Sunday, September 27, 2020

કળીમાંથી ફૂલ

યુવાનો કેટલીકવાર ભળતા વિચારોના ભોગ બને છે, ક્ષણજીવી આવેશ કે ભાવાવેગથી ભ્રાંત થઈને, પગલાં ના ભરવાના પંથે પગલાં ભરે છે ને ના કરવા જેવા કામને કરી બેસે છે.

વૈરાગ્ય, ત્યાગ, સંન્યાસ, ધર્મ અથવા અધ્યાત્મના આધાર વિનાના ખ્યાલોમાં અટવાઈને કેટલીકવાર ગૃહત્યાગ કરવા પ્રેરાય છે અને એ પછી સારો જીવનપોષક પ્રેરણાત્મક સંજીવનીપ્રદાયક સંગ ના સાંપડે તો પ્રમાદી અને અકર્મણ્ય બનીને નષ્ટપ્રાય થઈ જાય છે. જીવનનો સમુચિત વિકાસ નથી સાધી શકતા.

પૂર્વનો પુણ્યોદય થયો હોય કે થવાનો હોય તો એમને કોઈક જીવનોપયોગી સાનુકૂળ શ્રેયસ્કર સત્સંગ સાંપડે છે પણ ખરો.

એવા સત્સંગથી એમને નવી સાચી પ્રાણવાન પ્રેરણાની પ્રાપ્તિ થાય છે; સત્ય મંગલ માર્ગદર્શન મળે છે, અને એમનું જીવન સુરક્ષિત બને છે. દ્વિધાના દરિયામાં ડૂબવાની તૈયારી કરી ચૂકેલું એમનું મન એમાંથી બહાર નીકળીને વિકાસની નવી ક્ષિતિજોનું દર્શનું કરે છે, અવનવી આશાથી અલંકૃત બને છે, અને ઊગરી જાય છે. એમને શાંતિપ્રદાયક સુખદ કલ્યાણકારક કિનારો મળે છે.

સૂરત શહેરના નવયુવક કિશોરના સંબંધમાં પણ લગભગ એવું જ બન્યું.

ઈ.સ. ૧૯૭૪નું વરસ એને માટે આકરી અગ્નિપરીક્ષાનું વરસ નીવડ્યું.

કિશોર એ વખતે કૉલેજમાં અભ્યાસ કરતો હોવા છતાં ઍન્જીનિયરિંગ કૉલેજના અભ્યાસને અધવચ્ચે મૂકીને સંન્યાસી થવાના દિશાસ્વપ્નો સેવતો. ઘરમાં કોઈને પણ કહ્યા વગર, હિમાલયની દિશાનું ધ્યાન ધરતો, એક દિવસ પર્વતોની રાણી મનાતી મસૂરી નગરીમાં પહોંચી ગયો.

એની પાસે મારું સરનામુ તો હતું જ.

એનો ઉદ્દેશ મારી સાથે રહેવાનો ને બને તો મને ગુરુ તરીકે વરણ કરવાનો હતો.

મસૂરીમાં પહોંચ્યા પછી માહિતી મળી કે હું માતાજી સાથે ઋષિકેશ ગયો છું એટલે એણે ઋષિકેશ પ્રતિ પ્રયાણ કર્યું.

ઋષિકેશમાં અમે મળ્યા. મેં એની વાત સાંભળી. એણે કહ્યું : ‘મને વૈરાગ્ય થયો છે. ઘરમાં કોઈને પણ કહ્યા વગર, કોઈની પણ અનુમતિ લીધા વગર, મેં ગૃહત્યાગ કર્યો છે.’

‘વૈરાગ્ય તો અર્જુનને પણ થયો હતો. તો પણ એને ભગવાનની ઈચ્છા સમજીને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યભાવે ભાગ લીધેલો. વૈરાગ્ય થયા પછી વ્યવહારમાં રહીને કર્તવ્યનું અનુષ્ઠાન વધારે સારી રીતે કરી શકાય છે. અહંભાવમાંથી મુક્તિ મેળવીને અલિપ્ત રહેવાય છે.’

‘પરંતુ મારે તો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે.’

‘એને માટે ઘરમાં રહીને ઉત્તરોત્તર સદ્દગુણી, સદ્દવિચારશીલ, સત્કર્મપરાયણ બનવાનો આગ્રહ રાખી નિયમિત રીતે નામ-જપ, ધ્યાન, પ્રાર્થના જેવા સાધનનો આધાર લો. કૉલેજના અભ્યાસને ચાલુ રાખો, ડિગ્રી મેળવો ને સારી નોકરી પ્રાપ્ત કરીને આર્થિક રીતે પગભર બનો. સુરતમાં રહીને આપણા ધ્યાનકેન્દ્રની મુલાકાત લો. મારી સલાહ અત્યારે કદાચ અરુચિકર લાગશે પણ એને અનુસરવાથી પરિણામ સારું આવશે. જીવન સારું ને ઉજ્જવળ બનશે.’

પરંતુ મારી વાત એના ગળે ના ઊતરી.

‘મેં તો ત્યાગ કરવાનો અને આ દૈવી ભૂમિમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તમારી પાસે રહેવાનું નહિ મળે તો બીજા કોઈક આશ્રમમમાં રહીશ.’

‘તને બીજે ક્યાંય નહિ ફાવે. છતાં મારી સલાહ સુયોગ્ય ના લાગે તો આશ્રમોની અને એમાં અથવા અન્યત્ર વસતાં સંતમહાત્માઓના મુલાકાત લઈ શકે છે.’

‘મારે બદરીનાથ પણ જવું છે.’

‘તે તો બાહ્ય ત્યાગ સિવાય પણ જઈ શકાય છે.’

કિશોર અચળ રહ્યો. કોઈ કારણે એ ઘેર પાછા ફરવાની ઈચ્છા નહોતો રાખતો. કોઈક કારણ એવું બનેલું જે એને ઘરથી દૂર રહેવા માટે પ્રેરિત કરી રહેલું.

છતાં પણ આખરે તો જે ઈશ્વરે ધાર્યું હતું તે જ થયું.

બેત્રણ દિવસ સુધી ઋષિકેશમાં રહીને કેટલાંક આશ્રમોનું અવલોકન કર્યું અને કેટલાક સંતપુરુષોની મુલાકાત લીધી. એ બધી શુભ હેતુથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ પછી એને ખાતરી થઈ કે ઋષિકેશમાં ત્યાગી તરીકેના જીવનનો આધાર લઈને રહેવા કરતાં ઘરમાં રહીને આગળ અભ્યાસ કરવાનો અને આધ્યાત્મિક જીવન જીવવાનું વધારે સારું છે. એ વિચારને મારી આગળ રજૂ કર્યો ત્યારે મેં એને વધાવી લીધો. બીજાના ઉપદેશ કરતાં પોતાનો અનુભવ માનવને વધારે અસર કરે છે.

કિશોરની ઈચ્છા પ્રમાણે એના પિતાશ્રીને એની માહિતી મોકલવામાં આવી. થોડાક દિવસ પછી એણે સૂરત જવા માટે વિદાય લીધી.

મારે સૂરત જવાનું થયું ત્યારે એના પિતાશ્રીએ મને જણાવ્યું : ‘તમે કિશોરનું જીવન બચાવી લીધું. તમે પાછા આવવાની સલાહ ના આપી હોત તો એનું જીવન વેડફાઈ જાત.’

કિશોરે ખંતપૂર્વક કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો. એ ઍન્જિનિયર થયો.  હવે એ નોકરી કરે છે.

આધ્યાત્મિક વિકાસની એની લગન એવી જ છે. એથી પ્રેરાઈને એ સત્સંગ કરે છે. ધ્યાન ધરે છે ને જીવનના પરિશોધનનો પ્રયત્ન કરે છે.

એ કળીમાંથી ફૂલ બન્યો છે.

જ્યાં છે ત્યાં એને સંતોષ છે.

આવશ્યકતાનુસાર એ બીજા યુવાનોને માર્ગદર્શન ધરે છે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

We turn to God for help when our foundations are shaking, only to learn that it is God who is shaking them.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok