Sunday, September 27, 2020

એકાંતિક ભક્ત

દક્ષિણેશ્વરની પેઠે બેલૂર મઠનું દર્શન પણ પ્રેરણાત્મક છે. દર્શનાર્થી બંને ઠેકાણે જવાનો આગ્રહ રાખે છે. દક્ષિણેશ્વર રામકૃષ્ણ પરમહંસદેવની તપોભૂમિ તથા લીલાભૂમિ, તે બેલૂરમઠ સ્વામી વિવેકાનંદની સુવ્યવસ્થિત સેવા ભૂમિ. ઉભયનું પોતપોતાની રીતે મહત્વ.

બેલુરમઠની છેક જ સમીપે ગંગા છે. એના પ્રસન્નપાવન તટપ્રદેશ પર સ્વામી બ્રહ્માનંદ, શારદામાતા અને સ્વામી વિવેકાનંદના સ્વચ્છ, સુંદર સમાધિસ્થાનો છે. થોડેક દૂર જઈએ એટલે સ્વામી વિવેકાનંદ તથા બ્રહ્માનંદના નિવાસખંડો જોવા મળે છે. બેલુર મઠનું મુખ્ય આકર્ષણ સૌની આગળ આવેલું રામકૃષ્ણદેવનું મંગલ મનહર મંદિર છે.

સવારના શાંત સમયે અમે એ દેવમંદિરના દર્શને ગયા ત્યારે મંદિરમાં લેશ પણ ભીડ ના દેખાઈ. ચાર-પાંચ ભાવિક ભક્તો રામકૃષ્ણદેવની પ્રેરણાત્મક પાવન પ્રતિમા સામે ભાવમગ્ન બનીને ધ્યાનમાં બેઠેલા. એ દૃશ્ય ખૂબ  સુંદર હતું.

પરંતુ એનાથી પણ વધારે સુંદર વિચારપ્રેરક આહલાદક દૃશ્ય તો મેં મંદિરની પાછળના ભાગમાં જોયું. મંદિરના પરિકમ્મામાર્ગેથી આગળ વધતાં ઉઘાડા બારણાની બહાર, રામકૃષ્ણદેવની મનહર મંગલ મૂર્તિને જોઈ શકાય પરંતુ પોતાને કોઈ દર્શનાર્થી સહેલાઈથી પ્રથમ નજરે ના નિહાળી શકે એવી અજ્ઞાત રીતે એક ભાવિક ભક્ત બેઠેલો. એની આંખ બંધ હતી. એ ભાવવિભોર બનીને પ્રાર્થના, જપ કે ધ્યાનમાં ડૂબેલો. એની મુખાકૃતિ સાત્વિક અને શાંત દેખાતી. એના શરીર પરના છેક જ સામાન્ય મેલા જેવા વસ્ત્ર પરથી એ કોઈ શ્રમજીવી સામાન્ય માનવ હશે એવી પ્રતીતિ થતી.

એણે એની આરાધના માટે કેવી નિતાંત એકાંત જગ્યા પસંદ કરેલી ? એ ક્યાંથી આવ્યો હશે ? ક્યાં કેવી રીતે રહેતો ને શું કરતો હશે ? આ સ્થળમાં દરરોજ આવતો હશે ? અહીં જ બેસતો હશે ? એવાં પ્રશ્ન પેદા થાય એ તદ્દન સ્વાભાવિક હતું. એમના ઉત્તરો એના વિના બીજું કોણ આપી શકે ?

મંદિરના મુખ્ય હૉલમાં જઈને મેં મારી સાથેનાં બીજા યાત્રીઓને કહ્યું :

‘એકાંતિક આરાધના, અનન્ય ભક્તિ કે નિષ્ઠા કેવી હોય તે જોવું હોય તો મંદિરની પાછળના ભાગમાં જઈને જોઈ આવો. ત્યાં એક ભાવભરપુર ભક્ત બેઠો છે. એને અવલોકવાથી ખૂબ જ આનંદ આવશે ને જાણવાનું મળશે.’

એ ભક્તપુરુષને દેખીને સૌને સાચેસાચ આનંદ થયો. સૌ એને અસાધારણ આદરભાવે અવલોકી રહ્યા. એણે કપાળે નહોતું તિલક કર્યું કે નહોતી કંઠી પહેરી. છતાં પણ એનું વ્યક્તિત્વ નિરાળું હતું. પરમાત્માનું અદ્દભુત અનુસંધાન સાધનારા અથવા સાધવા માંગનારા અસાધારણ સંસ્કારસંપન્ન સાધક આત્માઓની સાધના, આત્મિક આરાધના એવી એકાંતિક હોય છે. એ ભક્તિ કરે છે અને એમાંથી પ્રેરણા પામીને આગળ વધે છે. જીવનવ્યવહારમાં અસંગ રહે છે. અન્યને માટે આદર્શ બને છે.

એની ઉપર રામકૃષ્ણદેવની અથવા કહો કે એના આરાધ્યદેવની અનુગ્રહવર્ષા વિશેષ પ્રમાણમાં ચોક્કસ રીતે વરસતી હશે એમાં શંકા નહીં.

 

Add comment

Security code
Refresh

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok