Wednesday, October 28, 2020

ઓમકારેશ્વરની સુખદ સ્મૃતિ

ઉજ્જૈનની પાસેના ઈન્દોરની સમીપનું ઓમકારેશ્વર. ભારતવર્ષના સુપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગોમાનું એક સુંદર દર્શનીય જ્યોતિર્લિંગ.

ઉજ્જૈનના મહાકાલેશ્વરની પેઠે જ ઓમકારેશ્વરની પણ પ્રસિદ્ધિ. દેશના પુણ્યતીર્થોના પ્રવાસીને ત્યાં જવાની ઈચ્છા થાય જ. જ્યોતિર્લિંગોના યાત્રીની યાત્રા, એના દર્શન, વંદન, અવલોકન અને આરાધન સિવાય અધૂરી રહે.

એના અવલોકન-આરાધનનો અવસર અમને પણ મળી ગયો.

ઉજ્જૈનથી ઈન્દોર અને ઈન્દોરથી ઓમકારેશ્વર.

નાનું ગામ, નાનું બજાર, પ્રમાણમાં થોડા ચિત્તાકર્ષક ચારુ મકાનો.

નાની સરખી લીલીછમ પર્વતમાળા. વચ્ચે નિર્મળ નદી નર્મદા. નર્મદાને સામે કિનારે ઓમકારેશ્વરનું નાનુ સરખું સુપ્રસિદ્ધ, સુંદર મનહર મંદિર.

નર્મદાને નાવમાં બેસીને પાર કરીને અમે સામે કિનારે ઘાટ પર પહોંચીને આવશ્યકતાનુસાર સ્નાન કર્યું.

પગથિયાં ચઢીને મંદિરમાં પ્રવેશ કર્યો.

ઓમકારેશ્વરનો મહિમા મંગલ મંદિરને લીધે અને એની શોભા નિર્મળ વિશાળ નર્મદાને લીધે જ છે.

મંદિરને નર્મદા અધિક આકર્ષક અથવા આહલાદક બનાવે છે, તો નર્મદાને મંદિર નવી સુંદરતા તથા સાર્થકતા ધરે છે.

મધ્યાહન સમયે અમે ઓમકારેશ્વરના મંગલ મંદિરમાં પ્રવેશ્યા ત્યારે મને વિચાર થયો કે માતાજીની સ્મૃતિમાં રુદ્રાભિષેક અથવા શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરાવીએ તો સારું.

આમેય હવે યાત્રાની પરિસમાપ્તિ થવાની તૈયારી હોવાથી એક વિશેષ સત્કર્માનુષ્ઠાન કોઈ અસ્થાને નથી.

મંદિરના પ્રાગણમાં જ થોડાક પ્રૌઢો તથા યુવાનો અમને વીંટી વળ્યા ને કહેવા લાગ્યા : ‘મંદિરમા પાઠ, અભિષેક, જે કરવું હોય તે કરાવો.’

‘કોણ કરશે ?’ મેં પૂછ્યું.

‘તમે કહેશો તો હું કરીશ.’ એક યુવાને ઉત્તર આપ્યો.

‘સંસ્કૃત સારી પેઠે આવડે છે ?’

‘આવડે છે.’

મને એની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. એના સંસ્કૃત ઉચ્ચારો કેવા છે તે તો જાણવું જ જોઈએ.

મારી સૂચનાનુસાર એ યુવાને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરવા માંડ્યો. એના ઉચ્ચારો શુદ્ધ અને સારા હતા. બેત્રણ શ્લોકોને સાંભળ્યા પછી મને સંપૂર્ણ સંતોષ થયો એટલે મેં એને શિવમહિમ્નસ્તોત્રનો પાઠ કરવાનું કાર્ય સોંપ્યું.

એને એથી અસાધારણ આનંદ થયો.

મેં એ યુવાનની ભાષાશુદ્ધિની કદર કરીને એને પુરસ્કાર પેઠે વધારે રકમ આપી.

તીર્થોમાં અને અન્યત્ર સંસ્કૃતનો અભ્યાસ ઓછો થતો જાય છે અને ભાષાશુદ્ધિ પણ ઓછી દેખાય છે ત્યારે સુયોગ્ય સંસ્કૃતપાઠી આત્માઓને બિરદાવવાનું તથા શક્ય સહાયતા પહોંચાડવાનું અતિશય આવશ્યક છે. એ દૃષ્ટિએ જ મેં એ યુવાનને સહાયતા પહોંચાડી.

એને બળ મળ્યું.

નર્મદાને પાર કરવાને બદલે સામેના પુલ પરથી પસાર થઈને અમે પાછા ફર્યા.

ઓમકારેશ્વરની એ સુખદ સ્મૃતિ ચિરસ્મરણીય ઠરી.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekananda

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok