Tuesday, September 29, 2020

તીર્થપ્રજાની મનોદશા

દેવપ્રયાગ
તા. ૧૪ જુલાઈ, ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. ખૂબ ખૂબ આનંદ. તમારા પત્રની આશા તો હતી જ. પરંતુ તમારો સ્વભાવ જાણવાને લીધે તમે રંગમાં આવશો ત્યારે જ અનુકૂળતા એ લખશો એમ માનતો હતો. તે પ્રમાણે આજે વળી પત્ર મળતા આનંદ થઈ રહ્યો. માતાજી પણ યાદ કરે છે.

આનંદ થાય તેનું પ્રેમ સિવાય એક બીજું પણ કારણ છે. જે દુનિયામાં અમે રહીએ છીએ તે દુનિયા કે પ્રદેશના લોકોને સંત કે મહાત્મામાં ઝાઝો રસ નથી. તેમનો સંગ કરવાનું, તેમની સેવા કરવાનું કે તેમની અગવડો જાણીને તેમની તકલીફ દૂર કરવા માટે પ્રયત્નશીલ થવાનું માનસ આ લોકોનું નથી. બહારથી આ ભૂમિ હિમાલયના ગૌરવશાળી નામે ઓળખાય છે, પરંતુ તેમાં રહેતી તીર્થપ્રજાની (તીર્થમાં રહેતી પ્રજાની) આ મનોદશા છે. આનો જ વત્તોઓછો આભાસ જગતમાં બધે જ મળે છે. પરંતુ આ ભૂમિનું પ્રાચીન મહત્વ ઘણું ઉજ્જવલ હોઈ તેની આ અવદશા ખરેખર વધારે પડતી લાગે છે. આવા પ્રદેશમાં અમે કેવી રીતે રહીએ છીએ ? દેખીતી રીતે જ તદ્દન અલિપ્તની જેમ, અમારા જ આધ્યાત્મિક જગતમાં આનંદ કરતા ઈશ્વરની કૃપા ને શ્રદ્ધાને બળે અમે અહીં સમય નિર્ગમન કરીએ છીએ. આવી દુનિયામાં જ્યારે એવા કોઈ પ્રેમીજનનો પત્ર આવે જેને અમારા જીવનમાં રસ હોય, અમારી આધ્યાત્મિક સાધના પ્રત્યે રુચિ હોય, ને જે અમને કોઈ પણ પ્રકારે મદદ કરવા તત્પર હોય, જેને અમારા પર પ્રેમ હોય, તો તેવે વખતે તેના પ્રેમનીતરતા પત્રને વાંચી આનંદ નહિ તો બીજું શું થાય ? એક સમય એવો હતો જ્યારે આ ભૂમિ સંતમહાત્માની ચરણરજથી શોભી ઊઠતી હતી. ધર્મ, નીતિ ને ઈશ્વરપરાયણ પ્રજા આ દેશમાં ઠેર ઠેર વસતી હતી. તેથી જ આ ભૂમિ દેવોને પણ દુર્લભ એવી ગણાતી. આજે સમયના પરિવર્તન સાથે પ્રજાનું માનસ પણ પલટાયું છે. જેને લીધે આ ભૂમિનું ગૌરવ સમસ્ત સૃષ્ટિમાં ફેલાયું હતું તે ધર્મ, નીતિ ને ઈશ્વરને જ આજે શિક્ષિત (?) ને સુધારક માનવ તૂત માને છે. આધ્યાત્મિક તો શું, પણ સાધારણ નૈતિક જીવન પ્રત્યેનો આદર પણ મોટા વર્ગમાંથી ભુંસાતો જાય છે. આવા સમયમાં જે વિરાટ સાધનાનો માર્ગ અમે અપનાવ્યો છે તે કોણ સમજી શકશે ? ને સમજ્યા વિના તેની મહત્તા પણ કોના ખ્યાલમાં આવશે ? આ માર્ગને આચરવાનું તો ઠીક, પણ સમજવાનું પણ મુશ્કેલ છે. તેવે વખતે તમારા જેવા પ્રેમીજન અમારા માર્ગને માનથી જુએ તે ખરે જ તમારા સાંસ્કારિક પડળો ઉઘાડાં છે એમ બતાવે છે. તમારી સંસ્કારઆંખ ખુલ્લી છે ને પૂર્વજીવનમાં તમે આધ્યાત્મિક ઉન્નતિને માર્ગે જરૂર વિકાસ કરેલો છે તેની પ્રતીતિ આથી થઈ રહે છે. ને તેથી જ, જીવનનો પ્રવાહ બાહ્યરૂપે ગમે તે ક્ષેત્ર કે દિશામાં વહે, તેના પ્રાણમાં તો આત્માની ઈચ્છા કે ઈશ્વરની અભિપ્સા જરૂર રહેવાની, ને તમારા જીવનને તે જ ઈચ્છા ઉન્નતિને માર્ગે લઈ જવાની એમાં લવલેશ સંદેહ નથી. આ જીવનમાં તમને દેવ જેવાં-સરલ ને પવિત્ર માતાપિતા મળ્યાં છે, તે તમારા પૂર્વજીવનના સુકૃતનું જ ફળ છે. તેમના વારસારૂપી સંસ્કાર ને તમારા પોતાના કર્મના અંકુશો તમને આધ્યાત્મિક માર્ગ પર અગ્રેસર કરશે, ને જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાંથી પણ ઉચ્ચ માનવ બનાવતાં ઈશ્વરી પંથે લઈ જશે. તમારાં સરળ સ્વચ્છ નેત્રો ને વિશાળ હૃદય તમારા છુપાયેલા પરંતુ મહાન ને બળવાન હૃદયની સાક્ષી પૂરે છે, ને અનુકૂળ સંજોગો આવતાં તે હૃદય ખૂબ ઉપકારક બની જશે એ ચોક્કસ છે.

આજે તમારા જીવનમાં સંઘર્ષ છે. પણ સંઘર્ષ કરતાં કરતાં જ તમે પુરુષાર્થથી આટલે સુધી આવ્યા છો, ને તે સંઘર્ષ જ તમને સફળ કરશે, વિજય શ્રી અપાવશે. જેના જીવનમાં સંઘર્ષ નથી, મહત્વાકાંક્ષા કે આદર્શ નથી, તેનું જીવન શું કામનું ? તે તો જીવંત છતાં મૃત જ છે. સંઘર્ષ કરનારને વિજય મળે જ છે એ નિર્વિવાદ છે. તમે સ્વતંત્ર પુરુષાર્થ કરતા રહેજો ને તમારી બધી આંકાક્ષાઓ પૂરી થાય એવી અમારી ઊંડી શુભેચ્છા-આશિષ છે.

મારું કાર્ય ચાલ્યા કરે છે. જે કાર્ય લઈને હું અહીં બેઠો છું તે ઈશ્વરની જ પ્રેરણા છે. તે મારા વિચાર કે તર્કનું પરિણામ નથી, પરંતુ ઈશ્વરની જ ઈચ્છા, સાધના ને લીલા છે. એટલે તે તેની કૃપાથી પરિપૂર્ણ થશે એ પણ ચોક્કસ છે. ભોગ ને વિલાસમાં ચકચૂર લંપટ માણસોની ઈચ્છાઓ પણ આ જગતમાં પૂર્ણ થાય છે. તો મારી ઈચ્છા, જે પ્રકારાંતરે ઈશ્વરની જ ઈચ્છા છે, ને જેની પાછળ સારી સૃષ્ટિનું હિત રહેલું છે, તે પૂરી ના થાય તે બને જ નહીં. નક્કર સંકલ્પ, સતત શ્રદ્ધા, પુરુષાર્થ અને અમર આશા આગળ કંઈ જ અશક્ય નથી જ નથી. માણસના આ જ નક્કર સંકલ્પે આલ્પ્સ ઓળંગ્યો, સમુદ્રનું મંથન કર્યું, ધ્રુવ જેવા નાના બાળકમાં રહીને ભગવાન વિષ્ણુનો સાક્ષાત્કાર કર્યો. અને અર્વાચીન યુગમાં-છેક તાજેતરમાં આ જ સંકલ્પ ને ઈશ્વરશ્રદ્ધાને બળે ભારતની આઝાદીની લડતમાં ગાંધીજીએ સફળ ભાગ ભજવ્યો. આ અડગ શ્રદ્ધા હોય તો દુનિયામાં કંઈ જ અસાધ્ય નથી, એ મેં મારા આજ લગીના જીવનમાં અનુભવ્યું છે. મારું સમગ્ર જીવન ઈશ્વરી પ્રેરણા ને શ્રદ્ધાનો નમૂનો છે. ભારતીય આધ્યાત્મિકતાનું તે જીવતું જાગતું દર્શન છે. ને તેની પૂર્ણાહુતિ હવે સ્વલ્પ સમયમાં જ થઈ જશે તે પછી ભારતીય આધ્યાત્મિકતા પોતાને સોળે કળાએ ખીલી દેશ ને દુનિયાના હિતમાં પ્રકટ થશે. આજે તો ‘મા’ ની કૃપા માગતો તે માટે ઝંખી રહ્યો છું. આ વિરાટ કાર્ય પૂરું થશે ત્યારે જ મને શાંતિ થઈ શકશે. ‘મા’ ની ઈચ્છા હોય તો તે એક જ ક્ષણમાં થઈ શકે છે. મારું પાત્ર તેની કૃપા-ભિક્ષા માટે હરક્ષણ ખુલ્લું જ છે.

વરસાદ પડ્યો છે. પણ ખૂબ ખૂબ ના કહેવાય. શાંતા નદી પાણીથી ભરાઈ ગઈ છે. પહાડો પર વાદળાં ફરી વળે છે. ઠેરઠેર વનરાજી શોભી રહી છે. એકંદરે વાતાવરણ સારું છે. હવે આ પ્રદેશમાંથી સાધનાના લગીર જેટલાં છતાં ખૂબ જ કીમતી એવા બાકી રહેલા કાર્યમાંથી મુક્ત થઈ જઉં તો પછી આ સ્થળમાંથી વહેલી તકે વિદાય લેવાની ઈચ્છા છે. જલદી પતાવવા પ્રયાસ કરું છું.

તમારું શરીર સંભાળજો. શિર્ષાસન ચાલુ રાખજો. બ્લીડીંગ પર ખૂબ અકસીર છે. લગ્ન માટેની વાતચીત નક્કી તબક્કે પહોંચે તો ઘણું સારું. તેમ થતાં ખબર આપશો. આપણા હનુમાનની વાત સાચી પડશે. તેમને ધન્યવાદ દઈશું. ઘેર સૌ કુશળ હશે. જીવતરામભાઈને પ્રેમ કહેશો. તેમનો પ્રેમ પણ યાદ આવે છે. માતાજી પણ યાદ કરે છે. ચિત્રનું કામકાજ ચાલતું હશે. નારાયણભાઈને પંદરેક દિવસ થયાં પત્ર લખ્યો છે. અનુકૂળતા મળ્યે સમાચાર જરૂર લખશો. દૂર બેઠાં બેઠાં હિમાલયના પહાડી પ્રદેશમાંથી અમારા ખૂબ ખૂબ પ્રેમ ને શુભાશિષ.

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok