Monday, September 21, 2020

પ્રાર્થનાનો ઉત્તર

જીવનમાં એવા અવસરો અનેક આવે છે જ્યારે રાબેતા મુજબનો રોજનો ક્રમ ખોરવાઈ જાય છે. અવનવા આકસ્મિક અકલ્પનીય સંજોગોનું નિર્માણ થવાથી પ્રગતિનો પંથ અટકી પડે છે. મન મૂંઝાય છે. કિંકર્તવ્યમૂઢ બને છે. એવે વખતે પણ માનસિક સ્થિરતાને છોડવાની હોતી નથી. માનસિક સંતુલનને સાચવી રાખીને પ્રગતિના પંથને પકડવાનો હોય છે. પ્રતિકૂળતામાંથી અનુકૂળતાને શોધવાની હોય છે. એવી ક્ષણો જીવનની કસોટીક્ષણો હોય છે. એવી કસોટીક્ષણોમાંથી સફળતાપૂર્વક પાર ઊતરવા માટે પ્રાર્થનાનો આધાર પણ લેવાતો હોય છે. એ આધાર અકસીર અને અમોઘ ઠરે છે.

અમારી આ વખતની યાત્રામાં એ સત્યની પ્રતીતિ કરાવતા અનુભવપ્રસંગો બનતા રહ્યા. એવા જ એક વિશેષ પાવન પ્રસંગનું સ્મરણ કરીએ.

સુપ્રસિદ્ધ કાશી નગરીના નિરીક્ષણ પછી અને ભગવતી ભાગીરથીના પવિત્ર પ્રવાહમાં માતા જ્યોતિર્મયીના સ્થૂળ શરીરના અવશેષોના વિસર્જન પછી અમારી બંને મોટરો સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગળ વધી. અમારું લક્ષ્યસ્થાન હવે ગયા, બોધિગયા અને છેવટે કલકત્તા હતું.

કાશીથી પંદર કિલોમીટર મુગલીસરા અને ત્યાંથી નૌબતપુર પહોંચતા સાંજના સાડા છ થઈ ગયા. ત્યાંથી આગળ જવા માટે પ્રયાણ કરતાં જ આખો રસ્તો બંધ થઈ ગયો. રસ્તાની બંને બાજુએ ને વચ્ચે કોઈ પણ પ્રકારના વાહનવ્યવહારના નિયમપાલન વિના અસંખ્ય ખટારાઓ ઊભા રહેલા. આગળની ટ્રકો એવી સ્વચ્છંદી રીતે બેજવાબદારીપૂર્વક ઊભી રહેલી કે એ પોતે તો આગળ વધી શકતી નહોતી પરંતુ બીજી પાછળની ટ્રકો ને મોટરોના રસ્તાને રોકી રહેલી. પાછળ ફરવાનો રસ્તો પણ પાછળથી આવતી ટ્રકોની હારમાળાને લીધે પુરાઈ ગયો હોવાથી આગળ વધવાની પ્રતીક્ષા કરીને શાંતિથી ઊભા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહ્યો.

એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાંતિથી ઊભા રહેવાનું કામ કપરું હતું. જોતજોતામાં ચારે તરફ અંધારું છવાઈ ગયું. અમારી મોટરમાંથી નીચે ઉતરીને શાંતિભાઈ દૂરદૂર સુધી જઈ આવ્યા. એમને આગળ વધવાની શક્યતા ના લાગી. એ ખૂબ જ નિરાશ થઈને કહેવા લાગ્યા કે હવે સવાર સુધી આમ જ પડી રહેવું પડશે. ચારપાંચ કલાક પહેલાં તો એક પણ ટ્રક રસ્તો કરી આપે એવી શક્યતા નથી દેખાતી.

અમારી સાથેની બીજી મોટર રસ્તો કુત્રિમ રીતે બંધ થયો તેના થોડાક વખત પહેલાં જ એક તરફથી આગળ નીકળી ગયેલી અને યેન કેન પ્રકારેણ સંકટમાંથી ઊગરેલી. આપત્તિ કેવળ અમારી મોટરને જ માટે ઊભી થયેલી. એને માટે આગળ કે પાછળ જવાનો કોઈ અવકાશ જ નહોતો રહ્યો. અડધા કલાકે માર્ગ સહેજ મોકળો થતાં મોટર એકાદ સેકન્ડ આગળ વધે અને પાછી અટકી પડે.

રસ્તાની વચ્ચે રોકાઈ રહેવા પાછળ પોણા બે કલાક જેટલો બહુમૂલ્ય સમય ચાલ્યો ગયો. એટલા સમયમાં તો ઉતારા પર પહોંચીને નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈ શક્યાં હોત.

પરંતુ બીજું થાય પણ શું ? બીજો કોઈ રસ્તો જ ક્યાં રહેલો ?

મેં શાંતિભાઈને રામકૃષ્ણદેવની સ્તુતિ કરવાની સૂચના આપી. એ સૂચના એવે વખતે સ્વાભાવિક રીતે જ કડવી લાગી. શાંતિભાઈનું મન એ મુસીબતમાંથી માર્ગ કરવા આતુર હતું. મેં એમને સ્તુતિ કરવાની સૂચના એટલા માટે જ આપેલી કે એથી કાંઈક મદદ મળે. પરંતુ એમનું મન અતિશય અસ્વસ્થ હોવાથી સ્તુતિ કે પ્રાર્થનામાં પરોવાઈ શકે તેવું ન હતું.

એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારું મન જુદી જ રીતે વિચારવા લાગ્યું. મેં મા જગદંબાને કહેવા માંડયું કે મા, તમને પૂછી ને તમે અનુમતિ આપી એટલે તો અમે કાશીથી કલકત્તા જવા માટે પ્રયાણ કર્યું છે. તમારી સુસ્પષ્ટ સંમતિથી જ અમે દક્ષિણેશ્વરના તમારા દિવ્ય સ્થાનમાં આવવાનો નિર્ણય કર્યો છે. એ નિર્ણય અને એની પછીના પ્રયાણ પછી તમે આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું કઠોર કાર્ય કેમ કર્યું ? તમે તમારી જ ઈચ્છાથી અમને લઈ જાઓ છો તો પછી આવી મુસીબતમાં કેમ મૂકો છો ? રસ્તાની વચ્ચે ઘોર અંધકારમાં અમે કેટલા બધા વખતથી રાહ જોઈએ છીએ ? આ યાત્રા તમારી જ ઈચ્છા, પ્રેરણા, યોજના પ્રમાણે કરી રહ્યાં છીએ, છતાં તમારે માટે કશું જ અશક્ય નથી. અમારી યાત્રાનાં પ્રેરક જો તમે જ હો તો વિનાવિલંબ રસ્તો કરો.

મારું અંતર સંવેદનશીલ, ભાવવિભોર બની ગયું.

એ સંજોગોમાં પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના દેખાયો. મોટરમાં બેઠાંબેઠાં મૂંગે મોઢે છતાં અનુરાગપૂર્ણ અંતરે પ્રાર્થના કરવા માંડી.

પ્રાર્થનાની શક્તિ અનંત છે. એની અંદરનો મારો વિશ્વાસ અખૂટ અથવા અતૂટ. એ વિશ્વાસ બૌદ્ધિક નથી, આત્મિક છે. એની પાછળ અનુભૂતિનું અંતરંગ અમોલ પીઠબળ રહેલું છે. એણે મને ડગલે ને પગલે મોટી મદદ કરી છે. એનો આશ્રય સદાને સારું લાભકારક થયો છે તેમ તે વખતે પણ થયો. ચારે તરફ નિરાશાનાં ઘોર વાદળાં છવાયા હોય તેમાંથી આપોઆપ આશાકિરણ ફૂટી નીકળે ને પ્રકાશ તથા તાજગી પહોંચાડે તેમ એક અસાધારણ ચમત્કૃતિજનક બનાવ બની ગયો. એવા ઘોર અંધકારમાં ખટારાઓના સ્થિતિસ્થાપક કે કોઈકવાર એકાદ નિમિષને માટે ગોકળગાયની ગતિથી આગળ વધનારા એ કાફલાની ડાબી બાજુના કાચા રસ્તા પરથી દેવના દૂત જેવો, વીર્ય ને ઉત્સાહથી થનગનતો એક પુરુષ અમારી મોટર પાસે છેક અંદર આવી પહોંચ્યો. એનું કદ મધ્યમ, વાન ઘઉંવર્ણું ને શરીર સુદૃઢ દેખાયું. સફેદ સાધારણ વસ્ત્રોથી સજ્જ એ પુરુષને પેખીને અમને આશ્ચર્ય થયું. પરંતુ અમારા આશ્ચર્યને ગૌણ ગણીને એણે અમારી મોટરને કાચા સાંકડા રસ્તા પર લઈ આવવા અને આગળ વધારવા અનુરોધ કર્યો. અનુરોધ અથવા પ્રસ્તાવ જોખમકારક હોવા છતાં પણ બીજો કોઈ વિકલ્પ ના હોવાથી અમે મોટરને ખટારાઓની હારમાંથી માંડમાંડ બચાવીને એના તરફ વાળી દીધી. પછી તો એ પરગજુ પુરુષ આગળ નશાબાજની જેમ, કોઈક ભૂવો ધૂણતો હોય તેમ, નાચતો જાય, કૂદતો જાય, અમને એની દિશામાં આગળ વધવા માટે બે હાથને હલાવીને રાષ્ટ્રપતિને રસ્તો કરી આપતો હોય એમ અભિનય કરતો જાય, અને અમારી મોટર મંદગતિએ એની દિશામાં આગળ વધતી જાય.

રસ્તામાં કોઈ દુકાનની બહાર બે પલંગો પાથરેલા. આગળ વધતાં ડીઝલનું પીપ રખાયેલું. એથી આગળ કોઈની ખાલી ઘોડા વગરની ઘોડાગાડી પડેલી. મોટરને માટે એ બધું અસાધારણ અવરોધરૂપ હતું. પરંતુ પેલા પરમપ્રતાપી પુરુષે અંધકારભરેલા રસ્તે અમારી મોટરના પ્રકાશમાં દોડતાંદોડતાં પ્રચંડ પરાક્રમી પહેલવાનની પેઠે એ બધા જ અવરોધોને રમતમાત્રમાં દૂર કરી દીધા. સામેથી કાળની જેમ મોટી સાઈડ પરથી આવતી એક ટ્રકને પણ અટકાવી દીધી. એનું એ વખતનું સ્વરૂપ તથા ઝનૂન જોવા જેવું હતું. બસો જેટલી પ્રચંડકાય ટ્રકોની હારમાળાની વચ્ચેથી એવી રીતે એ દેવદૂત જેવા પુરુષે અમારી મોટરને સુરક્ષિત રીતે મુખ્ય મોટરમાર્ગ પર મૂકી દીધી. સામેથી વાહનોની એક જ હારમાળા શરૂ થઈ ત્યારે અમે રાહત અનુભવીને પેલા પુરુષને પારિતોષિકરૂપે થોડીક રકમ આપવા માંડી તો તેણે ખૂબ જ નમ્રતાથી કેવળ ના ના કહીને એનો અસ્વીકાર કર્યો.

રાતે સાડા આઠ વાગ્યે જગદંબાએ અમને એવી અલૌકિક સહાયતા પહોંચાડી. અમારી આગળપાછળના અઢીસો જેટલા ખટારાઓ પાછળ જ રોકાઈ રહેલા.

અમારી બીજી મોટર આગળ માર્ગમાં જ મળી ગઈ. અમને મળેલી અસાધારણ સહાયતાની સાચી કથાને સાંભળીને સૌ આશ્ચર્યચકિત અને ગદ્દગદ બની ગયા. ઈશ્વરની કૃપાની એ કથની ખરેખર રોમાંચક હતી. અંધકારના ગાઢ આવરણને ભેદીને એટલાં બધાં વાહનોની વચ્ચેથી એ પુરુષ અમારી મોટર પાસે જ પહોંચી ગયા અને પોતાનું કલ્યાણકાર્ય પૂરું કરીને વિદાય થઈ ગયા એ જાણીને અથવા અનુભવીને સૌની શ્રદ્ધાભક્તિ બળવાન બની ને વધી પડી.

પ્રાર્થનાનો એ પ્રત્યુત્તર, પરમાત્માનો એ અસામાન્ય અનુગ્રહ, આજે પણ એવો જ યાદ છે. ચિરકાળ સુધી યાદ રહેશે. પ્રેરણા દેશે.

એ દિવસ પંદરમી નવેમ્બરનો હતો. એક વરસ પહેલાંની પંદરમી નવેમ્બરે મને બીજીવારનો જીવલેણ હાર્ટ-ઍટેક આવેલો. ઈશ્વરે જ મને કૃપા કરીને ઉગારેલો.

રાતે સાડા નવ વાગ્યે અમે મોહનીય પહોંચીને રેસ્ટ હાઉસમાં વિશ્રામ કર્યો ત્યારે પણ પેલું દૃશ્ય દૃષ્ટિ આગળ તરવરવા લાગ્યું.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Keep your face to the sunshine, and you cannot see the shadow.
- Helen Keller

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok