Sunday, September 27, 2020

પરમશક્તિની પ્રેરણા

જીવનની મંગલમયી મહાયાત્રામાં કેટલીકવાર એવા અવસરો આવે છે જ્યારે યાત્રાના નિશ્ચિત ભાવિ માર્ગનો નિર્ણય કરવો પડે છે. કેટલીકવાર એવાં સીમાચિહ્નો અને એવા વળાંકો, એવા માર્ગો અને પેટામાર્ગો આવે છે જે એના મૂળ માર્ગને બદલી નાખે છે અને એના ગંતવ્યસ્થાનથી દૂર લઈ જાય છે કે એના લક્ષ્યને ભુલાવી દે છે. એવે વખતે ખૂબ જ સજાગ અથવા સાવધાન રહેવું પડે છે. સ્થૂળ પ્રકારની લૌકિક યાત્રાનું પણ એવું જ સમજવાનું છે. એમાં પણ કેટલીકવાર એકથી વધારે રસ્તા ફંટાતા હોય છે ત્યારે ક્યા માર્ગે આગળ વધવું છે એનો નિર્ણય કરવો પડે છે. એ નિર્ણય પર યાત્રાની સરળતાનો કે કઠિનતાનો, અનુકૂળતા કે પ્રતિકૂળતાનો, સુખમયતા કે દુઃખમયતાનો અથવા ભાવિ ગતિવિધિનો આધાર હોય છે.

કલકત્તા તરફની યાત્રા દરમિયાન એવો જ એક અવસર આવી પહોંચ્યો. અમે એક નાજુક તબક્કા પર પહોંચી ગયા. યાત્રાના આગળના રસ્તા સંબંધી અમારે ત્વરિત નિર્ણય લેવો પડે એવી ઘડી આવી પહોંચી. અમારા નિર્ણય પર આગળના પુણ્યપ્રવાસનો આધાર હતો.

સાંજનો સમય સમીપ હતો. કલકત્તાની દિશામાં પૂરઝડપે દોડનારી અમારી મોટરો મારી ને મા સર્વેશ્વરીની સૂચનાથી માર્ગની એક તરફ આવીને એકાએક ઊભી રહી. મેં સૌને આગળનો નક્શો સમજાવતાં જણાવ્યું કે આગળ બરદ્વાન આવશે. ત્યાંથી કલકત્તા જવાના બે માર્ગ છે. એક માર્ગે કામારપુકુર પહોંચીને તે પછી કલકત્તા પહોંચાય છે અને બીજા માર્ગે પહેલાં કલકત્તા જઈને ત્યાંથી પાછા ફરતાં રામકૃષ્ણદેવના જન્મસ્થાન કામારપુકુર થઈને મુંબાઈ જવાના મુખ્ય રાજમાર્ગ પર અવાય છે. તો પ્રથમ કામારપુકુર જવું છે કે કલકત્તા તેનો નિર્ણય કરી લો. મારો વિચાર તો પ્રથમ કામારપુકુર જવાનો થાય છે.

સૌ મારી તરફ જોઈ રહ્યા ને નિર્ણય ના કરી શક્યા એટલે ઉચિત લાગે તે નિર્ણય કરવાનું કામ મારા પર છોડી દીધું.

તમે જે ફરમાવો તે નિર્ણય.

તો પછી આપણે પરમશક્તિને જ પૂછી જોઈએ.

એના આદેશને કોઈપણ પ્રકારના ગમા અણગમા વગર અનુસરીશું.

સૌ મારા પ્રસ્તાવ સાથે સંમત થયા.

મેં પરમાત્માને પ્રાર્થના કરી. મા સર્વેશ્વરી પાસે ડાયરી માગી. પરમશક્તિનું મંગલ માર્ગદર્શન માંગ્યું. મા જગદંબાએ, પરમકૃપાળુ પરમ શક્તિએ, વિપળનાય વિલંબ વિના ડાયરીમાં લખી જણાવ્યું :

‘હવે નકશો જોયા પછી પ્રથમ જવાય છે તો શી હરકત છે છતાં પ્રથમ કલકત્તા જવું સારું છે. માટે પ્રથમ ત્યાં જ ચાલો. લીલાસ્થળનું જન્મસ્થળ કરતાં વધારે મહત્વ એટલે મારી ઈચ્છા તમને પ્રથમ કામારપુકુર નહીં પણ કલકત્તા થઈને પછી પાછાં વળતા તમારી ઈચ્છા હશે તો કામારપુકુર લઈ જવાની છે. આજે સીધા હાઈ-વે પર ચાલો, ચાલીએ એ જ સારું છે.’

હવે વાદવિવાદ દલીલો કે નાહક પ્રતીક્ષા કરવાનો કશો અર્થ ન હતો. પરમશક્તિએ સુસ્પષ્ટ પથપ્રદર્શન પૂરું પાડેલું. એ પ્રમાણે વ્યક્તિતગત રુચિ-અરુચિને ગૌણ ગણીને એની ઈચ્છાને અનુસરવાનું જ પરમ શ્રેયસ્કર હતું. મારું સમસ્ત જીવન એવી રીતે ચાલ્યા કરતું. એ ઈશ્વરની ઈચ્છાનું અનુવાદ બનેલું. હજુ આજે જ મધ્યાહન સમયે રાણીગંજમાં ભોજન કર્યા પછી ત્યાંથી શાંતિનિકેતનના સુપ્રસિદ્ધ સ્થાનમાં જવાની ઈચ્છા થઈ, પરંતુ પરમશક્તિને પૂછવામાં આવતાં તેણે ત્યાં જવાની ના પાડીને હાઈ-વે પર આગળ વધવાનો આદેશ આપ્યો, એટલે તે આદેશનું અનુસરણ કર્યું. શાંતિનિકેત જવાની ઈચ્છાને પડતી મૂકી.

પરમાત્માને કે પરમશક્તિ બધું આપણી આકાંક્ષા અનુસાર જ કહેશે એવું માનવું વ્યર્થ છે. એ આપણા બંધનમાં નથી તો પણ કૃપા કરીને આપણા જીવનનું સારથિ પદ સંભાળે છે. આપણા શ્રેયની વાતને સૂચવે છે. એનું અનુસરણ કરવું પડે છે માટે નહીં કિન્તુ એની ઈચ્છા, યોજના, મંગલમયતાને સમજીને સહર્ષ શાંતિપૂર્વક સ્વસ્થચિત્તે કરવાનું હોય છે. એ સનાતની શક્તિનો સાક્ષાત્કાર સહેલો નથી. એ પછીનો એનો સંપર્ક અને સતત સંપર્ક પણ સહેલો નથી; અને ક્ષણેક્ષણના સંસર્ગ પછી એની ઈચ્છા કે યોજનાને અગાઉથી જાણવાનું પણ અઘરું-અતિશય અઘરું ખૂબ જ વિરલ હોય છે. એને અનુસરવાનું તો એથીયે વિરલ. સંસારના આધ્યાત્મિક સાધનાત્મક ઈતિહાસમાં એવી ભૂમિકા એકદમ અસાધારણ, અશક્ય જેવી હોય છે.

પરમશક્તિની પ્રેરણા અથવા ઈચ્છાને શિરોધાર્ય કરીને અમે પ્રથમ કામારપુકુર જવાને બદલે દક્ષિણેશ્વર જવાનું નક્કી કરીને અમારી મોટરોને કલકત્તાની દિશામાં દોડાવવાનું શરૂ કર્યું.

થોડીવારમાં સર્વત્ર અંધકાર છવાઈ ગયો.

રસ્તામાં આવેલા પાંડયે નામના સ્થાનમાં રેસ્ટહાઉસમાં રાત્રે વિશ્રામ કર્યો.

પાંડયે અથવા પાંડુઆ તદ્દન પાસે હતું. જો અમે અમારા પૂર્વ વિચારને અનુસરીને કામારપુકુર માટે પ્રયાણ કર્યું હોત તો અંધકારમાં એ માર્ગે આગળ વધવાનું મુશ્કેલ થાત. એ માર્ગે એકદમ નાના છૂટાછવાયા ગામડાં આવતાં હોવાથી રાતે ઉતરવાની સાનુકૂળ સગવડ ન મળત અને કામારપુકુરનું અંતર અધિક હોવાથી એ અજાણ્યા નાના માર્ગે થઈને ત્યાં પહોંચવાનું નિરાપદ ના બનત. એટલે પરમશક્તિએ આપેલી સૂચના અમારા મંગલ માટે થઈ પડી.

એ સૂચના કે પ્રેરણાની મંગલમયતાની વિશેષ પ્રતીતિ બીજે દિવસે સવારે થઈ. પાંડુઆ કે પાંડયેથી નીકળીને અમારી મોટરો કલકત્તાની દિશામાં આગળ વધીને બારેક કિલોમીટર દૂરના મોગરા નામના નગરમાં પ્રવેશી કે તરત જ બીજી મોટરની પેટ્રોલની ટાંકી એક ઊંચી જમીન સાથે ઘસાઈને લીક થઈ. જોતજોતાંમાં તો બધું જ પેટ્રોલ બહાર નીકળી ગયું. પેટ્રોલની ટાંકીમાં પહેલેથી જ ક્ષતિ હશે. તેને મોટું રૂપ ધારણ કર્યું. બહાર નીકળતા પેટ્રોલના થોડાક પ્રવાહને ડોલમાં ભરી લેવામાં આવ્યો. એ મોટરને માટે અને એટલે જ સાથેની અમારી બીજી મોટરને માટે આગળ વધવાનું અશક્ય બની ગયું. બગડેલી મોટરને વેલ્ડીંગ કરાવાની આવશક્યતા હતી. સૌના સદભાગ્યે ઈશ્વરની કૃપાથી દરદની સાથે જ દવા મળી. રસ્તા પર મોટર અટકેલી ત્યાં સામે જ વેલ્ડીંગવાળાની દુકાન હતી. વેલ્ડીંગવાળો દોડી આવ્યો. પેટ્રોલને ભરવાના સાધનો લાવ્યો. એની મહેનતની મોટર એકાદ કલાક પછી સારી થઈ.

અમારી બીજી મોટર પણ ક્ષતિપૂર્ણ દેખાઈ. એ મોટરનું રેડિયેટર બગડેલું અને લીક થતું લાગ્યું. વેલ્ડીંગવાળાની મદદથી એને પણ ઠીક કરાવી લીધું. હવે બંને મોટરો મુસાફરી માટે તૈયાર થઈ. માર્ગમાં ટ્રકોની લાંબી અવ્યવસ્થિત સ્વછંદી વિવેક વગરની લાઈનો લાગેલી. તે લાઈનો ત્યાં સુધીમાં દૂર થઈ એટલે અમારો પ્રવાસ પૂર્વવત્ પ્રારંભાયો. અમને સૌને થયું, કામારપુકુર જતાં રાતનાં સમયે રેડિયેટર બગડત કે પેટ્રોલની ટાંકી તૂટત તો શું કરત. પેટ્રોલની ટાંકીની વાત વિચારાધીન રાખીએ તો પણ રેડિયેટર તો ત્રુટિપૂર્ણ હતું જ. કામારપુકુરના છૂટાછવાયા ગામોમાંથી પસાર થતાં સાધારણ મોટરમાર્ગ પર રેડિયેટરના રીપેરીંગની વ્યવસ્થા ના થાત અને એવી રીતે મુશ્કેલી ખૂબ જ વધી જાત. સમસ્યા કાબૂની બહાર ચાલી જાત. પરમશક્તિની પ્રેરણા કે સૂચના કેટલી બધી સહેતુક હતી તેનો સંપૂર્ણ ખ્યાલ આવ્યો અને અંતર એના માટેના અનુરાગ અને આદરભાવે ઊભરાઈ રહ્યું.

પરમાત્મામાં, પરમશક્તિમાં, વિશ્વાસ હોય તો એ પળેપળે, પદેપદે મદદ કર્યા જ કરે છે. ડગલે ને પગલે પ્રભુકૃપાનું દર્શન થાય છે.

સવારે સાડા-નવ વાગે અમે સુપ્રસિદ્ધ બેલૂરમઠમાં પહોંચી ગયાં. ત્યાંથી રામકૃષ્ણ પરમહંસદેવનું  લીલાસ્થળ દક્ષિણેશ્વર છેક જ પાસે હતું.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok