Sunday, September 27, 2020

કાશીપોરના બગીચામાં ને સ્મશાનમાં

એ જ દિવસે વહેલી સવારે અમે કલકત્તામાં આવેલા કાશીપુરના બગીચાના સ્થાનમાં ગયેલાં. એ સ્થળ અમારી દૃષ્ટિએ ઓછું ઐતિહાસિક નહોતું. એનું મહત્વ સવિશેષ હતું, કારણ કે રામકૃષ્ણ પરમહંસદેવ પોતાના જીવનના અંતિમ દિવસોમાં વ્યાધિગ્રસ્ત દશા દરમિયાન ત્યાં રહેલા અને જીવનનું લીલાસંવરણ કરીને સમાધિસ્થ પણ ત્યાં જ થયેલા.

એ શાંત એકાંત સુંદર સ્થાનને રામકૃષ્ણ મિશન સંસ્થા સંભાળતી હોવાથી એની અવસ્થા ખૂબ જ સંતોષકારક છે. મકાનની નીચેના બહારના ખંડમાં રામકૃષ્ણદેવની સેવા કરનારા ભક્તો રહેતા. અંદરના ખંડમાં શારદામાતા રહેતાં ને રામકૃષ્ણદેવને માટે રસોઈ બનાવતાં. ઉપર પહેલે માળે સામેના મોટા ખંડમાં રામકૃષ્ણદેવ રહેતા. ત્યાં એમનો પલંગ પથારી સાથે જોવા મળે છે. એ જ ખંડમાં એમણે પોતાના પાર્થિવ તનુને પરિત્યાગેલું. એ સ્થાન આજે પણ સજીવ લાગે છે. એના પરમાણુઓ પ્રાણને સ્પર્શે છે, પાવન કરે છે, પ્રેરણાથી ભરે છે.

ઉપર એક તરફના નાનાસરખા ખંડમાં એક સંતપુરુષ ઊભેલા. મેં એમને પરમ સૌભાગ્યશાળી સમજીને પૂછયું : ‘અહીં રહો છો ?’

‘હા.’

‘શું કામ કરો છો ?’

‘આ પવિત્ર સ્થાનની સેવા કરવાનું. ઈશ્વરની કૃપાથી આ સુંદર શાંતશુચિ સ્થાનમાં રહેવાનું મળ્યું છે. પૂર્વના કોઈક સારાં કર્મોનું પરિણામ છે. ઠાકુરની કૃપા છે.’

સંતપુરુષે સ્થાનને પરિચય કરાવ્યો. મારી જીજ્ઞાસાના જવાબમાં એમણે સ્વામી પ્રેમરૂપાનંદ જયરામવાટીમાં છે એવી માહિતી પણ પૂરી પાડી. એ શાંત, સરળ, નમ્ર, મિલનસાર લાગ્યા.

એ અમને ત્યાંના સ્થાનાધ્યક્ષ સ્વામીજી પાસે લઈ જવા માટે તૈયાર થયા.

અમે નીચે આવીને આગળ વધ્યાં ત્યાં રામકૃષ્ણદેવના જીવનના એ અંતિમ દિવસોના લીલાપ્રસંગ પર પ્રકાશ પાડતું, ભક્તો તથા શરણાગતો પરના એમના અલૌકિક અનોખા અનુગ્રહનું દિગ્દર્શન કરાવતું, એમના અસાધારણ લોકોત્તર વ્યક્તિત્વની સાક્ષી પૂરતું, નીચેનું સુંદર લખાણ વાંચવા મળ્યું :

‘૧-૧-૧૮૮3 બપોરે 3. રામકૃષ્ણદેવે બહાર ફરવા જવા ઈચ્છા કરી. તેમણે લાલ કિનારનું ધોતિયું ને પગમાં સાદા દેશી બનાવટનાં ચંપલ પહેરેલાં. તે દાદર ઊતરી નીચે આવ્યા ત્યારે તેમણે શિષ્યોને જોયા. શિષ્યોએ પણ તેમને જોયા ને પ્રણામ કર્યા. તેમણે ગિરીશ ઘોષને બોલાવીને પૂછ્યું કે 'તું મારો ભગવાન ભગવાન કહીને શા માટે પ્રચાર કરે છે ?' ત્યારે ગિરીશ ઘોષે જણાવ્યું કે ‘તમારો મહિમા વ્યાસમુનિ પણ વર્ણવી શકતા નથી તો હું તો શી રીતે વર્ણવી શકું ?' એટલા વાર્તાલાપ પછી તે ભાવવિભોર બનીને ભાવસમાધિમાં ઊતરી પડ્યા. એમની ભાવસમાધિને ઉતારવા માટે સર્વે ભક્તો 'જય રામકૃષ્ણ જય રામકૃષ્ણ' બોલવા લાગ્યા.

‘રામકૃષ્ણદેવે ભાવસમાધિમાંથી જાગીને જ્યાં શિષ્યો બેઠેલા ત્યાં કલ્પવૃક્ષ નીચે જઈને સર્વે શિષ્યોને વારાફતી હૃદયસ્પર્શ કર્યો. 'સૌ પ્રકાશ પામો' એવું બોલીને દરેકને સ્પર્શ કર્યો. એને લીધે સૌને વિવિધ અનુભવો થવા લાગ્યા. સૌએ એ અનુભવો વર્ણવવા માંડ્યા. કોઈને પ્રથમવાર જ પ્રકાશદર્શન, કોઈને પ્રથમવાર જ ઈષ્ટદર્શન થયું, કોઈને ધ્યાનમાં પ્રથમવાર જ એકાગ્રતા અનુભવવા મળી.

એ પછી રામકૃષ્ણદેવ ઉપર ગયા.

જે પવિત્ર વૃક્ષની નીચે એ અલૌકિક અનુભવોની પ્રાપ્તિ થઈ એ પવિત્ર વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું. ભક્તો અથવા સાધકોને માટે એણે કલ્પવૃક્ષ કામ કર્યું. અત્યારે એ વૃક્ષનું દર્શન નથી થતું. એને કાપી નાખવામાં આવ્યું છે. તો પણ એની સ્મૃતિ સૌને સારું સુખદ થઈ પડી.

*

એ દિવસ એક બીજી ચિરસ્મરણીય સ્મૃતિને લીધે યાદગાર બની ગયો.

કાશીપુરના બગીચાના સ્થાનમાંથી માહિતી મેળવીને અમે કાશીપુરના ગંગાતટવર્તી નાનકડા સ્મશાન તરફ ગયાં.

એ સ્મશાનને રામકૃષ્ણદેવના સ્થૂળ શરીરના અગ્નિદાહના સાક્ષી બનવાનું સદ્દભાગ્ય સાંપડેલું. રામકૃષ્ણદેવે કાશીપુરના બગીચામાં સુદીર્ઘ સમયની શારિરીક અસ્વસ્થતા પછી સ્વૈચ્છિક મહાસમાધિ લીધી. તે પછી એમના સ્થૂળ શરીરની છેવટની સ્મશાનક્રિયા ત્યાં જ કરવામાં આવેલી. એ દૃષ્ટિએ એ સ્થાનનું મહત્વ ઘણું હતું. રામકૃષ્ણદેવનાં ભક્તો તથા પ્રશંસકોને માટે એ સ્થાન સાચેસાચ પરમ દર્શનીય લેખાય.

સ્મશાનના એ શાંત સુંદર નાનાસરખા સ્થાનમાં રામકૃષ્ણદેવના, એમના જીવનચિત્રકાર માસ્ટર મહાશયના, રામકૃષ્ણદેવના સ્વનામધન્ય પરમપ્રતાપી શિષ્ય સ્વામી અભેદાનંદના અને એમની પરમભક્ત ગૌરીમાતાનાં શરીરનો અગ્નિસંસ્કાર કરાયેલો; અને શિલાલેખો સાથેનાં સ્મારકો પણ રચાયેલાં. ભૂતકાળની ઘટનાસ્મૃતિ કરાવતાં એ સ્મારકોએ અંતરને સંવેદનશીલ કર્યું. અતીતકાળની મૂક સાક્ષી જેવી ભગવતી ભાગીરથી શાંતિપૂર્વક વહી રહેલી. અગ્નિદાહની પ્રતીક્ષા કરતું એક શબ સામે જ પડી રહેલું. બીજાં બે શબ અગ્નિદાહની અંતિમ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલાં. અન્ય શબ સ્મશાનમાં છેવટની વિધિ માટે પ્રવેશી રહેલાં. સ્નેહીઓ કે સંબંધીઓ એમને ઢોલક તથા મંજીરા સાથે સંકીર્તન કરીને ભારે હૈયે વિદાય આપી રહેલાં. સૌનું છેવટનું પરિણામ તો એ જ છે ને ? પછી કોઈના સ્મારક રચાય ને કોઈના ના રચાય. કોઈની સ્મશાન યાત્રા કઢાય અને કોઈક એકાકી અજાણ અનિકેતનની ના કઢાય.

ભીની આંખે સંવેદનશીલ હૃદયે અમે પાછા વળ્યાં. માતાજીના અંતસમયની, એમના સ્થૂળ શરીરના અગ્નિદાહની સ્મૃતિ તાજી થઈ. અમે એમના પવિત્ર અવશેષોના વિસર્જન નિમિત્તે યાત્રાએ નીકળ્યા છે એ યાદ આવ્યું.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok