Thursday, October 22, 2020

દક્ષિણેશ્વરનો અદભૂત અનુભવ

દક્ષિણેશ્વરની એ મારી પ્રથમ યાત્રા ન હતી. માતાજી સિવાય અને પાછળથી માતાજી સાથે મેં એ દિવ્યસ્થળમાં પ્રવેશ કરેલો તો પણ પ્રત્યેક વખતે એનો આસ્વાદ અવનવો લાગેલો. આ વખતે માતાજીના સ્થૂળ શરીરના પરિત્યાગને લીધે યાત્રામાં એ નહોતાં પરંતુ મા સર્વેશ્વરી તથા રામકૃષ્ણ પરમહંસદેવના કેટલાક ભક્તો અથવા પ્રશંસકો જોડાયેલાં એટલે પરિસ્થિતિ જુદી હતી. તો પણ એ અલૌકિક શાંત સુંદર સ્થળમાં પ્રવેશવાનો, વસવાનો ને વિહરવાનો અભૂતપૂર્વ અવર્ણનીય આનંદ તો હતો જ.

એ સ્થળ પોતાની અસંખ્ય સ્મૃતિઓથી સજીવ લાગ્યું. સમીપવર્તી ગંગાના સુવિશાળ પવિત્ર પ્રવાહને લીધે એની શોભામાં અસાધારણ અભિવૃદ્ધિ થયેલી દેખાઈ. ભગવતી ભાગીરથીના પરમપવિત્ર પ્રવાહને પેખીને પ્રાણે પ્રસન્નતા અનુભવી. ત્યાંથી આગળ વધીને અમે શારદામાતાનો સ્મૃતિખંડ જોયો, રાણી રાસમણિના સ્મારકને નિહાળી, પ્રખ્યાત પંચવટીનું નિરીક્ષણ કર્યું, એની પાસેના તોતાપૂરીએ જેમાં રામકૃષ્ણદેવને બેસાડીને સમાધિ કરાવેલી તે નાના સરખા શિવાલયને જોયું, માના પવિત્ર મંદિરના દર્શનનો લાભ લીધો, અને રામકૃષ્ણદેવના નિવાસખંડમાં પ્રવેશ કર્યો. એમનો એ નાનો સરખો છતાં પણ મહામહિમાવંતો નિવાસખંડ ઉચ્ચતમ આધ્યાત્મિક પરમાણુઓથી પરિપ્લાવિત લાગે છે, એમાં પ્રવેશતાંવેંત અવનવી શાંતિ આપે છે. આત્માને અનુપ્રાણિત અથવા આલોકિત કરે છે. ભક્તો એમાં બેસીને ઈચ્છાનુસાર ધ્યાન ધરે છે તથા પ્રાર્થનાદિનો આધાર લઈને પોતાના પ્રાણને એ પરમાત્માસદૃશ મહાપુરુષ તરફ પ્રવાહિત કરતાં દેખાય છે. અમારા મનમાં પેલી સ્તુતિના સુમધુર સંવેદનશીલ સ્વરો ગૂંજી રહ્યા :

અધર્મ જ્યારે પ્રસરે ધરામાં,
અંધાર વ્યાપે જડતા હવામાં
ત્યારે તમે જ્યોતિ બની પ્રકાશો,
ને ચેતના નિત્ય નવી પ્રસારો,
સદ્દધર્મને નૂતન પ્રાણ આપો;
શ્રીરામકૃષ્ણ પ્રભુ હે ! પ્રસન્ન હો.

યુગે યુગે ચિન્મય દેહ ધારી,
લીલા કરી પ્રેરક દિવ્ય ન્યારી,
અનુગ્રહે ભક્ત અસંખ્ય તારી,
સંમોહ સંતાપ વિષાદ મારી,
પ્રકાશનો પંથ સદા બતાવો;
શ્રીરામકૃષ્ણ પ્રભુ હે ! પ્રસન્ન હો.

મા શારદાના પ્રભુ પ્રાણપ્યારા
ભક્તોતણા પૂરણ મિત્ર ન્યારા,
હે પ્રેમના સાગર ! હે પવિત્ર !
પ્રપન્નના પૂરણ સત્ય મિત્ર !
કૃપા કરો તો ભય ના રહે કશો;
શ્રીરામકૃષ્ણ પ્રભુ હે ! પ્રસન્ન હો.

કૃપા કરી દો વરદાન આપો,
આસક્તિ ને બંધ મમત્વ કાપો,
રક્ષો સદા સર્વસ્થલે અમોને,
પ્રશાંતિ પૂર્ણત્વ વિમુક્તિ સ્થાપો;
અનાથના નાથ થયા સદા છો;
શ્રીરામકૃષ્ણ પ્રભુ હે ! પ્રસન્ન હો.

બધાનાં અંતર ભાવવિભોર બની ગયાં.

મા સર્વેશ્વરીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

રામકૃષ્ણદેવના એ નિવાસખંડમાં બેઠા પછી દરેક વખતે પ્રાર્થનાના સહજ સુપરિણામે એમની આત્મલીન અવસ્થા હતી.

વખત ક્યાં અને કેટલો વીતે છે તેનો ખ્યાલ રહેતો નહી.

સિદ્ધસ્થળોનો પ્રભાવ એવો અજબ, અમોઘ, પ્રબળ હોય છે.

એ ક્યારે કોના આત્માને કેવી રીતે ઝંકૃત કરે છે તે નથી કહી શકાતું.

મા સર્વેશ્વરી તો સાક્ષાત જગતજનની જગદંબા હતા. મંદિરમાંથી બહાર નીકળીને એ પોતાના સ્થૂળ, સહેલાઈથી ન ઓળખાય એવા શ્રીવિગ્રહને ધારીને એમના જ ક્ષેત્રમાં વિહરી રહેલાં. સાધકોના શ્રેયને માટે આવશ્યકતાનુસાર સાધક સહજ લોકકલ્યાણની લીલા કરી રહેલાં.

બીજે દિવસે પણ એ નિવાસખંડમાં એમની અવસ્થા એવી જ અદ્દભુત રહી. અન્ય સાધકો પણ પોતપોતાની રીતે ભાવાનુભવ કરવા લાગ્યા.

રામકૃષ્ણદેવના એ અલૌકિક આવાસખંડમાં બીજે દિવસે સવારે અમારે બેસવાનું થયું ત્યારે મને પણ કોઈક અસાધારણ અનુભવની ઈચ્છા થઈ. મારું મન માની પ્રાર્થના અને રામકૃષ્ણદેવની સંસ્મૃતિ કરતાં ભાવવિભોર બની ગયું. થોડા વખત સુધી એવી ભાવવિભોર અવસ્થા ચાલુ રહી. એ પછી જાગૃતિદશામાં જ મને એક અલૌકિક અકલ્પ્ય અનુભવ થયો. મારા શરીરના રોમરોમમાંથી રામકૃષ્ણદેવના સુખાસનાસીન સ્વરૂપો નીકળવા લાગ્યાં. એક પછી એક એમ અનંત સ્વરૂપોનું હું આશ્ચર્યચકિત બનીને મુગ્ધભાવે અવલોકન કરવા માંડ્યો. એ વખતે જગદંબાએ મને જણાવ્યું કે હું આવા હજારો રામકૃષ્ણો સર્જી શકું છું. તે પણ મારું જ રૂપ હતું. હું જ રામકૃષ્ણ થયેલી.

એ અલૌકિક અકલ્પ્ય અનુભવની અસર લાંબા વખત સુધી રહી. મારા લોચન ભાવવિભોર ને ભીનાં થયાં. છેવટે એ અદ્દભુત આનંદદાયક અનુભવ પૂરો થયો. હવે એ ખંડમાંથી ધીમાં પગલે ભાવભરપૂર હૃદયે બહાર નીકળ્યાં.

આજનો દિવસ અનેક રીતે અમર બનવા સર્જાયેલો, ચિરસ્મરણીય ધન્ય દિવસ હતો. તારીખ ૧૯-૧૧-૧૯૮૦, કારતક સુદ બારસને બુધવાર.

રામકૃષ્ણદેવના આવાસખંડમાંથી બહાર નીકળીને અમે મંદિરના ચોકમાં આંટા મારવા માંડ્યા. સૌ પ્રેમીજન મા સર્વેશ્વરી સાથે કાલીમાતાના મંદિરે દર્શન માટે ગયાં. એ સૌ પાછાં આવ્યાં એટલે મેં એમને કહ્યું કે દર્શન ના કર્યા હોય તો કરી લો. જે ત્યાં મંદિરમાં છે તે જ અહીં છે. એ બોલતાં નથી, આ બોલે છે. મા સર્વેશ્વરી તરફ અંગૂલિનિર્દેશ કરીને મેં ફરીવાર જણાવ્યુ કે દર્શન ના કર્યા હોય તો કરી લો.

મા સર્વેશ્વરી મારે મન જગદંબાનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. મા જ એમની રૂપમાં લીલા કરે છે. પરંતુ તે રહસ્યને કોઈક બડભાગી જ સમજશે અને અનુભવશે. જે અનુભવશે તે ધન્ય બનશે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok