Sunday, September 27, 2020

સ્વામી પ્રેમરૂપાનંદનું પુનર્મિલન - 2

સ્વામીજીની આકૃતિ આકર્ષક હતી. આહલાદક હતી.

ભગવા વસ્ત્રો, માથે ભગવી ટોપી, ચશ્મા, મુખમંડળ પર પ્રસન્નતા, સાત્વિકતા, અને ઉદાત્તતા.

એમણે સૌને પ્રેમ તથા શાંતિપૂર્વક અંતરના ઉમળકા સાથે કહેવા માંડ્યું : ‘અમારે ને યોગેશ્વરજીને પુષ્કળ પ્રેમ અને પરિચય છે. કાનપુરમાં અમે મળેલાં. સુરતમાં પણ અમે મળેલા.’

મેં સૌને જણાવ્યું કે સ્વામી પ્રેમરૂપાનંદ નામનો મેં મારા પુસ્તક 'સંતસૌરભ'માં લખેલો લેખ આ જ સ્વામીજી વિશે લખેલો છે. તે લેખ ના વાંચ્યો હોય તો વાંચવા જેવો છે. એમની કૃપા છે કે આપણને દર્શન આપવા માટે એમના મહામૂલ્યવાન પ્રવૃત્તિપરાયણ સમયનો ભોગ આપીને એ ખાસ બહાર પધાર્યા છે.

અમારી સાથેના મોહનલાલે એમને શુદ્ધ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું : ‘આપ રામકૃષ્ણ મિશનમાં કેટલા વખતથી જોડાયા છો ?’

‘હું આ સંસ્થામાં બેતાલીસ વરસથી કામ કરું છું.’

‘તમે કોની પાસે સંન્યાસ લીધેલો ?’ મા સર્વેશ્વરીએ પ્રેમપૂર્વક પૂછ્યું.

‘સ્વામી શિવાનંદ પાસેથી. એ રામકૃષ્ણદેવના પ્રમુખ શિષ્યોમાંના એક હતા. એ મહાપુરુષ વિશેષ માનવાચક નામે પણ ઓળખાતા.’

‘આ ક્ષેત્રમાં આપને ઘણો જ લાંબો વખત થઈ ગયો. એ દરમિયાન થયેલા આધ્યાત્મિક અનુભવો આપ કૃપા કરીને જણાવી શકશો ?’

પ્રેમરૂપાનંદ સહેજ ગંભીર બની ગયા. એવો પ્રશ્ન પુછાવાની એમને કલ્પના પણ નહીં હોય. તો પણ વિપળવાર વિચારીને એ છેક જ સહજ અને સરળ રીતે પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા : ‘અનુભવો તો ઘણાં થયાં છે. એમનો ઉલ્લેખ નહીં કરું. ફક્ત એક જ મુદ્દાની વાત કહી દઉં. હું ભારતમાં ઘણાં ઘણાં પવિત્ર સ્થળોમાં ફર્યો. મારા મનમાં વરસો સુધી શાંતિ નહોતી. બધે ઉદ્વેગનો જ અનુભવ થયા કરતો. પરંતુ જ્યારથી હું જયરામવાટીમાં આવ્યો ત્યારથી કોણ જાણે કેમ પરંતુ બધો જ ઉદ્વેગ મટી ગયો. મને ઊંડી શાંતિ મળી. હવે આ સ્થળમાં મા ના શરણમાં આવ્યા પછી મને ઉદ્વેગનો અનુભવ નથી થતો. અસાધારણ શાંતિ ઘેરી વળી છે. અશાંતિ જેવું કશું લાગતું જ નથી.’

એમણે સહેજ રોકાઈને ગદ્દગદ્ કંઠે ભાવવિભોર સ્વરે કહ્યું : ‘પવિત્ર શારદામાતા વારંવાર કહેતાં કે જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે યાદ કરજો કે હું તમારી સાથે જ છું. એમનું એ કથન સાચું હોય એવા એમની સતત હાજરીના અને અનુકંપાના અનુભવો મને થયા કરે છે. જ્યારે જ્યારે અમે કોઈ નવા કામનો આરંભ કરીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આર્થિક મુશ્કેલી ઊભી થાય. અમે નિર્ધારિત કામ કેવી રીતે પૂરું થશે તે વિચારવા લાગીએ, બુદ્ધિ કામ ના કરે. પરંતુ થોડા વખતમાં કોઈ ને કોઈ રીતે માર્ગ મોકળો થાય અને અમને ધારેલી મદદ મળી રહે. મા અમારી સાથે જ છે એટલું જ નહીં પરંતુ અમારું ધ્યાન રાખીને અમારી ઉપર કરુણાની વર્ષા વરસાવે છે એની અમને ખાતરી થાય.

માની હાજરીનો અને માની મદદનો અનુભવ અહર્નિશ મળ્યાં જ કરે છે. અમને એમાં દૃઢ અચળ વિશ્વાસ છે. આટલી મોટી સંસ્થાને ચલાવવામાં એમની પ્રેરણા, સહાયતા તથા એમનું મંગલ માર્ગદર્શન મળ્યાં કરે છે. એટલે તો આવી વિશાળ સંસ્થા વ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

‘આ શાંત સુપવિત્ર સ્થાનમાં બે-ત્રણ દિવસ રહેનારને માની ઉપસ્થિતિનો અનુભવ થાય જ.

‘પ્રત્યેક પળે ને પ્રસંગે એમનું જ ધ્યાન રહે છે. એ પાસે ને સાથે છે એવું અનુભવાય છે. નિર્ભય ને નિશ્ચિંત બનાય છે. અહંકારનો અંત આણીને એમને સમર્પિત થવાય છે. એ જ અનુભવ. એનાથી વળી બીજો કયો મોટો અનુભવ ? એ જ અનુભવ સર્વશ્રેષ્ઠ છે. એમની શક્તિ જરૂર કાર્ય કરે છે.’

પ્રેમરૂપાનંદના શબ્દોને સાંભળવાનો આનંદ અજબ હતો. એવું થતું કે એ બોલ્યા કરે અને આપણે સાંભળ્યા જ કરીએ. અંતરના અંતરતમમાંથી આવિર્ભાવ પામતા એમના ઉદ્દગારો અત્યંત અસરકારક હતા. એ છેક જ સ્વાભાવિક લાગતા.

‘શારદામાતા સાથે રહેનાર કોઈ વ્યક્તિ હાલમાં છે ખરી ?’ અમે વિષયને બદલ્યો.

‘છે.’ એમણે જણાવ્યું : ‘અહીં એક ૮3 વરસના સંત છે. પણ કોઈક આવશ્યક કાર્યને લીધે એ આજે જ કલક્ત્તા ગયા છે.’

યાત્રીઓએ વચ્ચે અમારા ફોટાઓ લીધા.

સ્વામી પ્રેમરૂપાનંદે સૌને પ્રસાદ આપવાની સૂચના આપી.

મને તો એમણે પ્રથમથી જ પ્રસાદનો પડિયો મોકલેલો.

ત્યાંના કાર્યકર્તાઓને એમણે મારી ઓળખાણ આપી.

મેં એમના વિશે મારા 'સંતસૌરભ' પુસ્તકમાં લખેલા લેખની વાત કરી. એ આનંદ પામ્યા. એ પુસ્તક એમાંના લેખના હિંદી અનુવાદ સાથે એમને મોકલી આપવાનો નિર્ણય મેં એમને કહી સંભળાવ્યો.

એમણે પૂરું સરનામું આપ્યું.

એમનો પૂરતો સમય લીધો હોવાથી અમે એમની વિદાય લીધી. વિદાયનું એ દૃશ્ય અદ્દભુત, અલૌકિક હતું. એ પ્રેમપૂર્વક ઊભા થયા, મને આલિંગન આપ્યું, ને નીચા નમીને બે હાથને પકડીને ખૂબખૂબ ભાવભર્યા પ્રણામ કર્યા. એમની નમ્રતા અનુપમ હતી.

અમે સૌ આગળ વધ્યાં ત્યાં તો એ પાછા આવ્યા ને બોલ્યા :

‘હવે ફરીવાર આવવાનું થાય તો મને જણાવજો. હું અહીં જ રહેવાની સગવડ કરીશ. એક રૂમ તો જરૂર ફાળવીશ.’

અમે એમનો આભાર માન્યો.

એ અમને શારદામાતાના જૂના તથા નવા ઘરના દર્શને લઈ ગયા.

છૂટા પડતી વખતે અમે એ મહાપુરુષને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. એમણે મારા નમસ્કારવાળી મુદ્રાવાળા હાથને ખૂબ જ ભાવપૂર્વક પકડીને વિદાય આપી.

મેં કહ્યું : ફરી મળીશું.

મોટર આગળ વધી પરંતુ મનની આગળ તો સ્વામી પ્રેમરૂપાનંદની પ્રેમમયી પ્રસન્નતાયુક્ત આકૃતિ જ રમવા લાગી. પ્રેમરૂપાનંદનું મિલન મંગલ, ઐતિહાસિક હતું. એ રામકૃષ્ણ મિશન સંસ્થાના જ નહીં, સમસ્ત સંતસમાજના શ્રેષ્ઠ ભૂષણરૂપ હતા.

એવા સરળ, નમ્ર, નિખાલસ, શ્રદ્ધાભક્તિસંપન્ન સંતપુરુષ ઈશ્વરની કૃપા હોય તો ક્યાંક ક્યારેક જવલ્લે જ જડે છે. મળે છે ત્યારે એમનો સંસર્ગ શકવર્તી ઠરે છે.

માતાજીના અવશેષોના વિસર્જન નિમિત્તે યોજાયેલી યાત્રાનો કલ્યાણકારક કાર્યક્રમ પૂરો થયો તે પછી અમે સ્વામી પ્રેમરૂપાનંદ પરના લેખવાળું મારું 'સંતસૌરભ' પુસ્તક એમને મોકલી આપ્યું. એની સાથે એ લેખનો હિંદી અનુવાદ પણ મોકલ્યો. એ અનુવાદ વલસાડની કૉલેજના હિંદીના પ્રોફેસર શ્રી શશીકાંત કોન્ટ્રાકટરે કરેલો.

સ્વામી પ્રેમરૂપાનંદે પુસ્તકની પ્રાપ્તિ પછી એમના વિશેનો લેખ વાંચીને જે પત્ર લખ્યો તે પત્ર એમની સ્વભાવગત સરળતા, નમ્રતા અને ઉદાત્તતાનો પરિચાયક હતો. એના પરથી એમની આત્મજાગૃતિની પ્રતીતિ થતી.

એ પત્રનો સારભાગ આ રહ્યો :

શ્રી શ્રી માતૃમંદિર

પો. જયરામવાટી

જિલ્લા બાંકુડા

તા. ૧૭-૧૧-૮૧

પ્રિય યોગેશ્વરજી,

સમય પોતાની સાથે સુમધુર ભૂતસ્મૃતિઓને લઈને પૂર્ણગતિથી વીતી રહેલો ત્યારે તમારો પત્ર પ્રાચીન સ્મૃતિઓને એકઠી કરીને મારી પાસે લઈ આવ્યો. તમારી મૂલ્યવાન સાહિત્યકૃતિ 'સંતસૌરભ'ને માટે તમને આ પત્રના માધ્યમથી હાર્દિક અભિવાદન કરું છું.

તમારા પત્ર તથા પુસ્તકથી અમને આનંદ તો મળ્યો જ છે પરંતુ સાથે સાથે અસાધારણ આશ્ચર્યમાં નાખી દીધા છે. તમારા પુસ્તકમાં તમે જે પુષ્પોને ચૂંટીચૂંટીને એકઠાં કર્યા છે તેમાં મારા જેવા સુવાસહીન, રંગ વગરના પુષ્પને શા માટે, શું સમજીને સ્થાન આપ્યું છે તે તો કેવળ તમે જ જાણો છો. તમે મારામાં શું જોયું કે શું મેળવ્યું તે સમજવામાં હું તો છેક જ અસમર્થ છું મારો વ્યક્તિગત વિચાર છે ત્યાં સુધી તો એ ફૂલ કરતાં અધિક અગત્ય હું એ મધુકરને આપું છું જેણે કરુણાથી પ્રેરાઈને એ ફૂલને પોતાના પ્રયોગને માટે પસંદ કર્યું છે. મારા કરતાં પણ કેટલાંય ગણી વિશેષ મહત્તા તો તમારી જ છે, કેમ કે અન્ય અનેક સાધુસંતોની વચ્ચેથી પસંદ કરીને તમે મને તમારી 'સંતસૌરભ' કૃતિમાં સ્થાન આપ્યું છે.

એ તો આપણી ઉભયની એકમેકના પ્રત્યેની દૃષ્ટિની વાત થઈ.

હું આશા રાખી શકું કે તમે શારિરીક, માનસિક, આધ્યાત્મિક રીતે કુશળ છો ? મને લાગેવળગે છે ત્યાં સુધી, શ્રી શ્રી માની કૃપાથી હું મારા દિવસોને કુશળતાપૂર્વક પસાર કરી રહ્યો છું. મારા અત્યાર સુધીના સમસ્ત જીવનને વિવિધ પ્રકારના કાર્યોમાં વ્યસ્ત રાખ્યાં પછી, જીવનના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છું ત્યારે માના સાનિધ્યમાં અહીં રહીને કદાચ કોઈ પણ ભૂલ નહીં કરું.

તમારા સૌ શુભચિંતકોને માટે ઠાકુરજીની મંગલ પ્રાર્થના કરીને અહીં જ ઉપસંહાર કરું છું.

તમારો એકાંત મંગલાકાંક્ષી

- પ્રેમરૂપાનંદ

 

Add comment

Security code
Refresh

Today's Quote

The journey of a thousand miles begins with a single step.
- Chinese proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok