Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભરત મંદિર, ઋષિકેશ.
તા. ૧૮ જુલાઈ, ૧૯૫૨

પ્રિય વિઠ્ઠલભાઈ,

તમારો પ્રેમપત્ર મળ્યો છે. હજી તમારા પ્રયાસમાં કોઈ નક્કર સફળતા મળી નથી તે જાણ્યું. કદાચ પત્ર લખ્યા બાદ આજ સુધી કાંઈક સારું પરિણામ આવ્યું હોય તો તમારા પત્ર દ્વારા તે જણાશે. પ્રયાસ કરવામાં તો તમે કાંઈ જ બાકી રાખ્યું નથી. છતાં સમય ને સંજોગોની વિપરીતતામાં તમારે અટવાવું પડ્યું છે. પણ વિશ્વાસ રાખજો કે સાચા દિલના પ્રયાસોને સફળતા જરૂર સાંપડશે. ને તમારા ઉદ્યોગમાં આગળ આવવાનાં તમારાં સ્વપ્ન પણ સાચાં પડશે. પ્રયાસ કરતા રહેવું એ વિના બીજું આ પરિસ્થિતિમાં થઈ પણ શું શકે ? કામ મળતાં વાર લાગે તો આર્થિક સદ્ધરતા માટે કોઈ બીજું અનુકૂળ કામ કામચલાઉ શોધી લેવું જોઈએ, ને ધંધા માટે તપાસ પણ કરતા રહેવું જોઈએ, જેથી મુંઝાવું ના પડે. આશા ને હિંમત રાખી પ્રયાસ કરતા રહેશો. પ્રભુ જરૂર સફળ કરશે.

આ વખતે અમારે આલ્મોડાનો લાંબો પ્રવાસ કરી છેવટે અહીં આવવાનું થયું તે બધી વાત ધનેશ્વરભાઈએ કરી હશે. પ્રભુની ઈચ્છાની વાત છે. પરંતુ જે થયું તે સારું જ થયું છે. અહીં રહેવાનું સ્થળ એકંદરે ખૂબ સુંદર ને અનુકૂળ મળ્યું છે. સામે જ ગંગાજીનાં દિનરાત દર્શન થયા કરે છે. શાંતિ તથા એકાંત પણ સારું છે. આમ દેવપ્રયાગથી પણ અમુક રીતે વધારે અનુકૂળ છે. એટલે અહીં આનંદ આવે છે. હમણાં તો પ્રભુની ઈચ્છા પ્રમાણે અહીં જ રહેવાનું રાખીશું. અહીં કોઈ જાતની તકલીફ નથી. આબોહવા સારી છે. વરસાદને લીધે પર્વતો ખૂબ રમણીય લાગે છે. હિમાલયની શોભા વરસાદના દિવસમાં ખૂબ જ વધી જાય છે. વળી યાત્રા ધીમી થઈ જવાથી એકાંત પણ ખૂબ છે. આ સ્થાન પણ વસ્તીની બહાર છે. એટલે રહેવાનો પ્રશ્ન અહીં આવ્યા પછી સારી પેઠે ઉકલી ગયો છે.

ધનેશ્વરભાઈને આ વખતે પણ સાથે રહેવાનો ખૂબ લાભ મળ્યો. તેમનો સ્વભાવ ખૂબ જ પ્રશંસનીય છે. પ્રેમ સાથે સેવાની તમન્ના, ઉદારતા ને ઘસાઈ છૂટવાની વૃત્તિ તથા સંસાર પરથી અરૂચિ તેમને ખૂબ મહત્વનું સ્થાન અપાવે છે. તેમનું દિલ ખૂબ સંસ્કારી ને ભાવનામય છે. તેથી સાથે રહેવાની તક તે ઝડપી લે છે. તેમને પણ આ વખતે સારો આનંદ આવ્યો. જો કે રહેવાની અનિશ્ચતતાને લીધે થોડું ફરવું પડ્યું ખરું.

દસ વર્ષ બાદ ઋષિકેશમાં આટલું લાંબું રહેવાનું થયું છે. દરમ્યાન કેટલાય નવા નવા પ્રસંગો બની ગયા. એક અનોખો ઈતિહાસ સર્જાઈ ગયો. ઋષિકેશ એ મારા હિમાલયના મહાપ્રસ્થાનનું પ્રથમ નિવાસસ્થાન કે તપસ્થાન છે. એટલે જો 'મા'ની પૂર્ણ કે આખરી કૃપા આ સ્થાનમાં થાય તો તે પણ યોગ્ય જ હશે. મારું મુખ્ય કામ તેની કૃપા મેળવવાનું છે. પછી તે ગમે ત્યાં મળે. ને તે મેળવ્યા વિના હું જંપવાનો નથી. જીવનનું જે ધ્યેય મેં નક્કી કર્યું છે તે પાર પાડીને જ હું શાંતિથી બેસવાનો છું. ને તે પાર પડશે જ-'મા'ની કૃપા મારા પર વરસશે જ એ મારી ખાત્રી છે. માટે તો કોઈયે સ્થળ ને પરિસ્થિતિમાં હું મારી સાઘનાને ચાલુ જ રાખું છું. સિદ્ધિ દેવી સમય પર મારા કંઠે જયમાળા જરૂર આરોપિત કરશે, ને ત્યારે મારું જીવન ધન્ય હશે. સાધના કે પ્રેમનો માર્ગ તો શિરનો સોદો છે. પણ 'મા'ની કૃપાથી હું તેને પૂરેપૂરો પાર કરી જઈશ એ નિશ્ચિત છે. એટલે 'મા'ની કૃપાનો ચાતક બની આજે તો અહીં બેઠો છું. તે કામ પૂરું થાય પછી હું દેશ ને દુનિયાને કંઈક કામ આવી શકું તે વખતે મને આનંદ હશે. મારો સમગ્ર સમય બીજાના ભલા માટે ખરચાતો હશે.