if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવપ્રયાગ
તા. ૧૭ સપ્ટે. ૧૯૫૦

પ્રિય ભાઈશ્રી,

પ્રેમભર્યો તમારો પત્ર મને મળ્યો છે. તમારો પ્રેમ જોઈ આનંદ થાય છે. આ જગતમાં પ્રેમ વિના બીજું કયું સારતત્વ છે ? પ્રેમ વિશ્વનું અમૃત છે, માનવનું જીવન છે, ને તેથી જ તેને વિરાટ ઈશ્વરની શોભા કહ્યું છે. શુદ્ધ પ્રેમની ઉપાસના એ ઈશ્વરની જ ઉપાસના છે.

તમને છેલ્લો પત્ર લખ્યો તે પછી આજે પંદરેક દિવસથી અમે આશ્રમની જ પહાડીમાં આવેલા એક બીજા મકાનમાં રહીએ છીએ. આ મકાન સારું છે, ને તદ્દન એકાંત છે. ગંગાજી અહીંથી તદ્દન સાફ દેખાય છે, ને આશ્રમ પણ પાસે જ નિહાળી શકાય છે. અહીં આવવાનું કારણ આશ્રમનું સ્થાન વરસાદને લીધે ભયંકર ને રહેવા માટે નકામા જેવું થઈ ગયું હતું તે હતું ને મોટરમાર્ગ ચાલુ થતાં અહીંથી નીકળવા વિચાર હતો. પરંતુ મોટરમાર્ગ હજી પૂરો ચાલુ થતાં થોડા દિવસ વધુ લાગશે. દરમ્યાન માતાજી છેલ્લા પંદરેક દિનથી બિમાર પડી ગયાં છે. મેલેરિયા તાવની સાથે ભયંકર શિરદર્દ એ તેમની પ્રધાન બિમારી હતી. ખૂબ અશક્ત થઈ ગયાં છે. સારવાર ચાલે છે. આજે ત્રણેક દિવસથી તાવ બિલકુલ નથી. આજથી થોડો ખોરાક આપવાનું પણ શરૂ કર્યું છે. હજી વચ્ચે કંઈ ઉપદ્રવ ના થાય તો તેમને તાકાત આવતા ૮-૧૦ દિવસ તો સહેજે લાગશે. વધારે પણ લાગે. ત્યાં સુધી અમે અહીં જ રહીશું. આ માંદગી વખતે આશ્રમમાં હોત તો ખુબ મુશ્કેલી પડત. કેમ કે અહીંની વસતી સેવા કે સત્સંગ સમજતી નથી. અહીં અમારી સાથે મકાન સાચવનાર એક નોકર પણ છે. ને તે અમને ખુબ કામમાં આવે છે. 'મા'ની લીલા છે. માણસની અંદર પ્રેરણા બની કામ કરાવવું તેના જ હાથમાં છે. હવે તો આપત્તિનો કાળ પૂરો થતો જશે એમ લાગે છે. એટલે માતાજી માટે ખાસ ચિંતા કરવા જેવું નથી.

હજી અહીં વરસાદ પૂરો થયો નથી. છેલ્લા બે દિવસથી પડ્યા કરે છે. આજે પણ વાદળાં ઘેરાયેલાં છે. ગંગાજીનું જળ બિલકુલ રાતા રંગનું થઈ ગયું છે. આ વરસાદમાં ભારતના બીજા ભાગોની જેમ અહીં પણ લોકોને નુકશાન થયું છે પણ પ્રમાણમાં ઓછું.

છેલ્લા ઉપવાસ વખતે મને તાત્કાલિક શાંતિ મળી ને 'મા'ની કૃપાથી સાધનાની પૂર્ણ સિદ્ધિનો દિવસ જણાયો તે જાણી તમને આનંદ થાય એ સ્વાભાવિક જ છે. આ દિવસ જરા લાંબો છતાં ચોક્કસ છે, ને મારે તેને માટે ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવી પડશે. અલબત્ત, મારે માટે તો એક દિવસનું અંતર પણ ખુબ લાંબુ છે. કેમ કે વર્ષોથી હું 'મા'ની કૃપા માટે તલસી રહ્યો છું, હિમાલયમાં એકાંતવાસ ને કષ્ટ સહું છું, ને ક્ષણેક્ષણ પ્રાર્થનામાં પસાર કરું છું. પરંતુ બધું સૂત્ર 'મા'ના હાથમાં હોઈ નિર્ધારેલા સમયે બધું થાય એ સ્વાભાવિક છે. જો કે તે દિવસની અવધિ અતિ લાંબી નથી, છતાં તે ટૂંકાવી શકાય તો તે માટે પ્રયાસ કરું છું. આ દિવસ જાણીને મને સારો આનંદ થયો છે. કેમ કે સાધનાનો કાળ લંબાતો જતો જોઈ મને ચિંતા થયા કરતી હતી. હવે એ દિવસની પ્રતીક્ષામાં-ને શેષ સમયના બનતા પુરુષાર્થમાં-સમય જતો રહેશે, ને એક ધન્ય દિને મારી બધી જ ઈચ્છા પૂર્ણ થઈ જશે.

અહીંથી જો આંતર-પ્રેરણા મળે તો કલકત્તા જવા વિચાર છે. અલબત્ત, માતાજીની તબિયત સારી હોય તો જ. તે બાજુ માતાજીને ભગવાન રામકૃષ્ણ પરમહંસનું લીલાસ્થાન દક્ષિણેશ્વર તથા બેલુડ મઠ વિગેરે બતાવવાની ઈચ્છા છે. તે બાદ દિવાળીની આસપાસ સરોડા જઈશું. જો કલકત્તા જવાની પ્રેરણા નહિ થાય તો સીધા અમદાવાદ આવીશું. ને ત્યાંથી થોડા દિવસે સરોડા જઈશું. આ વખતે પણ શિયાળાનો બધો જ સમય ગુજરાતમાં જ પસાર કરવાનું નક્કી છે. તે વખતે 'મા'ની કૃપાથી મળવાનો યોગ જરૂર આવશે, ને ત્યારે પ્રત્યક્ષમાં મારા સાધનાત્મક અનુભવો કહીશ.

મારા સંસર્ગમાં મૂકીને ઈશ્વરે તમને એક જુદા જ વ્યક્તિનો પરિચય કરાવ્યો છે. આધ્યાત્મિક જગત શું છે, સાધના શી વસ્તુ છે, ને તેની ઉપકારકતા જગત માટે કેટલી છે, તેનો ખ્યાલ તમને મારા સંગ ને વિચારોથી આવ્યો હશે. ખરેખર, આ જગતમાં આધ્યાત્મિકતા જેવો કોઈ રસ નથી. તેથી જીવન ધન્ય બને છે. તે રસમાં મહાલવા માનવ ઈશ્વરનું શરણ લઈ તેને પ્રાર્થે, તો તેને માટે સંસારમાં કંઈ જ અસંભવ નથી. પણ માનવ કૂપમંડુક છે. પોતાના વિચાર ને વિષયના વર્તુળમાં ફર્યા કરે છે. અહંકારથી વધે છે. દંભ ને વિષયરસ તેને પ્રાણપ્યારા છે. ને જે સત્ય છે, ધ્રુવ છે, એકમાત્ર આનંદ છે. તે ઈશ્વરની તરફ પોતાના દિલને તે ખોલતો નથી. આ જીવનમાં શું રસ હોય ? ધનનો મદ, સુંદર કે વિલાસી નારીની લાલસા કે તેનો સહચાર કે વધારે મેળવવાની મમતા માનવને મંગળમય કે તૃપ્ત કરી શકતી નથી. તૃપ્તિ કે સુખનો માર્ગ આધ્યાત્મિકતાનો જ છે. સંસારના વ્યવહારમાં ડૂબી ન જવાય ને વધારે બળ મળે માટે માણસે તેના સર્વ સ્વામી ઈશ્વરના મહિમાને સમજીને તેનો જીવનમાં લાભ ઉઠાવવાની જરૂર છે. આજે માણસ વસ્તુને છોડીને પડછાયા તરફ દોડે છે. તેમાં નથી મળતી વસ્તુ કે નથી મળતો પડછાયો. જે ઈશ્વરને જ પકડે છે, કે આત્માના દર્શનની દિશામાં પ્રવાસ કરે છે, તે આત્માનો આનંદ મેળવવાની સાથે સાથે સંસારના પડછાયાનો મર્મ પણ પારખી લે છે. જીવન આધ્યાત્મિકતાથી જેટલું દૂર જાય છે તેટલું જ અનર્થમય બનતું જાય છે એ નક્કી છે.

તમારો પ્રેમ અજબ છે. સાથે સાથે તમારા હૃદયની ભાવમયતા ને તમારું સાંસ્કૃતિક સ્તર પણ ઊંચું છે, ને તેથી જ તમે ભારતીય વિદ્યાભવનના ઉત્સવમાં આવું સુંદર ‘કલ્પના ચિત્ર’ જોઈ શક્યા. આવા કલ્પના ચિત્ર જોવાનું કામ કાંઈ સાધારણ માણસનું નથી. તમારા પત્રો ખુબ સરસ હોય છે. એક સિદ્ધ લેખકને છાજે તેવી પ્રથમ પંક્તિનું તે લખાણ હોય છે. તે વાત બાજુએ મૂકીએ તો પણ, તમારા પત્રો વાંચીને તમારી અંદર કેટલી મહાન શક્યતાઓ પડેલી છે તેનો મને ખ્યાલ આવે છે, ને આનંદ થાય છે. તમારા હદયમાં આધ્યાત્મિકતાનો એક ગુપ્ત પ્રવાહ વહે છે, ને તેને જરૂરી વેગ ને જીવન મળતાં તમારામાંથી એક સુંદર વ્યક્તિત્વ તૈયાર થઈ શકે તેમ છે, એ નક્કી છે. ઈશ્વર એવો સંજોગ તમને જરૂર આપો ! આજે જે વાતાવરણમાં તમે જીવો છો તે હૃદયને વેગ કે વાચા આપવાને બદલે વધારે ભાગે રૂંધી નાખે છે. એટલે તેમાં માણસનો ધાર્યો વિકાસ થઈ શકતો નથી. છતાં એ જ વાતાવરણ ને જે બીજું ઈશ્વર આપે તે વાતાવરણમાં રહીને માણસે માર્ગ કાઢવાનો છે, પોતાના આદર્શને પોષવાના છે, હૃદય મરી ના જાય તે માટે સજાગ રહેવાનું છે. તો જ આદર્શ માનવ બની શકાય. ને હરેકનું ધ્યેય એ જ છે-એ જ હોવું ઘટે. જીવનનાં બીજાં ગૌણ ધ્યેય અનેક હોઈ શકે, તેની સફળતાનો આધાર ક્યાંક અર્થ પર, ક્યાંક લાગવગ કે પ્રતિષ્ઠા પર હોઈ શકે, પરંતુ બધાં જ સામાન્ય ધ્યેયની વચ્ચે મધ્યવર્તી ધ્યેય સૌને માટે માનવ ને સાચા માનવ બનવાનું જ છે, ને તે સાધ્ય થતાં જ માનવને સાચો સંતોષ કે ઊંડી શાંતિ મળી શકે છે. જીવનની સફળતાઓ પણ તેમાં છે.

ભવિષ્યમાં તમારું જીવન ઉન્નત બનશે એમાં મને શંકા નથી. જે મુશ્કેલીઓ તમે વેઠી છે તેથી નિરાશ ન થતા. હિંમત હાર્યા વિના પુરુષાર્થ ચાલુ જ રાખજો. તમારી ઈચ્છા ઈશ્વરકૃપાથી જરૂર સફળ થશે. ને તે સફળતા તમને ગર્વમય અહંકારગ્રસ્ત કે જડ નહિ બનાવી દે. આજના જીવનના મોંઘા બોધપાઠ-જે વીરલાના જ નસીબમાં લખાયલા હોય છે, તે તમને તમારા કાર્યમાં ખુબ ખપ લાગશે, ને બીજાને સહાયભૂત થશે. સાથે સાથે કેવલ જડ ડાયરેકટર બનવાને બદલે તમે જીવનના આદર્શ ડાયરેક્ટર બની શકશો. ને તે જ વધારે કીમતી છે. આપણે ત્યાં ડાયરેકટરો ઘણા છે, પણ જીવન-ડાયરેકટરો ઓછા-વિરલ છે. આ બે નો યોગ સાધી જીવનને તમે ઉજ્જવલ કરશો એવી મને આશા છે. તમારી શક્તિઓને અવકાશ મળતાં તે ખીલી ઉઠશે એની મને ખાત્રી છે. ત્યાં લગી હામ રાખજો. આશાને ના છોડશો. ને ભલે વખત વધારે થાય, તો પણ આદર્શ પર અટલ રહેજો.

તમારું જોયેલું ‘કલ્પના ચિત્ર’ સાચું પડશે એમાં સંદેહ નથી. આ વાત મેં ઈશ્વરી કૃપાથી જાણી છે, ને તેની વાસ્તવિકતા નજીકના ભાવિમાં જ થવા સર્જાયલી છે. આ કાંઈ મારી ઈચ્છા નથી. 'મા'ની મહાન પ્રેરણાને ઈચ્છા છે, ને તે મને નિમિત્ત બનાવી સફલ થઈને જ રહેવાની છે. તેની કૃપા વિના માણસ વિચારી પણ ક્યાંથી શકે, સાધન માર્ગે શી રીતે જઈ શકે, ને સફળે ક્યાંથી થાય ? મારા આદર્શની પૂર્તિ આજના જગતના મંગલને માટે ખુબ જ ઉપયોગી છે, ને તેથી જ 'મા' મારા દ્વારા આ મંગલ કાર્ય કરી રહી છે. જેને મારા આ જ જીવનના પૂર્વકાલની પૂરી જાણ નથી તે મારી વાત સમજી નહીં શકે. પરંતુ પૂર્વજન્મોના જ્ઞાન પછી મેં જાણ્યું છે કે મારા દ્વારા સાધનાનું જે કાર્ય 'મા' કરે છે તે તો તેની લીલામાત્ર છે, ને આ રીતે પહેલાં પણ મેં વિશ્વનું વિરાટરૂપે મંગલ કરેલું છે. પણ ઈશ્વરનાં મહાન રહસ્યને જાણવું અલ્પ ને પામર માનવી માટે શક્ય નથી. તે તો પોતાના જ પૂર્વગ્રહ ને ગજથી સૌને માપે છે. ગમે તેમ, વર્તમાન જ ખાસ અગત્ય ધરાવે છે. ને વર્તમાન જીવનમાં પૂર્ણરૂપે 'મા'ની કૃપા મેળવી જગતને કામ આવવાની કે તેનું મંગલ કરવાની મારી ઈચ્છા છે. તે પૂરી થાય એટલે આનંદ. જે નીકળ્યો છે ને ચાલે છે તે ધ્રુવપદે પહોંચવાનો જ.

વિશ્વમાં જ્યારે જ્યારે અંઘકાર ફેલાવા માંડયો છે ત્યારે ત્યારે ભારતે પ્રકાશ આપ્યો છે. છેલ્લે છેલ્લે ગાંધીજીના જીવનરૂપે ભારતનો આ પ્રકાશ જ પ્રકટ થયો હતો. પરંતુ તેનું કાર્ય અધૂરું છે. આજના ભયગ્રસ્ત જડવાદી જગતમાં હજી પણ એક મહાપ્રકાશની જરૂર છે. આ પ્રકાશ પ્રાપ્ત મહાપુરુષ પૂર્ણ સિદ્ધ જોઈએ, ઈશ્વરતુલ્ય જોઈએ. સાધના દ્વારા સંસિદ્ધિપ્રાપ્ત જોઈએ ને તેનામાં માનવ-અનુકંપા હોવી જોઈએ. તેના પર ઈશ્વરી કૃપા ઉતરે ને ઈશ્વરની આજ્ઞાથી તે સેવાના ક્ષેત્રમાં પડે તો જ આપણા જગતને તે સફલ પથપ્રદર્શન કરી શકે. જે ભૂમિને સંસ્કૃતિએ કૃષ્ણને આપ્યા. વ્યાસને, શુકદેવને વાલ્મીકિને પ્રકટાવ્યા, તેમ જ બુદ્ધ, શંકર, રામકૃષ્ણ, ચૈતન્ય ને ગાંધીજી આપ્યા, તે ભૂમિ કે સંસ્કૃતિ જ આવા પુરુષનું દાન કરી શકે. તેને માટે તે અશક્ય નથી.

હા, સંસારના કપરા અનુભવ તમે કહો છો તેમ, માનવને જડ બનાવી દે, ને હિટલર કે મુસોલિની પ્રકટાવે, પણ તે ક્યારે ? જે વિવેકી છે, જાગૃત છે, તેનામાંથી તો તેવા અનુભવ સંસારના બાહ્ય ચળકાટની મમતા ટાળશે, ને ઈશ્વરના પ્રેમની પ્યાસ વધારી જીવનને સાચા અર્થમાં રસિક, મૃદુ ને સત્ય બનાવશે. તમારે એવો કઠોર થઈ જવાનો ભય નથી.

ભાઈ નારાયણને પત્ર લખ્યો છે. મળ્યો હશે. સૌ પ્રેમીજનોને પ્રેમ. પત્ર અહીં જ લખશો. નીકળવાનું થતાં જણાવીશ. માતાજીની ચિંતા કરશો નહીં. દેશમાં સૌ કુશળ હશે. એ જ સપ્રેમ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.