Thursday, October 22, 2020

કાશીમાં

દેશની સુપ્રસિધ્ધ નગરી કાશી. વારાણસી.

કાશીવિશ્વનાથ મંદિર અને ગંગાના સુંદર ઘાટ એનાં બે અગત્યનાં અસામાન્ય આકર્ષણો. એ પ્રાચીનતમ આકર્ષણોથી આકર્ષાઈને અતીતકાળથી આરંભીને અદ્યતન કાળપર્યંત અસંખ્ય પ્રવાસીઓએ એની મુલાકાત લીધી છે. અમે પણ લીધી.

સૌથી પ્રથમ સર્કીટ હાઉસમાં તપાસ કરી પરંતુ ત્યાં કોઈક કોન્ફરન્સની તૈયારીના ઉપલક્ષમાં બધા જ રૂમ સુરક્ષીત રાખવામાં આવ્યા હોવાથી જગ્યા ના મળી શકી. જયપુરીયા સ્મૃતિભવન પણ ભરેલું હોવાથી છેવટે અમે એની બાજુની એક હોટલમાં ઉતારો કર્યો.

એ દિવસે વધારે પડતું મોડું થઈ ગયેલું હોવાથી રાતે વિશ્રામ કરીને બીજે દિવસે સવારે અમે સુપ્રસિધ્ધ કાશીવિશ્વનાથ મંદિરના દર્શને ગયાં.

મંદિર તરફ જવાના સાંકડા ગલીના રસ્તા પર પ્રવેશતાં જ એક નવયુવાન તીર્થગોર અથવા પંડાભાઈ અમારી સાથે થઈ ગયાં. તીર્થસ્થળોમાં એવી ઘટના ઓછાવત્તા અંશે સ્વાભાવિક હોય છે. એનું કારણ મુખ્યત્વે તીર્થગોરો કે પંડાઓની  અર્થલાભની ઈચ્છા હોય છે. એ આપણા માર્ગદર્શકનું કામ કરે છે ને તીર્થસ્થળો વિશે આવશ્યક અજ્ઞાત ઉપયોગી માહિતી પૂરી પાડે છે. તીર્થોના અગત્યના દર્શનીય સ્થળોને બતાવે છે પણ ખરા. અમારે એવા કોઈ તીર્થગોરની આવશ્યકતા ના હોવાથી અમે પેલા નવયુવાન તીર્થગોરને સાથે આવવાની ના પાડી, અને કોઈક અન્ય આવશ્યકતાવાળા યાત્રીની મદદે જવા જણાવ્યું, પરંતુ એણે માન્યું નહીં ને સાથે આવવાનું ચાલુ જ રાખ્યું. માર્ગની બહાર એક તરફ એણે અમને મોટરોમાંથી ઊતરતા જોઈ અમે ખૂબ જ શ્રીમંત છીએ એવું અનુમાન કરી દીધેલું. એ અનુમાન એને માટે ઉત્સાહવર્ધક તથા પ્રેરક બનેલું. અમારી પાસેથી સારી સંતોષકારક રકમને મેળવવાની એને આકાંક્ષા જાગેલી. એ આકાંક્ષા અથવા આશાને એ હાથે કરીને કોઈ પણ પ્રકારના દેખીતા અનિવાર્ય કારણ વિના પાણી ફેરવવા નહોતા માગતો. એથી અવારનવાર ઈન્કાર છતાં પણ એણે અમારી સાથે આવવાનું ચાલું જ રાખ્યું.

કાશીવિશ્વનાથના નાનકડા મંદિરમાં અમે પ્રવેશ કર્યો.

મંદિર પ્રમાણમાં ખૂબ જ નાનું ને સાંકડું છે. અંદરથી એટલું બધું ગંદુ ને ભીનું રહે છે કે સંભાળીને પગ ના મૂકીએ તો લપસી જવાય. દર્શનાર્થીઓની ભીડ પણ એટલી બધી અસાધારણ હોય છે કે વાત નહીં. ભારતના કેટલાંક સુપ્રસિધ્ધ મંદિરોની પેઠે એ મંદિરને પણ મોગલોના શાસન સમયે સોસવું પડેલું. મંદિરને અડીને બંધાયેલી મસ્જિદ એની સાક્ષી પૂરે છે. મંદિરની અંદર પ્રવેશવાનો અંગ્રેજો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એ પ્રતિબંધ અનુચિત અથવા અસ્થાને લાગે છે.

પેલા યુવાન પંડાએ મંદિરના મહિમાને વર્ણવવાનું અને અમારી સાથે આવવાનું ચાલુ રાખ્યું. એને મોટી રકમ મળવાની આશા નથી એવી ખાતરી થઈ ત્યારે એણે રોષે ભરાઈને ફાવે તેમ બોલવાનું શરૂ કર્યું:

‘તનના ઊજળા પણ મનના મેલા.

‘શ્રધ્ધાભક્તિ વગરના.

‘ઘોર કલિકાળના શિકાર બનેલા.

‘આટલે દૂર મોટરમાં આવ્યા છે પણ તીર્થમાં ખર્ચ કરવાની ઈચ્છા નથી. અહીં આવવાથી શો લાભ?

‘ચારેકોર નાસ્તિકતા છવાઈ ગઈ છે. ધર્મમાં જે શ્રધ્ધાભક્તિ હતી તે તો રહી જ નથી.

‘આવા અધર્મીઓને તો જોવાથી પણ પાપ લાગે.’

એની બુધ્ધિ કે સમજશક્તિ પ્રમાણે એણે એવાએવા ઊભરા ઠાલવવા માંડ્યા.

અમે શાંત જ રહ્યાં.

મંદિરની બહાર નીકળીને રસ્તા પર આવવાનું થયું ત્યારે એણે એક બીજા પંડાને મોકલ્યો. એ એની ભલામણ કરવા લાગ્યો.

એણે પૈસા માટે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે મેં શાંતિપૂર્વક જણાવ્યું : ‘કોઈની અકારણ ટીકા કે નિંદા સાંભળવી અને એને ઉપરથી પૈસા આપવા એવી પરિસ્થિતિને કોઈ પુરુષ ભાગ્યે જ પસંદ કરે. એ યુવાને પોતાના સ્વભાવને સુધારવાની ને વાણીને મધુમયી બનાવવાની આવશ્યકતા છે. તે પછી જ એ યાત્રીઓની સાચી ને સારી સેવા કરી શકશે.’

બંને પંડા પાછા વળ્યા.

ગંગાના ઘાટ પરથી હોડીમાં બેસીને સામે કિનારે જતી વખતે અમે વચ્ચે જ અસ્થિવિસર્જન કર્યું. નાવિક મધુભાષી, ભાવિક તથા ભલો હતો. એણે સામે કિનારે લઈ જવાના પ્રવાસી દીઠ આઠ આના લીધા. પાછા ફર્યા પછી અમે એની ભદ્રતાને લક્ષમાં લઈને એને પુરસ્કાર પ્રદાન કર્યો.

અલ્હાબાદમાં સંગમ સુધી જવા માટે નાવિકે વ્યક્તિ દીઠ અઢાર રૂપિયા (જવા-આવવાના) લીધેલા. એની સરખામણીમાં કાશીની નાવ સસ્તી હતી.

આખો દિવસ જાતમહેનત કરીને જીવનનિર્વાહ કરનારા નાવિકમાં અને જેમતેમ કરીને બીજા પર આધાર રાખીને જીવવા માગનારા પેલા યુવાન પંડામાં આભજમીનનો તફાવત હતો. આપણા પંડાઓ વધારે સંયમી, સાત્વિક, સેવાભાવી બને તો સરવાળે તેમને જ લાભ થાય. તીર્થોનું વાતાવરણ પણ વિશેષ વિશદ બની જાય.

 

Add comment

Security code
Refresh

Today's Quote

The easiest thing to find is fault.
- Anonymous

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok