કરવી એ કાંઈ છેવટનો ને મોટો ગુન્હો નથી. ભૂલ કોણ નથી કરતું ? ભૂલને ભૂલ તરીકે પિછાની તેમાંથી છૂટવા મથવું ને તેવી ભૂલ ફરી ના થાય તે માટે કૃતનિશ્ચય થવું એ જ માણસાઈ છે. જગતના અનેકાનેક મહાન પુરુષોએ આ જ રીતે જીવનને વિશુદ્ધ બનાવ્યું છે, ને ઉજ્જવલ થઈ અનેકને ઉજ્જવલ કર્યા છે. તમારા હૃદયમાં પ્રેમ ને માયાળુતા તેમ જ પરગજુપણાની મોટી લાગણી ભરેલી છે. તે ઉપરાંત, તમને સત્ય પ્રત્યે પ્રેમ છે. આ તમારા હૃદયની મહાનતાનું સમર્થન કરે છે. એ ઉપરાંત, તમારાં નેત્રોમાં પૂર્વજન્મનાં ઠીકઠીક સાધન કરેલા એવા કોઈ યોગી પુરુષના આત્માની ચમક છે. એટલે આધ્યાત્મિકભાવ તમને વારસામાંથી મળેલો છે, ને આધ્યાત્મિક માર્ગે તમે સારી ઉન્નતિ કરી શકશો એ ચોક્કસ છે.

મનુષ્ય ગમે તેવો હોય, તે જો કટિબદ્ધ બને, ઈશ્વરકૃપાની યાચના કરે તો તે કૃપાના બળથી તે જરૂર મહાન થઈ શકે છે. ને તેની બધી જ ત્રુટિ દૂર થાય છે. ઈશ્વર પોતે પૂર્ણ છે એટલે તેના તરફ જે મુખ ફેરવે તે પણ પૂર્ણતાને માર્ગે વળવા માંડે છે. ઈશ્વરની શક્તિ એવી અજબ છે. જેમ જેમ આપણે તેની પાસે જઈએ છીએ તેમ તેમ આપણી બધી જ ચિંતા ઓછી થતી જાય છે. ઈશ્વરને તરછોડવાથી ને આત્માનો માર્ગ ભૂલવાથી જ જીવનમાં દુ:ખ, અશાંતિ ને ઝેર ઊતરી આવે છે, ને માણસ તે ભારથી નીચે કચરાઈ જાય છે.

સવારમાં વહેલા ઊઠીને ધ્યાન જરૂર કરવું. આરાધ્યદેવ તરીકે આપણા પ્રિય દેવનું ધ્યાન કરવું ને સાથે સાથે મનમાં તેના નામને પણ જપવું. જો રામમાં પ્રેમ હોય તો રામનું ધ્યાન કરવું ને ‘રામ રામ’ અથવા ‘જય રામ જય રામ જય જય રામ’ એ મંત્રનો જપ કરવો. કૃષ્ણમાં પ્રેમ હોય તો ‘કૃષ્ણ કૃષ્ણ’ જપી શકાય છે. ને શંકરમાં પ્રીતિ વધારે હોય તો ‘ૐ નમઃ શિવાય’ ખૂબ સરસ છે. તમારા સ્વભાવ પ્રમાણે તમને જે ઠીક લાગે તેનું ધ્યાન ને જપ કરવા. કદાચ રામનું જીવન ને તેના આદર્શ તેમ જ તેમની વીરતા તમને વિશેષ રુચિકારક થાય. જો કોઈપણ સ્વરૂપમાં પ્રેમ ના હોય તો કંઈ પણ જપ કર્યા વિના આંખ બંધ કરી માત્ર જે દેખાય તેમાં મનને સ્થિર કરવું. એથી મન સ્થિર ને શાંત થશે. સવારે પ્રાર્થનાના રૂપમાં ૪-૫ સારા શ્ર્લોકો અથવા ‘પ્રભો અંતર્યામી’ જેવા ગીતનો ઉપયોગ જરૂર કરવો. જો કોઈ પણ દેવતાનું સ્વરૂપ ગમતું ના હોય તો ‘ૐ ૐ’ એવો જપ પણ કરી શકાય છે. ને તેની સાથે હું શુદ્ધ છું, મુક્ત છું, પવિત્ર છું, આનંદમય છું, એવી ભાવના કરવી. એટલે ટૂકમાં વહેલી સવારે ઊઠી, હાથ-મોં ધોઈ કે ન્હાઈ, આ પ્રમાણે ત્રણ ક્રમ થઈ શકે. (૧) સંતમહાત્માનું મનમાં સ્મરણ (૨) શ્ર્લોક કે પ્રભુ અંતર્યામી, વૈષ્ણવજન જેવું ભજન (૩) કોઈ રૂપનું ધ્યાન અથવા એમ ને એમ શાંત ધ્યાન. આ બધું મળી ૦॥-૦।॥ કલાક થાય તો શરૂઆતમાં સારું છે. એ જ ક્રમ સાંજે કે રાતે પણ જાળવી શકાય છે. તે વખતે ભજન જુદું હોય ને પ્રાર્થના મેં આપેલી છે તે હોય.

મેં આપેલી પ્રાર્થનામાં ખૂબ ઊંચા ભાવો છે તે ખરું છે. પણ તેથી નુકસાન થશે જ નહીં. હૃદય કેળવાશે. વળી ૐ અસતો મા સદ્ગમય જેવા મંત્રોમાં પોતાને માટે પણ પ્રાર્થના છે જે પોતાની શુદ્ધિ માટે પણ સહાયક થઈ પડે છે. આ ઉપરાંત એક બીજી પ્રાર્થના પણ લખું છું.

જપ ને ધ્યાન ખૂબ જ કીમતી છે. તેથી માણસનાં દૂષણ આપોઆપ દૂર થઈ જાય છે. ઈશ્વરસ્મરણ એ ગમે તેવા અનિષ્ટની દવા છે.

પ્રેમ કાયમ રાખશો. ભવિષ્યમાં શું થશે તે ઈશ્વર જ જાણે છે. પરંતુ આપણે ઈશ્વરની કૃપા પામીશું તો ઘણી ઉથલપાથલ કરી મૂકીશું એ ચોક્કસ છે. આપણે ઈશ્વરના મૂક હથિયાર બનીએ તો આપણી બધી જ ક્ષતિ તે પૂરી કરી દેશે. તેવી તેની શક્તિ છે. ઈશ્વર ધારે તે કરી શકે છે. મારા સ્વપ્નની સિદ્ધિ નજીકના ભાવિમાં થઈ જશે એ ચોક્કસ છે. મેં જે જે ધાર્યું છે તે થતું જ ગયું છે. એટલે આત્મશ્રદ્ધાથી ને ઈશ્વરી પ્રેરણાથી મારું દૃઢ માનવું છે કે મારું શરીર ઈશ્વરની મહાન યોજનાની પૂર્તિ કરવા આવેલું છે. ને દુનિયા તેને બહુ જ થોડા સમયમાં હવે જાણશે. હા, આજે તો મેં ધારેલા નક્શા પ્રમાણે જીવનનું ઘડતર કરવું એ જ મારું ધ્યેય છે. તે થતાં લગી હું મૂક જ રહીશ. ને તે પછી જ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે વર્તીશ. જગતને કંઈ નક્કર આપી જવું, ભારત ને જગતના આધ્યાત્મિક જીવનને ઉપર ઉઠાવવું ને જગતને સુખી ને શાંત કરવું, એ મારું દીર્ઘ સ્વપ્ન છે. અમૃત પ્રાપ્ત કરીને જે ઝેરમાં ખદબદે છે તેમના મુખમાં પણ તે રેડવાનું છે. કાર્ય ખૂબ મહાન ને મુશ્કેલ છે, પણ ઈશ્વરની વિરાટ શક્તિ તેથીયે મહાન છે. તેની પાસે કશું જ મુશ્કેલ નથી નથી ને નથી જ. માણસ માટે શું મુશ્કેલ છે ? ને તેમાંયે ઈશ્વરની કૃપા હોય તો તો પૂછવાનું જ શું ?

લખવાનું ચાલુ જ રાખશો. તમારા લખાણમાં બલ, નવીનતા ને પક્કડ હોય છે. તમારાં કાવ્યો પણ ઘણાં સરસ હોય છે. વાર્તા વિગેરે લખતા રહેશો. તમારી મહત્વાકાંક્ષા જલદી પૂરી થાય તો અમને પણ આનંદ થાય. મુંબઈ જઈને બને તો ‘રામકૃષ્ણ પરમહંસ’ ફરી વાંચજો.

એ જ ખૂબ પ્રેમપૂર્વક.

 

Today's Quote

Prayer : Holding in mind what you desire, but without adding desire to it.
- David R Hawkins

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok