Saturday, June 06, 2020

યજ્ઞભૂમિ

દેવપ્રયાગ
તા. ૧૩ મે, ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમભર્યો પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. ભાઈ નારાયણનો પણ આજે પત્ર છે. ૨૧મી તારીખ સુધી દેશમાં રહેવાનું લખે છે.

અહીં અમે આનંદમાં છીએ. હિમાલયનાં ગિરિશૃંગોની વચ્ચે, શાંતા નદીના નાના પ્રવાહની પાસેની નાનકડી મઢૂલીમાં બેઠાં બેઠાં રોજ રોજ આનંદ કરીએ છીએ. અત્યારે બપોરનો સમય છે. દર વરસે તો અત્યારે તાપ સખત હોય છે, પણ આ વરસે ઠંડી વિશેષ હોવાથી હજી તેની અસર છે. ગરમીનું પ્રમાણ કઈંક ઓછું છે. હજી બદરીનાથમાં આ વરસે ૬ થી ૭ ફીટ બરફ પડેલો છે. એટલે ઠંડીનું પ્રમાણ આ વરસે વધારે છે.

આજે તો ઈશ્વરની ઈચ્છાથી પુરાણોમાં પંકાયેલા ને ગીતામાં ગવાયેલા આ હિમાલયમાં બેઠા છીએ. આકાશરંગી ગંગાનો નાદ સંભળાય છે. પંખી બોલે છે. ને આંબાવાડીનો વાયુ મસ્ત થઈને આમતેમ ડોલે છે. ડુંગરાઓ શૂન્યમનસ્કની જેમ, અવધૂત જેવા શાંત ઉભેલા છે. ક્યાં ગુજરાત, ક્યાં મુંબઈ ને ક્યાં હિમાલય ! મુંબઈના ગતિશીલ જીવનની અહીં ગતિ નથી. અહીં તો શાંતિ છે. વિશ્રાંતિ છે. તદ્દન એકાંત છે. આત્માના દેવની ઉપાસનાનો નાદ લાગ્યો હોય, અંદરના ધનને શોધવા ને મેળવવાની ઈચ્છા થઈ હોય, તેને માટે આ ભૂમિ છે. બીજાને તદ્દન શુષ્ક લાગે, નીરસ લાગે, એવી આ ભૂમિ યોગીને સંત મહાત્માને આત્માનાં અજવાળાં પામવા સહાયક થાય એવી છે. વિષયોનાં સ્વાદ હૃદયમાં ભરેલાં હોય, તેવા માણસોને માટે આ ભૂમિ નથી. આ તો વીતરાગ પુરુષોની તપોભૂમિ છે.

ઈશ્વરી અદષ્ટ ઈચ્છા આ પુણ્ય ભૂમિમાં મને એકાદ ધન્ય ક્ષણે ખેંચી લાવી છે, ને આ ભૂમિનો આનંદ મારા દિલમાં ભરી તે ઈચ્છા મારી આગળ આવિર્ભાવ પામી છે. આ ભૂમિએ મને આત્માની મહાન સંપત્તિ આપી છે, ને જીવન શા માટે છે તે સમજાવ્યું છે. આજે વર્ષોથી આ ભૂમિમાં પ્રભુ પ્રીત્યર્થે ને જગતના કલ્યાણાર્થે મેં યજ્ઞ માંડ્યો છે, ને તે યજ્ઞના પરિપૂર્ણ થવા સાથે હિમાલયનું ગૌરવ કલિકાલની આજની દુનિયામાં વધશે. વિશ્વની શાંતિ ને ઉન્નત્તિ માટે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવા દેવપ્રયાગની આ ભૂમિને મેં યજ્ઞભૂમિ બનાવી છે, ને તે ભૂમિ આજે પ્રજ્જવલિત છે. સંસાર આજે દુ:ખી છે, ત્રસ્ત છે, જડતાને પંથે વળેલો છે. આપણા જગતમાં આજે આત્મા, માનવ કે ઈશ્વરનું મૂલ્ય ને માન ક્યાં છે ? સંસારમાં શાંતિ સ્થાપવા માટે આપણે મૂળ પાયાને અસર પહોંચાડવી પડશે, ને તેને માટે ઈશ્વરી કૃપા કે આશીર્વાદ તેમજ મહાન આધ્યાત્મિક સિદ્ધિની પ્રાપ્તિ કરવી જરૂરી હશે. જગતના મંગલને માટે આધ્યાત્મિક શક્તિનો ઉપયોગ થાય એ ઈશ્વરની પોતાની ઈચ્છા છે, ને તે કાર્ય ભારતમાંથી જ શરૂ થશે. એ નક્કી છે. આ મહાકાર્યનાં પગરણ ગાંધીજી દ્વારા ક્યારનાંયે નંખાઈ ગયાં છે, ને હજી પણ કોઈ મહાવિભૂતિની જરૂર સંસારને છે. મૂળ વાત એ છે કે ઈશ્વરની પોતાની આવી ઈચ્છા છે કે કેમ ? તે માટે ઈશ્વરી આશીર્વાદ તમારા પર ઊતર્યો છે કે કેમ ? ઈશ્વરી સહાયતા તમને મળી છે ને મળે છે કે કેમ ? જ્યાં આટલી વાત થઈ એટલે બાકીનો માર્ગ બિલકુલ સાફ છે.

ધીરજ, લગન, શ્રદ્ધા ને મહેનત-અવિરત પુરુષાર્થ, એ બધાની આ માર્ગમાં ખૂબ કસોટી થાય છે. પણ ઈશ્વરી કૃપા હોય તો માર્ગ સુમન જેવો સહેલો બની જાય છે.

મુંબઈના વાતાવરણમાં તો કહેવું જ શું ! એ વાતાવરણમાં રહીને પણ હંમેશાં વિવેકશીલ, જાગૃત ને ઊર્ધ્વગામી રહીએ તો જ લાભ છે. જીવનના નાટકમાં એક તટસ્થ પ્રેક્ષક રહી હમેશાં આગળ વધતા જવાનું છે. તમારા પ્રયત્નો ચાલુ છે તે જાણીને આનંદ થાય છે. ઈશ્વર કૃપાથી સફળતા જરૂર મળશે. ને તે દિવસે અમે ખૂબ ખુશ થઈશું. દૃઢ નિશ્ચયવાળાને માટે જીવનમાં કંઈ જ દુર્લભ નથી. જે સતત પ્રયત્નશીલ છે તે એક દિવસ વિજય કે સફલતાને જરૂર પકડી પાડે છે.

ગઈ તા. ૧૪ ને દિવસે શ્રી રમણ મહર્ષિનું દેહાવસાન થયું. મહર્ષિના જવાથી ભારત જ નહીં બલ્કે સંસારની આધાયાત્મિક સંપત્તિમાં એક ભારે ક્ષતિ થઈ ગઈ. ભારતના દક્ષિણ ભાગને પોતાના પ્રકાશથી તેમણે લાંબા વખત સુધી આલોકિત કર્યો, ને કેટલાયે આત્મિક પિપાસુઓને ત્યાં ખેંચીને શાંતિનાં નિર્મળ પાણી પાયાં. મહર્ષિએ આત્મનિષ્ઠ સાક્ષાત્કારી મહાત્માનું એક મહામૂલું ઉદાહરણ દુનિયાને પૂરું પાડ્યું છે, ને આવા જડ યુગમાં પણ સાધના દ્વારા કેવી આત્મનિષ્ઠા મેળવી શકાય છે તે બતાવ્યું છે. ભારતના ઈતિહાસમાં તેમનું નામ હંમેશને માટે અગ્રપદે લખાઈ રહેશે. આધુનિક દુનિયાએ મહર્ષિના જીવનમાંથી ખૂબ પાઠ લેવાનો છે. સંસારની પાસે આવા મહાન પુરુષો આવી, લીલા કરી ને મૂક રીતે ચાલ્યા જાય છે, છતાં સંસારની નીતિરીતિ બહુ જ ઓછા પ્રમાણમાં બદલાય છે તે વાત ખૂબ નિરાશાજનક ને દુ:ખદ છે. સાથે જ સંસારના ભાવિ માટે અમંગલ પણ છે.

અહીં તમારા પ્રેમને યાદ કરીએ છીએ. માતાજી પણ ખૂબ યાદ કરે છે. આ વખતના દિવસો તો યાદગાર જ રહી ગયા. હજી તેવા મંગલ દિવસો ઈશ્વરકૃપાથી આવશે. ખોરાકમાં ખૂબ ધ્યાન રાખજો જેથી તબિયત બગડે નહીં. પ્રાર્થના ને વ્યાયામ ચાલુ રાખશો. દેશમાં પત્ર લખો તો પિતાજી-માતાજી તેમજ સૌને મારા તેમજ માતાજીના પ્રેમ લખશો.

અહીં બદ્રીનાથ યાત્રા સારી પેઠે ચાલે છે. હજી વરસાદ શરૂ થયો નથી. રામદાસજી આ વરસે તો ઘણા દિવસથી કામ કરવા આવતા નથી. છતાં કાંઈ તકલીફ પડતી નથી. એકંદરે આનંદ છે. આ વર્ષે ઈશ્વરકૃપાથી મારી સાધનાની ઈચ્છા જલદી પૂરી થાય તો હિમાલયમાં પણ વધારે રહેવું નહિ પડે. સાધનાની સફળતા પર બધો આધાર છે. ખૂબ ખૂબ પ્રેમ.

એ જ પ્રેમપૂર્વક.

 

Today's Quote

Wealth consists not in having great possessions, but in having few wants.
- Epicurus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok