Text Size

પ્રેમનું પ્રેરણામૃત

દેવપ્રયાગ
તા. ૧૯ એપ્રિલ, ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

મુંબઈથી છૂટા પડ્યા પછી અમે બે દિવસ વડોદરા રોકાઈ કુંભના મેળા પર હરદ્વારમાં આવ્યા. તા. ૧૩ ને દિવસે હરદ્વારમાં છેલ્લું સ્નાન કર્યું. મેળાનું હરદ્વાર જોવા જેવું હતું. રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગા ન હતી. એટલા બધાં વિરાટ પ્રમાણમાં માણસો ઊમટી પડ્યાં હતાં. બે દિવસ હરદ્વાર રહીને ધાર્યા સમય પ્રમાણે બરાબર તા. ૧૬ ને દિવસે અમે અહીં આવી પહોંચ્યા. વડોદરાથી સાબરમતીવાળા ૩ ભાઈઓ પણ સાથે થયા હતા. તેઓ હજી અહીં જ છે. શાન્તાશ્રમ મારે માટે અગાઉથી ખાલી જ કરી રાખ્યો હતો. એટલે અત્યારે અમે આશ્રમમાં જ રહીએ છીએ. આ રીતે ભાઈ મૂળશંકરની મારે માટેની બધી જ પ્રાથમિક વાતો ખોટી પડી છે. તેવું જ બીજી વાતોનું સમજવું. એટલે તમારે પણ હવે હિંમત હારવાની જરૂર નથી. ઈશ્વર પર શ્રદ્ધા રાખી મક્કમ રીતે પુરુષાર્થ કર્યે જવો. પછી ભાવિ ઉજ્જવળ જ છે. એમાં કાંઈ સંદેહ નથી. બીજું, આપણે પડાવેલા ફોટા હવે આવી ગયા હશે. તે મને અહીંને સરનામે મોકલી આપશો. નારાયણનો પત્ર કાલે હતો. તેમાં તેણે લખ્યું છે કે ફોટા મોકલવા માટે તમને આપી ગયેલ છે.

અત્યારે ઉષઃકાલનો વખત છે. માતાજી હમણાં જ ઊઠીને નીચે ગયાં છે. આસપાસ શાંતિ છે. ગંગાનો નાદ દૂર દૂર સંભળાય છે. પંખીના સ્વર પણ ચાલે છે. વાતાવરણ ઉલ્લાસમય છે. ત્યાં તો પંખા ફેરવવા પડતા. અહીં તો ઠંડક છે.

કેટલાંયે વરસોથી જે ચિંતાનો ભાર માથે લઈને તપું છું તે જ ભાર લઈને પાછો આ વરસે અહીં આવ્યો છું. આ સ્થળ મારે માટે પૂર્ણતાને પ્રદાન કરનારું થઈ જાય તો મારી બધી જ ચિંતા ને વેદના શમી જાય. આ વરસનો મારો ફેરો સફળ થઈ જશે એવી મને શ્રદ્ધા તો છે જ. ને ઈશ્વરીની કૃપા વહેલામાં વહેલી થાય તો મારે આ પ્રદેશમાં વધારે તપવાની જરૂર પણ નહીં પડે એ ચોક્કસ છે. ને તો તો ....સારાયે જગતને માટે એક આશીર્વાદ ઊતરી પડશે. મારું કાર્ય ઈશ્વર નિર્મિત છે, ને તેથી તે પૂરું થવાનું જ છે એમાં લેશ શંકા નથી.

તમારો અલગ ફિલ્મ માટેનો પ્રયાસ ચાલુ રાખશો. ઈશ્વર કૃપાથી તેમાં સફળતા જરૂર જરૂર મળશે. આ દુનિયામાં જેણે જે માંગ્યું છે તેને તે મળ્યું જ છે. પછી ભલે તેને માટે વખત લાગ્યો હોય. તમને સ્વતંત્ર રીતે ઉન્નત થયા જોઈને અમે પણ આનંદી ઊઠીશું.

માતાજી કુશળ છે. પ્રેમથી યાદ કરે છે. ઘેર બધાં કુશળ હશે. પત્રો લખો તો સૌને મારા પ્રેમ લખશો. મુંબઈના ગતિશીલ જીવનમાં પણ વ્યાયામ, પ્રાર્થના, ચિંતન વિગેરે આધ્યાત્મિક તત્વોને ચાલુ રાખશો. જીવન પર તે અણધારી પરંતુ એકધારી અસર કરશે.

તમારો પ્રેમ ખૂબ યાદ આવે છે. આ વરસે તો સાથે રહેવાનો યોગ ઘણો મળ્યો. ઈશ્વર હર સમયે તેવો યોગ આપે એમ ઈચ્છું છું. આ દુનિયામાં પ્રેમનું પરમામૃત જ માનવના દિલને સ્વર્ગમય ને પ્રશાંત બનાવી શકે છે. તે વિશ્વમાં વધારે ને વધારે ઢોળાય તેટલું જ ફાયદાકારક છે.

 

Today's Quote

When you change the way you look at things, the things you look at change.
- Dr. Wayne Dyer

prabhu-handwriting

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok