Sunday, September 27, 2020

સ્વામી પ્રેમરૂપાનંદનું પુનર્મિલન - 1

જયરામવાટી

શારદામાતાનું જન્મસ્થાન.

રામકૃષ્ણ પરમહંસદેવના જીવનકાર્યમાં સક્રિય રીતે સહાયતા પહોંચાડવા માટે જગજ્જનની જગદંબા પોતે જ પાર્થિવ સ્વરૂપે લીલાતનુ ધારીને શારદાદેવીનું નામ ધારીને જયરામવાટીમાં પ્રાદુર્ભાવ પામેલાં.

રામકૃષ્ણ પરમહંસદેવનું પ્રાકટ્યસ્થાન કામારપુકુર. ત્યાંથી જયરામવાટી છેક જ પાસે. સાતથી આઠ કિલોમીટર જેટલું. એટલે કામારપુકુર પહોચ્યાં પછી એના દર્શનનો સુયોગ સહેલાઈથી સાંપડે છે. અમને પણ એ પુણ્યભૂમિના દર્શનની ઈચ્છા હોવાથી એ સુયોગ સહેલાઈથી સાંપડ્યો.

કલકત્તામાં કાશીપુરના બગીચામાં તપાસ કરતાં માહિતી મળેલી કે રામકૃષ્ણ મિશનના સુપ્રસિદ્ધ, પ્રેમમૂર્તિ તથા સૌજન્યમૂર્તિ સંતપુરુષ સ્વામી પ્રેમરૂપાનંદ હાલ જયરામવાટીમાં રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે. એ માહિતીથી મને અધિક આનંદ એટલા માટે પણ થયેલો કે જયરામવાટીનો પુણ્યપ્રવાસ એ મહાપુરુષના સુદીર્ઘ સમયના મધુર મેળાપથી સવિશેષ સુખદ તથા સ્મરણીય ઠરશે.

પરમાત્માના પરમકૃપાપાત્ર સ્વાનુભવ સંપન્ન સત્પુરુષોનો સમાગમ સદાને સારું સુખદ, શાંતિપ્રદાયક, શ્રેયસ્કર હોય છે ને સત્કર્મોના પરિપાકરૂપે, પરમાત્માની પરમકૃપાથી સદ્દભાગ્યે, કોઈક કોઈક વિરલ ક્ષણે, સ્થળે સાંપડી શકે છે.

એવા સ્વનામધન્ય સત્પુરુષો તીર્થને તીર્થ બનાવે છે. તીર્થના પ્રત્યક્ષ દેવતા, જીવંત તીર્થ બનીને એને મહિમા ધરે છે.

કામારપુકુરથી તારીખ ર0-૧૧-૧૯૮0 ગુરુવારે વહેલી સવારે નીકળીને અમે જયરામવાટી પહોંચ્યા.

અમારી સાથે બીજી મોટર માર્ગમાં બગડવાથી એમાં બેઠેલા પ્રવાસીઓને થોડીક મુશ્કેલી પડી. પરંતુ છેવટે મોટર ચાલી.

બંને મોટરો જયરામવાટીના નાનકડા ગામમાં શારદામાતાના મંદિરની બહાર આવીને ઊભી રહી.

મંદિર દેખીતી રીતે જ નાનકડું છતાં પણ સ્વચ્છ અને સુંદર હતું. સામે જ તળાવ દેખાયું.

અમને થયું, પોતાના જ્યોતિર્મય જીવનકાળ દરમ્યાન શારદામાતાએ શૈશવાવસ્થાથી માંડીને ઉત્તરાવસ્થા સુધીના કેટકેટલાં વરસો આ તળાવમાં સ્નાન કર્યું હશે !

શારદામાતાની આ જ મંગલમયી વિહારભૂમિ, મનોરથભૂમિ.

આ ભૂમિ એમની પવિત્ર પદરજથી પાવન બનેલી.

કહે છે કે રામકૃષ્ણદેવના માતાપિતા એમને માટે કોઈક સુયોગ્ય કન્યાની શોધમાં હતા અને સતત શોધ કરવા છતાં પણ કોઈ સુયોગ્ય કન્યા મળી નહીં ત્યારે રામકૃષ્ણદેવે જ જયરામવાટીમાં જન્મેલી શારદાદેવીની માહિતી આપીને જણાવેલું કે 'એ કન્યા મારે માટે જ જન્મેલી છે. ત્યાં તપાસ કરો.' રામકૃષ્ણદેવની એ સૂચના વખતના વીતવાની સાથે સાચી પડેલી.

જગદંબા પોતે જ એમના જીવનકાર્યમાં મદદરૂપ થવા માટે એ સ્વરૂપમાં જાણે કે પ્રાદુર્ભાવ પામેલા.

એમના એ પછીના ખાસખાસ જીવનપ્રસંગો જાણીતા છે.

જન્મ જયરામવાટીમાં, લગ્ન કામારપુકુરમાં, લીલાસંવરણ કલકત્તામાં, સમાધિસ્થાન કલકત્તામાં ગંગાતટવર્તી બેલુરમઠમાં.

જીવનનો પ્રસંગપ્રવાહ એવો જ અવનવો, વૈવિધ્યવાળો છે ને !

શારદામાતાના મંદિરના દર્શનનો લાભ લઈને અમે એની આજુબાજુના પ્રશાંત પ્રદેશનું નિરીક્ષણ કર્યું.

એ સમસ્ત સ્થાન રામકૃષ્ણમિશનના વહીવટ નીચે હોવાથી એનું ધ્યાન સારી રીતે રખાતું હોવાની પ્રથમ દૃષ્ટિએ જ છાપ પડ્યા વિના નથી રહેતી. રામકૃષ્ણ મિશને આવા ચિરસ્મરણીય સુંદર પ્રેરણાસ્થાનોના સંરક્ષણ કાર્યમાં જે સક્રિય રસ લીધો છે તે ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે. એને માટે એને અભિનંદન ઘટે છે.

સ્વામી પ્રેમરૂપાનંદ એ સ્થાનના અધ્યક્ષ હોવાથી એમને મળવાનું મન થાય એ સ્વાભાવિક હતું.

એમની સાથેનો પરિચય પુરાણો હતો.

એ પોતે પ્રાતઃકર્મમાંથી નિવૃત ન થયા હોવાથી મોડા મળી શકે તેમ હોવાથી અમે થોડીક પ્રતીક્ષા કરવાનું પસંદ કર્યું.

પ્રતીક્ષામાં થોડોક વધારે વખત વીતી જવાથી અને અમારે પાછા ફરવાનું વિલંબમાં પડવાથી, મારી ઓળખાણ આપવાની સ્પષ્ટ ના હોવા છતાં, અમારી સાથેના બાબુભાઈએ એમના આવાસસ્થાનમાં પહોંચીને મારી માહિતી આપી. એ માહિતી મેળવીને સ્વામી પ્રેમરૂપાનંદ પ્રસન્ન થયા ને બોલ્યા, ‘યોગેશ્વરજી આવ્યા છે ? એમને આવવામાં કશી હરકત ના હોય તો અહીં અંદર જ લઈ આવો. નહીં તો પછી હું પોતે જ બહાર આવીને ઑફિસમાં મળું છું.’

એમની નમ્રતા તથા નિખાલસતા અદ્દભુત હતી. એમની વ્યક્તિત્વમાં એ ભળી ગયેલી.

અમારી પાસે સમય પ્રમાણમાં ઓછો હતો. વળી, એ સંતપુરુષની સૂચનાને માન આપીને એમની પાસે જવાનું વધારે ઉચિત હોવાથી અમે એમની પાસે જ પહોંચવાનું નક્કી કર્યું.

મને દૂરથી આવતો જોઈને સ્વામી પ્રેમરૂપાનંદ બહાર આવ્યા. એમનું દર્શન આનંદદાયક હતું.

મેં એમને જણાવ્યું : ‘આપણે ઘણાં લાંબા વખતે મળ્યા. કાનપુરમાં મળ્યા પછી માહિતી મળેલી કે તમે ગૌહાટીમાં છો. બે દિવસ પહેલાં દક્ષિણેશ્વર જવાનું થયું ત્યારે અમે કાશીપુરના બગીચાની મુલાકાત લીધી. એ સ્થાનમાં તમારા વિશે પૂછતાં ખબર પડી કે તમે અહીં છો. અમારે અહીં આવવાનું જ હતું એટલે તમારા સમીપવર્તી સમાગમની અને સત્સંગની શક્યતાથી ખૂબ જ આનંદ થયો.’

સ્વામીજીએ મારો એમના સ્વભાવ પ્રમાણે ખૂબ જ સ્નેહપૂર્વક ઉમળકા સાથે સત્કાર કર્યો. મારે માટે ખુરશી મંગાવી. ખબરઅંતર પૂછ્યા.

મેં એમને માતાજીના સ્વર્ગવાસની અને એ પહેલાંની અને પછીની થોડીક ઘટનાઓનો સંક્ષેપમાં ખ્યાલ આપ્યો. એમણે માતાજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ખેદ દર્શાવ્યો.

એમની અનુમતિથી મેં સઘળા સહયાત્રીઓને એમના દર્શન, સત્સંગ માટે બોલાવ્યા. સૌ એમની આગળ બેસી ગયાં.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok