Sunday, September 27, 2020

લોહીના સંસ્કાર

કલક્ત્તાથી પાછા ફરતાં તારકેશ્વરના સુપ્રસિદ્ધ મંદિરનું દર્શન કરીને રાતે કામારપુકુર પહોંચ્યાં. તારકેશ્વરના મંદિરનો મહિમા એ પ્રદેશમાં ઘણો મોટો મનાતો હોવાથી એના દર્શન માટે આબાલવૃદ્ધ ઊમટતા દેખાય છે. કલકત્તાથી કામારપુકુર જતાં એનો રસ્તો બીજી દિશામાં ફંટાય છે. તો પણ અમે એના દર્શનનો લાભ લીધો એ સારું જ થયું.

કામારપુકુરમાં પ્રવેશતાં પહેલાં જ અંધારું થઈ ગયું હોવાથી અમે ડાકબંગલામાં વહેલી તકે ગોઠવાઈ ગયાં. ડાકબંગલો ગામમાં પ્રવેશતાં જ મુખ્ય માર્ગની એક બાજુએ આવેલો. એનું મકાન પ્રમાણમાં ખૂબ જ નાનું હોવા છતાં પૂરતી સગવડવાળું ને શાંત હતું.

રાતે રોજના નિયમ મુજબ સૂતાં પહેલાં સત્સંગ થયો, ધ્યાન થયું ને સમૂહપ્રાર્થના થઈ. સંતપુરુષો જ્યાં જ્યાં વસે કે વિચરે ત્યાં ત્યાં તીર્થ થાય છે. એ ભૂમિ પાવન તથા વિશેષ મહિમાવાળી ગણાય છે. કામારપુકુરના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. રામકૃષ્ણ પરમહંસદેવના પ્રાગટ્યને લીધે તેની ભૂમિ તીર્થભૂમિ થઈ છે તથા વિશ્વવિખ્યાત બની છે. એ ભૂમિ કેટલાંય પથિકોની પરમપવિત્ર પ્રેરણાભૂમિ થઈ છે.

એ પરમપવિત્ર પ્રેરણાભૂમિમાં અમને તારીખ ૧૯-૧૧-૧૯૮0 અને ર0-૧૧-૧૯૮0 એમ બે દિવસ માટે શ્વાસ લેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ દરમિયાન અમારા અંતરમાં અવનવા ભાવો પ્રાદુર્ભાવ પામ્યાં. એ ભાવો કાંઈક અંશે આવા હતાં :

શ્રી રામકૃષ્ણ ! વંદુ તમોને,
શ્રદ્ધાભક્તિ દો દર્શન અમોને.

અરજી કરેલી જૂની અમારી,
કૃપાની વર્ષા વરસો નિરાળી.

પરમાણુ પ્રાણના પ્રેમે ભરી દો,
ચંચળતા ચિત્તની સઘળી હરી લો.

મમતાને મારો, કરુણાથી તારો,
પંથ બતાવો પ્રગતિનો ન્યારો.

વૈરાગ્યનું દો દાન, દયાળુ !
તિમિર હૃદયનું હરજો અમારું.

કરુણા કરીને તાર્યા હજારો
વારો હવે છે આવ્યો અમારો.

શ્રીરામકૃષ્ણ ! વંદુ તમોને,
શ્રદ્ધાભક્તિ દો દર્શન અમોને.

*

સવારે સૂર્યોદય પછી રામકૃષ્ણદેવના જન્મસ્થળે ગયાં. એ સ્થળમાં સુંદર સ્વચ્છ મંદિરની રચના થઈ છે. ત્યાં પણ રામકૃષ્ણ મિશનનો વહીવટ ચાલે છે. મંદિરની પાછળ રામકૃષ્ણદેવનું મૂળ મકાન છે. બાજુમાં એમના મોટા ભાઈનું મકાન છે. એ મકાનોને એવા સુરક્ષિત રખાયાં છે. મંદિરની બીજી તરફ રઘુવીરનું પૂજાસ્થાન જોવા મળે છે. એ પૂજાસ્થાન કે મંદિરની પૂજા રામકૃષ્ણદેવના કુટુંબીજનોના હસ્તક રાખવામાં આવી છે. મુખ્ય મંદિરની એક તરફ વિશાળ આમ્રવૃક્ષ દેખાય છે. એ સ્થાનની પાછળના ભાગમાં પ્રવાસીઓને માટે ઊતરવાના સુંદર આધુનિક સગવડવાળા મકાનોની વ્યવસ્થા છે.

રામકૃષ્ણદેવના જન્મસ્થળનું દર્શન એની સવિસ્તર સમજણ સાથે એમના એક યુવાન કુટુંબીજન મારફત થઈ શક્યું. એને રામકૃષ્ણદેવના કુટુંબી હોવાનું ગૌરવ હતું. રઘુવીરની પૂજાનું કાર્ય પણ એ જ સંભાળતો. અમે એને અભિનંદન આપ્યાં. પરંતુ એવા અભિનંદનના અધિકારી થવાનું એને માટે બાકી હતું. એ એના વ્યવહાર પરથી જણાઈ આવ્યું. મંદિરની બહાર નીકળીને રામકૃષ્ણદેવના જ્યોતિર્મય જીવન સાથે સંકળાયેલા બીજા કેટલાંક સ્થળોને જોવા માટે મેં એક છોકરાને તૈયાર કર્યો. એ છોકરો ભોમિયા તરીકે અમારી સાથે આવવા માટે ખૂબ જ ઉમંગથી તૈયાર થયો. પરંતુ રામકૃષ્ણદેવના પેલા કુટુંબીજને એ વાતને જાણીને પાછળથી પથપ્રદર્શક તરીકે આવવાનો આગ્રહ રાખીને પેલા છોકરાને રોષે ભરાઈને કઠોર શબ્દો કહીને પાછો વાળ્યો. એને થયું કે બીજા ભોમિયાને લીધે ભોમિયા તરીકે પોતાને મળનારો લાભ ઓછો થશે. ગમે તેમ પણ એનો દુર્વ્યવહાર દેખીને મને લાગ્યું કે એ રામકૃષ્ણદેવનો કુટુંબીજન હોવા છતાં એનામાં રામકૃષ્ણદેવના લોહીના સંસ્કારોનો અભાવ છે. રામકૃષ્ણદેવના વખતમાં પણ એમના સઘળા કુટુંબીજનો એમના સરખા શ્રેષ્ઠ સંસ્કારથી સંપન્ન ક્યાં હતાં ? એવી અપેક્ષા રાખવાનું પણ અસ્થાને છે. પ્રત્યેક મહાપુરુષ અને એમના કુટુંબીજનો કે વારસો સંબંધી એવું જ સમજવાનું છે. લોહીના પૂર્વજન્મના પરંપરાગત સંસ્કારો ક્યાંક જ દેખાય છે. માનવ મોટે ભાગે પોતાના જ લોહીના પૂર્વસંસ્કારો સાથે જન્મે છે અને એમાંથી મુક્તિ મેળવવાનું કે એમને બદલવાનું કામ કઠિન હોય છે.

પેલો છોકરો વીલે મોઢે પાછો વળ્યો. મેં એને સાથે આવવા માટે કહી જોયું પણ એની હિમંત ના ચાલી. પાણીમાં રહેવું ને મગર સાથે વેર કરવું એને કદાચ પોસાય તેવું નહોતું.

*

ત્યાંના બીજાં દર્શનીય સ્થળોમાં રામકૃષ્ણદેવની છાપરા-ઓરડા વગરની ખુલ્લી સ્કુલ, નાટકની જગ્યા, તળાવ, ધની લુહારનું સ્થાન ને મંદિર છે.

એ ઐતિહાસિક જન્મસ્થાનને જોઈને અમને અવર્ણનીય આનંદ તો થયો જ પરંતુ સાથેસાથે અસાધારણ લાભ પણ પહોંચ્યો. એ શાંત સુંદર સ્થાનવિશેષની સ્મૃતિ શાશ્વત સમયને માટે સજીવ રહેવા સરજાયેલી. એ સ્થાનના મહિમાને લક્ષમાં રાખીને કેટલાય આધ્યાત્મિક અભિરુચિવાળા આત્માઓ એનો લાભ લેવા દૂરદૂરથી આવી પહોંચતાં. એવા કેટલાંક અસાધારણ સંસ્કારસંપન્ન બડભાગી આત્માઓને અમે ત્યાંના વિશુદ્ધ વાયુમંડળમાં જોયા પણ ખરાં. કેટલાક ભારતની બહારના દેશોમાંથી પણ આવેલાં.

 

Add comment

Security code
Refresh

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok