Wednesday, September 30, 2020

પૂર્ણ સિદ્ધિ ક્યારે ?

દેવપ્રયાગ
તા. ૨૩ ઓગષ્ટ, ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

તમારો પ્રેમનીતરતો પત્ર મળ્યો. ખૂબ આનંદ થયો. દેવપ્રયાગના શાંતાશ્રમમાં અત્યારે તો અમર શાંતિ છે. વરસાદ રાતથી શરૂ હતો તે હમણાં જ બંધ રહ્યો છે, અત્યારે સવારના ૯॥ થયા છે. આકાશમાં વાદળ હજુયે પથરાયેલાં પડ્યા છે. આશ્રમની પાસેની શાંતા નદી ખૂબ જ જોરમાં આવી ભરયૌવનમાં હોય તેમ વહેવા માંડી છે. તેનો અવાજ રાત-દિવસ ખૂબ ખૂબ જોરથી સંભળાયા કરે છે. ૧૫ ઓગસ્ટ દરમ્યાન અહીં વરસાદે ઘણું તોફાન મચાવ્યું. કાચા પહાડ તૂટી પડ્યા, રસ્તા બંધ થયા, ને લોકોના પાકને પણ પારાવાર નુકશાન થયું. રાત્રિની નિસ્તબ્ધતામાં આજુબાજુથી પડતાં મોટા પત્થરો ખૂબ જ ભયાનકતા મચાવી દેતા. ને તેવો જ સખત વરસાદ. વરસાદમાં અમારી કુટિયામાં બધે જ ચુવે છે. કેવલ બેસવાની જ જગા રહે છે. તેમાં વળી આ વરસે સાપ, સાપનાં બચ્ચાં વિગેરે ઠેઠ કુટિયામાં આવી ગયાં ! ને તે પણ રાતના અંધકારમાં ! ઉપરાંત એક ‘મિનારા’ નામનું જીવડું થાય છે. તે માટી જેવા રંગનું હોય છે. વરસાદના દિવસોમાં તે છાપરામાં પેસી જાય છે, ને લાકડા તેમ જ માટીના રંગમાં મળી જાય છે. તે હોય છે તો ખૂબ નાનું, પણ અવાજ એટલો જોરમાં ને બિહામણો કરે છે કે ન પૂછો વાત. ખૂબ બારિકાઈથી જોઈને તેને પકડીને નાખી દઈએ ત્યારે જ તે દૂર થાય છે. નહિ તો આખી રાત ભજન કે ઊંઘ બેમાંથી એક થવા દેતું નથી. આ બધું એટલા માટે લખું છું કે અહીં હિમાલયમાં કેવી કઠોર વાસ્તવિકતા છે તેનો ખ્યાલ આવે. અહીંની વસતી વિશે તો મેં કહ્યું જ છે કે સાધુ-મહાત્માની સેવા કોઈ સમજતું જ નથી. આ વાતાવરણ ને ભૂમિમાં કેવળ આદર્શની ધૂનમાં રંગાઈને ને 'મા' ની પરમ શ્રદ્ધા ને કૃપાથી ભીંજાઈને અમે આનંદથી રહીએ છીએ.

મારી સાધના બરાબર ચાલ્યા કરે છે. જૂનની ૨૭ થી ૧૫-૧૬ ઓગસ્ટ સુધીનો સમય પાછો મારા જીવનમાં કઠોર વેદનાનો સમય આવ્યો. ૧॥ માસ જેટલા વખતમાં ચાર પૂર્ણ ઉપવાસ ને બીજા એક ટંક ઉપવાસ થયા. એક ટંક ઉપવાસે પણ મારામાં ખુબ અશક્તિ આણી, કેમ કે આ ભુમિમાં એવું રુચિપૂર્ણ ભોજન મળતું નથી કે એક ટંક ખાઈને માણસ રહી શકે. વળી ગયે વર્ષે ભયંકર ટાઈફોઈડની બીમારી આવી ગયેલી. તે બાદ દૂધ, ફળ વિગેરે સારા પ્રમાણમાં મળ્યાં નથી. એટલે શારીરિક ક્ષતિની પૂર્તિ થઈ નથી. છતાં સાધનાની લગનને લીધે 'મા'એ શરૂઆતમાં પ્રેરણા કરીને ઉપવાસની મના કર્યા છતાં મેં ઉપવાસ કર્યાં. ને તે કાળ ખુબ લાંબો ચાલ્યો. ૧૬ મી ઓગસ્ટે તો પૂર્ણ ઉપવાસ હતો ને તે ઉપવાસ ચાલુ રાખવા જ વિચાર હતો. પણ 'મા'એ તે દિવસે રાતે મને શાંતિ આપી. મારો વિચાર પૂર્ણ કામ કરવાનો અથવા સાધનાની સિદ્ધિનો નક્કી દિવસ જાણવાનો-'મા'ને જે યોગ્ય લાગે તે-એમ બે જાતનો હતો. બનતાં સુધી તો કાર્ય પૂર્ણ થાય એ જ માટે મારો પ્રયાસ હતો. બીજી વાત તો અપવાદરૂપે હતી. કેમ કે મારા જીવનની સાધના 'મા'ની જ સાધના છે. તેની ચિંતા તેને જ છે, ને ઠીક સમયે તે મારી બધી જ ઈચ્છા પૂરી કરતી જાય છે, એ મેં જોયું છે. એટલે જો 'મા'ને થોડા સમય બાદ મારી સિદ્ધિ કરવી હોય, તો પણ તેનો નક્કી દિવસ તો મારે જાણવો જ જોઈએ. અલબત્ત, તે દિવસ ચોક્કસ હોવો જોઈએ, કેવલ આશ્વાસન માટે અપાયેલા અનેક દિવસોની જેમ મિથ્યા દિવસ નહીં-આ મારી ઈચ્છા હતી. આમ થાય તો જ હું શ્રદ્ધા ને શાંતિથી પુરુષાર્થ કરતો બાકીનો સમય કાઢી શકું ને 'મા'એ આ વખતે કૃપા કરી. સાધનાની પૂર્ણ સિદ્ધિ ક્યારે ને ક્યાં, કયા સ્થળમાં થશે તે મને જણાવ્યું, જો કે સમય જરા લાંબો છે, એટલે મારે ધીરજ રાખવી પડશે. પણ આને લીધે-ઉપવાસ દરમ્યાનના અનુભવને લીધે મારી વેદના શમી છે, શ્રદ્ધા બળવત્તર બની છે, ને આવનારા સત્ય ને ચોક્કસ ભાવિની મને ખાતરી થઈ ચૂકી છે. આ દિવસ કે ઉપવાસના અનુભવ હું હમણાં જણાવીશ નહીં. તે આખરી પળ સુધી ગુપ્ત રહે તે જરૂરી પણ છે. પરંતુ મારા પ્રયાસ, સાધનાને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાના, આ છતાં પણ ચાલુ જ છે ને ચાલુ જ રહેશે. હું માનું છું કે તમે મારામાં રસ લેતા હોઈ ને મને પ્રેમ કરતા હોઈ આ જાણી તમને આનંદ થશે, ને તેથી જ મારા અંગત અનુભવ તમને જણાવ્યા છે, ને તેના અનુસંધાનમાં આ વાત તમને જણાવું છું. મને ખાતરી છે કે મારી બધી જ વાત ગુપ્ત રાખશો, ને મારી સાધનાની પૂર્ણ સિદ્ધિ સુધી તે કોઈને જાહેર કરશો નહીં. તમે મારામાં જે આશા રાખી છે તે જરૂર પૂરી થશે. સમય બહુ દૂર નથી. તે તો પાણીના વહેણની જેમ વહ્યે જાય છે. એક ધન્ય પાવન દિવસે મારી બધી ઈચ્છા પૂરી થશે. 'મા'ની પૂર્ણ કૃપા મને મળી જશે, ને પછી 'મા'ની આજ્ઞા ને પ્રેરણા પ્રમાણે ભારત ને સમસ્ત માનવજાતિના મંગલને માટે મારી બધી શક્તિ કામે લગાડીશ. આને જ માટે મારું જીવન છે, હિમાલયનો એકાંતવાસ પણ આ જ માટે છે, ને કષ્ટો, યાતના, અનશનની લાંબી વેદના, બધું મેં આ જ માટે સહ્યું છે. જીવનની પહેલાં તો પૂર્ણતા ને પછી નિષ્ક્રિય બનીને બેસી ના રહેતાં ખૂબ જ વ્યાપક રૂપમાં-બુદ્ધ ને ગાંધીની જેમ સમસ્ત વિશ્વની સેવા-નિષ્કામ સેવા આજ મારું ધ્યેય છે ને તે પરિપૂર્ણ થવા સર્જાયલું છે. હું કદાચ નિષ્ક્રિય બનીને બેસી રહીશ તો પણ તેમ થશે, કેમ કે આની ચિંતા ખુદ 'મા'ને છે. તેની પસંદગી મારા જ પર ઉતરેલી છે. કાળનો આ નિશ્ચિત ક્રમ છે. ને તે સમય પર થઈને જ રહેશે. ને તે વખતે જ દુનિયા મારા આજના શબ્દોનું યથાર્થ રહસ્ય જાણશે. એ ધન્ય ઘડી આવતાં-જીવનની સંસિદ્ધિ પ્રાપ્ત થતાં ને માનવતાના મંગલ માટે 'મા'નો સાથ મળવો શરૂ થતાં જીવનને ધન્ય માનીશ, શરીર ધારણ કર્યું સફલ સમજીશ, ને આજ લગીનાં અનેક કારમાં કષ્ટોને નહિવત્ ગણીશ.

આખરે તો 'મા'એ જે યોજના ઘડી છે તે પ્રમાણે જ બધો ઘટનાક્રમ મારા જીવનમાં બનતો જાય છે. તેણે મને પૂર્વજન્મ જણાવ્યો, જન્મ શા માટે તે પ્રશ્નનો ઉત્તર સમજાવ્યો, ને બીજી અનેક ઈચ્છાઓ પૂરી કરીને આજનો તબક્કો લાવી આપ્યો છે. તેની યોજનામાં એક સેકંડનો પણ વિલંબ નહિ થાય ને મારી ઈચ્છા પૂરી થશે. પછી આ દિવસો એક વીતી વાત, એક મીઠી સ્મૃતિ જ બની જશે.

મોટરો હમણાં બંધ છે. શરૂ થતાં હજી વીસેક દિવસ થશે. તે બાદ હવે અહીંથી નીકળવા વિચાર છે. બને તો કલકત્તા નહિ તો અમદાવાદ તરફ જવા વિચાર છે. નવું વાતાવરણને નવું સ્થળ મળવાથી આનંદ થશે.

તમારો પ્રેમ જોઈ આનંદ થાય છે. મને તમારે માટે ખૂબ માન છે, ને તમારું ભાવિ ખૂબ ઉજ્જવલ બનશે તેવી મને આશા છે. તમારામાં મને ઊંચી જાતના સુષુપ્ત આધ્યાત્મિક સંસ્કારો જણાયા છે, ને તેની ખીલવણી ભાવિમાં જરૂર થશે. કેવલ પ્રેમને લીધે આ નથી કહેતો, પરંતુ વાસ્તવિક રીતે મને જે લાગ્યું છે તે કહું છું. અત્યારે તમારે ભલે કઠિન માર્ગમાંથી પ્રવાસ કરવાનો હોય, તમારી મુંઝવણ વધારે વાર ટકશે નહિ. શ્રદ્ધા રાખી, હિંમત રાખી, નવું બલ ને નવો ઉત્સાહ લઈને વધતાં જ જજો. તમારા કાર્યમાં તમે જરૂર સફળ થશો. સંપૂર્ણ સુખ મેળવશો. સમય લાંબો હોય તો ગભરાવાનુ કારણ નથી. જેટલો વિતાવ્યો છે તેટલો- તેથી અર્ધોય સમય હવે થોડો જ વીતાવવાનો છે ? મને ખાત્રી છે કે સ્વતંત્ર તક મળતાં તમે તમારા કામમાં નામ કાઢશો, ને શાન બઢાવશો. સાથે સાથે ઉચ્ચ પ્રકારના માનવ બની, લોકોની સેવા કરતા રહી જીવન સફળ કરશો, ને સંસારમાં ગમે તેવા વાતાવરણમાં રહ્યા છતાં આધ્યાત્મિક વિકાસ તમારો ચાલુ જ રહેશે. કેમ કે તેના રસ તમને ગળથૂંથીમાંથી મળેલો છે. આધ્યાત્મિક રસ મેળવવા બધું છોડવાની જરૂર નથી. જ્યાં છીએ ત્યાં ને જે કરીએ છીએ તે કરતાં તે રસને મેળવતા રહેવાનું છે, જેથી જીવનની પવિત્રતા નષ્ટ ના બને, જીવન બીજાને માટે ઉપકારક બને, ને સાચું જીવન, ઈશ્વરનું પ્રેમી જીવન બને. જીવનની પ્રવૃત્તિને ઉદાત્ત કરીને તેની સાથે આધ્યાત્મિકતાનો સુમેળ સાધવાનો છે. ને તમારા જેવા પ્રેમી, અનુભવી પુરુષ તે કાર્ય જરૂર કરી શકશે એનો મને વિશ્વાસ છે. તમારામાં, નારાયણભાઈમાં ને હમણાં સૌરાષ્ટ્રમાં ગયા છે તે મનુભાઈમાં મને ઉજ્જવલ ભાવિની ઝાંખી થાય છે. નારાયણભાઈ તથા મનુભાઈ પણ ખૂબ જ શક્તિશાળી આત્મા છે. તેમના આધ્યાત્મિક સંસ્કાર ઊંચા છે.

વીતેલા જીવનમાં માનવે કોઈ ભુલ કરી હોય તેથી શું થઈ ગયું ? વર્તમાન ને ભવિષ્ય સૌને માટે ઉઘાડું છે. ભુલ કોનાથી નથી થતી ? ઈશુના જીવનમાં પેલી બાઈની વાત આવે છે, ને ઈશુ કહે છે કે જેણે જીવનમાં એકે પાપ ના કર્યું હોય તે આને પત્થર મારે. તે વાત બધાને લાગુ પડે છે. એટલે કેવળ ભુતકાળ તરફ વારંવાર આંગળી ચીંધી નિર્બળ બનવું માનવને પાલવે તેમ નથી. ભુતકાળની ભુલનું ભાન હોય, તેમાંથી માનવે પાઠ લીધો હોય, ને તે પાઠને તાજો રાખીને વર્તમાનમાં પ્રવૃત્ત થતો હોય તો તેવા માનવને શ્રેષ્ઠ ગણીને ધન્યવાદ જ દેવા જોઈએ. પડવાનું બન્યા કરે તે ભલે, પણ પડવાની નિષ્ફળતા સમજી ઊભા થવા તત્પર થવામાં ને ફરી ના પડવામાં માનવની કીંમત રહેલી છે. ને ભુલનું સાચું પ્રાયશ્ચિત આ જ છે કે થયેલી ભુલ માટે પાશ્ચાત્તાપ કરીને માનવ તે ભુલને ફરી ના કરે-અથવા ના કરવા જેટલો જાગૃત રહે.

ભુલ કરવી કે ભુલથી બચવું માણસના જ હાથમાં છે. ઈશ્વરની પ્રેરણા પ્રમાણે માણસ કાર્ય કરે છે એ સાચું, પરંતુ દરેક માણસને માટે એમ નથી. એટલી સ્થિતિ તો ઈશ્વરની સાથે એકતા અનુભવનારા ને તેની પ્રેરણા ઝીલનારા મહાપુરુષોની જ હોય છે. સાધારણ માણસમાં તો ઈશ્વરની પ્રેરણા ને પોતાના સ્વભાવની પ્રેરણા એમ બે શક્તિ કામ કરતી હોય છે. ઈશ્વરી પ્રેરણા તેને સારાં કાર્ય તરફ પ્રેરે છે, પરંતુ તેના પુરાણા સંસ્કાર, રૂઢ વિચાર ને તેનો અહંભાવ ને વિષયરસ તે પ્રેરણાને અવગણીને નઠારા કર્મોમાં લઈ જાય છે. માણસનું આત્મબળ આ દુષ્ટ વૃત્તિ સામે ટકી શકે તેવું દૃઢ હોતું નથી, તેથી જ તે પહેલાં તો પાપ કરતાં ડરે છે, પછી ‘એમાં શું, આટલામાં શું’ કરીને તેમાં ઝંપલાવે છે, ને છેવટે તે જ સાચું છે એમ માનીને તેમાં જ આસક્ત થઈ જાય છે. આ માટે એક ગજ યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર કે ઈશ્વરની પ્રેરણા હંમેશાં મંગળ જ હોય છે, ને તેથી માણસને તે મંગળ કર્મોમાં જ દોરે છે. આ પરીક્ષા પરથી કહી શકાય કે અમંગળ કર્મ ઈશ્વરી પ્રેરણાથી નહિ પણ માણસની જ ભીરુ ને વિષયી બુદ્ધિથી થાય છે. સત્ય, નીતિ, ધર્મ ને સદાચારથી વિરૂદ્ધ દિશામાં લઈ જનારી પ્રેરણા ઈશ્વરી પ્રેરણા હોઈ શકે જ નહીં. તે તો માણસની મોહાંધ બુદ્ધિનો પડછાયો છે. આ માટે સતત આત્મનિરીક્ષણની જરૂર છે. ધર્મ ને નીતિનો રસ વધારવાની ને હરેક કામ કરતાં, હર ક્ષણ જાગૃત રહીને તેનો સારાસાર વિચારવાની જરૂર છે. તેમ કરતાં જ્યારે હૃદય પૂર્ણ પવિત્ર ને આસક્તિરહિત બની જશે, ને ઈશ્વર પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ જાગશે, ત્યારે ઈશ્વર દોરવાનું કામ કરશે. પછી તો એથી આગળ જતાં માણસમાં ને ઈશ્વરમાં તથા માણસ ને ઈશ્વરની પ્રેરણામાં કાંઈ ભેદ નહીં રહે. માનવ જીવંત ઈશ્વર થઈ જશે. ત્યાં લગી તો માનવે પોતાની અંદર રહેલા દેવ ને દાનવ, સુર ને શયતાનનો ભેદ પારખીને મન ને બુદ્ધિ કે સ્વભાવની નિર્બળતાને ખંખેરી જ કાઢવાની છે, ને આગળ વધવાનું છે.

લગ્ન વિશે જાણ્યું. હનુમાનજીએ કોલ આપ્યો છે એટલે તે પણ સમયસર ઠીક જ થવાનું એ નક્કી. બધી બાજી તેના એટલે કે ઈશ્વરના હાથમાં છે.

માતાજી કુશળ છે. યાદ કરે છે. દેશમાં પિતાજી, માતાજી, બેન, ‘મસ્તરામ’ સૌ કુશળ હશે. શરીર સંભાળશો. બ્લિડીંગ માટે શીર્ષાસન-સર્વાંગાસન સારાં છે. મરચું, આમલી નુકશાનકારક.

 

Today's Quote

We do not see things as they are; we see things as we are.
- Talmud

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok