Sunday, September 27, 2020

માનવતાના માળી

માનવ જો ધારે તો જ્યાં હોય ત્યાં રહીને અન્યને ઉપયોગી થઈ શકે છે.

એની વૃત્તિ હોય, એની પાસે સમ્યક્ દૃષ્ટિ હોય, અલ્પ અથવા અધિક શક્તિ હોય, એના અંતરમાં જનતાજનાર્દનની થોડીક પણ ભક્તિ હોય, અને સહેજ પણ સાનુકૂળ પરિસ્થિતિ હોય તો એ પોતાની રીતે જીવીને બીજાને મદદરૂપ બની શકે છે. એમ કરતાં કરતાં વિરોધોનો સામનો કરવો પડે. વિઘ્નો આવે, વિપરીત વાતાવરણ પેદા થાય, નિંદાના ભોગ બનવું પડે અથવા કોઈ પ્રકારની નાનીમોટી હાનિ થાય, તો પણ એ પોતાના પસંદ કરેલા સેવામાર્ગને મૂકતો નથી. બીજાને ઉપયોગી થવા માટે સદાય તૈયાર રહે છે. બીજાને માટેના સેવાકાર્યને પૂજા, સાધના, ઉપાસના, આરાધના સમજે છે.

એ સંસારમાં કમળની પેઠે રહેતો હોય છે. સુકોમળ, સંવેદનશીલ, અહંકારરહિત, અનાસક્ત ને અલિપ્ત. સામાન્ય માનવો જેમના શિકાર બને છે તે સ્વાર્થ અને રાગદ્વેષ એમને પોતાની અસર નથી પહોંચાડતા. એ લેવા માટે આવ્યા નથી હોતા, આપવા માટે આવ્યા હોય છે; અને એમને આપવામાં ઊંડા અસીમ સુખની પ્રાપ્તિ થાય છે.

દુનિયામાં એવા માનવરત્નનું ક્યાંક ક્યાંક કોઈક ધન્ય પાવન પળે દર્શન થાય છે ત્યારે અંતર અનેરો આનંદ અનુભવે છે.

મસૂરીમાં ગાંધીનિવાસ સોસાયટીમાં ચાલતાં ગુરુ નાનક ધર્માર્થ ઔષધાલયમાં એવા એક ડૉકટર આવ્યા.

પંજાબના મૂળ વતની, પંજાબના પ્રખ્યાત શહેરમાં સિવિલ સર્જન તરીકે સેવાકાર્ય કરી ચૂકેલા એ વયોવૃદ્ધ ડૉકટર નિવૃત્તિની વયમર્યાદા પછી પણ મસૂરીના ધર્માર્થ ઔષધાલયમાં મુખ્ય ડૉકટર તરીકે જોડાયા. તેનું મુખ્ય કારણ એમનો જન્મજાત અસાધારણ સેવાભાવ જ હતો. માનવજીવન બીજાની સેવા માટે જ છે અને જ્યાં સુધી એ શેષ હોય ત્યાં સુધી એનો સદ્દપયોગ સેવા માટે જ કરાવો જોઈએ. એમાં જ એની સાર્થકતા કે સફળતા છે એ વિચાર એમના મનમાં તાણા ને વાણાની પેઠે વણાઈ ગયેલો. એ જેમાં વિશ્વાસ રાખતા અને જેનો આધાર લઈને મોટા થયેલા એ શીખધર્મના પ્રાતઃસ્મરણીય પરમાદરણીય સદ્દગુરુઓએ શીખવેલું કે નામજપ કરવા અને બીજાને પરમાત્માના પ્રતિનિધિ સમજી અન્ન, વસ્ત્ર, આશ્રય, આવશ્યક ઔષધ અને શિક્ષણ પ્રદાન કરવું. એના જેવી લોકોત્તર સેવાસાધના બીજી કોઈ જ નથી.

ડૉકટર સાહેબ એ સદુપદેશનું પાલન કરતાં. કોઈ વાર વાતચીતના અનુસંધાનમાં કહેતા કે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી સુમિરન અને સેવા ચાલવા જ જોઈએ. જીવન છે જ એટલા માટે. સુમિરન અને સદ્દબુદ્ધિ સહિતની સેવાને લીધે તો માનવ પશુથી જુદો પડે છે તથા પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

પ્રભાતના પ્રથમ પ્રહરમાં એ નિત્યકર્મમાંથી નિવૃત્ત થઈને નિયત સમય પર ગુરુ નાનકદેવને પ્રણામ કરીને બહાર નીકળતા ને દવાખાનામાં દાખલ થતાં. એમનો સ્વભાવ એટલો બધો સરળ,  છળરહિત, માયાળુ હતો અને એમના હાથમાં એવો તો અસાધારણ યશ હતો કે એની આગળ દર્દીઓના ટોળાં ઊમટતા. સૌને એ દેવદૂત જેવા લાગતાં. કેટલીકવાર તો ભોજન અને આરામના બહુમૂલ્ય સમયનો ભોગ આપીને પણ એ એમનું સેવાકાર્ય કર્યા કરતા હતા. સાંજે મારા પ્રવચનના સમયે પણ એમનું સેવાકાર્ય ચાલુ જ રહેતું. કોઈક વાર સમય મળતાં એ સત્સંગહૉલમાં પાછળની ખુરશી પર બેસતાં અને રૂબરૂ મળતા જણાવતાં : ‘મારાથી નિયમિત રીતે ખૂબખૂબ ઈચ્છા હોવા છતાં પણ સત્સંગમાં નથી અવાતું. દવાખાનાનો સમય પણ એ જ હોય છે અને ત્યારે દર્દીઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. કોઈકવાર વહેલો નિવૃત્ત થઈ જઉં છું તો આવી પહોંચું છું.’

હું એમને કહેતો : ‘તમે તો ઘણું મોટું, મહત્વનું, પાયાનું કામ કરી રહ્યા છો. એ કલ્યાણકાર્ય સત્સંગ કરતાં જરાય ઊતરતું નથી. જ્યારે વખત મળે ત્યારે સત્સંગમાં આવી શકો છો. તમારું જીવન બીજાને માટે બોધપાઠરૂપ છે.’

‘હું દવાખાનાને સત્સંગભવન અથવા મંદિર જેટલું જ પવિત્ર, કલ્યાણકારક, મંગલ માનું છું. એવી ભાવનાથી જ એમાં બેસીને કામ કરું છું.’

‘બરાબર છે. એટલે જ તમે આટલા પ્રેમપૂર્વક કાર્ય કરી શકો છો.’

દવાખાનામાં પ્રવેશતી વખતે ડૉકટર સાહેબ સૌથી પ્રથમ સામેની દીવાલ પર રાખવામાં આવેલી ગુરુ નાનકદેવની તસ્વીરને પરમ પૂજ્યભાવે પ્રણામ કરતા અને પછી જ બીજા કાર્યમાં પ્રવૃત્ત થતા. દરદીને જોતી વખતે, દવા આપતી વખતે પણ ગુરુ નાનકદેવનું સ્મરણ કરતા. કોઈને વ્યાધિમાંથી મુક્તિ મળે તો તેનો યશ પણ ગુરુ નાનકદેવને જ આપતાં અને કહેતા : ‘હું તો ફક્ત નિમિત્ત છું. શક્તિ તો ગુરુની જ કામ કરી રહી છે. તે પોતાની ઈચ્છા પ્રમાણે કેટલાંય નિમિત્તોને તૈયાર કરી શકે છે. એટલે નિમિત્ત બનાવીને સેવા કરવાનો સુ-અવસર પ્રદાન કરે છે એ એમની કૃપા છે. એને માટે મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું અને એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

ડૉકટર સાહેબનો સ્વભાવ ખૂબ જ મધુર, માયાળુ, સરળ, નમ્ર હતો. જે કેસને એ હાથમાં લેતા તે સફળ થતો. એમનું નિદાન સચોટ, સાચું ઠરતું અને એમનો ઉપચાર અકસીર અથવા અમોઘ નીવડતો. ગરીબોને માટે એમનું અંતર વિશેષ લાગણી અનુભવતું. દીનદુઃખી પ્રત્યે એમને સવિશેષ સહાનુભૂતિ રહેતી. એને લીધે દવાખાનામાં દીનદુઃખી કે વ્યાધિગ્રસ્તોનાં ટોળાં ઊમટતાં. ધર્માર્થ ઔષધાલય યાત્રાધામ જેવો મહિમા ધારણ કરતું.

ડૉકટર સાહેબ સૌને ખૂબ જ શાંતિપૂર્વક રસસહિત સાંભળતાં. કેટલીકવાર તો દર્દી એટલી બધી મોટી સંખ્યામાં રહેતા કે દવાખાનાનો નિર્ધારિત સમય પૂરો થતો પણ દર્દીઓ શેષ રહેતાં. એવે વખતે એમને પૂરો ન્યાય આપવા માટે એ ભોજન માટેના સમયને ગૌણ ગણીને પોતાના કાર્યમાં મગ્ન રહેતા. કોઈકવાર દર્દીઓ એમની પાસે એમના ઉપચાર માટે રાતે પહોંચતા ત્યારે એ આરામની પરવા કર્યા સિવાય બહાર નીકળતાં. એમના પત્ની એમને આરામ કરવા કરતાં કહેતાં.

‘આટલી ઉંમરે આખા દિવસની મહેનત પછી સૂઈ જવું જોઈએ એને બદલે રાતે પણ ઊઠવાનું ! મને તો આ સહેજ પણ પસંદ નથી.’

‘વ્યાધિગ્રસ્તોને મદદરૂપ તો થવું જ જોઈએ ને ?’

‘એને માટે આખો દિવસ છે.’

‘છતાં પણ કોઈવાર કોઈક રાતે આવે તો ના કહેવાય ? જીવન શેને માટે છે ? એનાથી જેટલી સેવા થાય તેટલી સારી. આવકારદાયક. આ શરીર એક દિવસ શાંત બની જશે, એ નાશવંત છે. એ નાશ પામે એની પહેલા જેટલું પણ સત્કર્મ કરી શકાય તેટલું સારું. જે શરીરથી જપતપ ના થાય તે શરીરથી સેવાકર્મ થઈ શકે તો પણ સંતોષ છે.’

વ્યાધિગ્રસ્તો એમની પીઠ પાછળ વાતો કરતા :

‘ડૉકટર સાહેબ તો દેવતા છે દેવતા. એ કોઈ સામાન્ય માનવ નથી.’

‘દેવતા પણ આવા પરગજુ ના હોય.’

‘એ તો ઈશ્વરના દૂત છે.’

‘આવા સેવાભાવી સર્જન ડૉકટર તો મસૂરીમાં કદી પણ નથી આવ્યાં.’

પોતાની પ્રશંસા તથા સફળતાની વચ્ચે પણ ડૉકટર સાહેબ શાંત અને સ્વસ્થ રહેતા. કોઈ એમનું ગૌરવ ગીત ગાતું તો કહેતાં કે એ બધો ગુરુનો જ પ્રતાપ છે. માણસથી શું થઈ શકે એવું છે ? એની શક્તિ કે યોગ્યતા કશી જ વિસાતમાં નથી.

એમની અસાધારણ યોગ્યતાનો ખ્યાલ મેળવવા માટે એકાદ પ્રસંગ પૂરતો થઈ પડશે.

મસૂરીમાં મધ્યપ્રદેશના નિવૃત્ત ખેતીવાડી ડાયરેકટર શ્રી દુબે રહેતા. એમનો સ્વભાવ ખૂબ જ મિલનસાર તથા પરગજુ હતો. એમની તબિયત બગડવાથી એકવાર એમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. ત્યાં એમને પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઑપરેશન કરાવવું પડ્યું. શારિરીક સ્વસ્થતાની પ્રાપ્તિ થતાં એ ઘેર પાછા ફર્યા. પરંતુ એ પછી થોડાં જ દિવસમાં ઑપરેશનના સ્થાન પર પુનઃ પીડાનો પ્રારંભ થયો. અમેરિકન હોસ્પિટલના ડૉકટરોની સલાહ લેવાથી ખબર પડી કે ફરીવાર ઑપરેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. એ માહિતી મેળવીને એમને થોડીક ચિંતા થઈ. ઑપરેશનની પીડામાં પસાર થવાની એમની માનસિક તૈયારી નહોતી. પોતાના મનોભાવોને એમણે મારી સમક્ષ પ્રગટ કર્યા ત્યારે મેં તેમને ચિંતા ના કરવાની ને ડૉકટર સાહેબની સલાહ લેવાની સૂચના આપી. એમને એ સૂચના પસંદ પડવાથી પેલા સેવાભાવી દેવદૂતસમા ડૉકટર સાહેબનો સંપર્ક સાધ્યો. ડૉકટર સાહેબે એમની પાસે પહોંચીને એમને તપાસીને નિશ્ચયાત્મક રીતે જણાવ્યું કે તમારે ઑપરેશન કરાવવાની આવશ્યકતા નથી.

‘પરંતુ અમેરિકન હોસ્પિટલના ડૉકટરોએ તો ઑપરેશનને અનિવાર્ય કહ્યું છે.’

‘ભલે કહ્યું. મારી દૃષ્ટિએ બીજું ઑપરેશન જરાય આવશ્યક નથી. મારામાં વિશ્વાસ હોય તો દવા લખી આપું. તે પ્રમાણે ઉપચાર શરૂ કરો તો સ્વસ્થ થઈ જશો.’

દુબેજીને માટે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેમણે ઉપચારને સારુ સંમતિ આપી.

ડૉકટરસાહેબે દવા લખી આપી.

દુબેજીએ ડૉકટર સાહેબને વિઝિટ ફીની તથા સલાહની રકમ વિશે પૂછ્યું તો ડૉકટર સાહેબે કશું પણ સ્વીકારવાની સ્પષ્ટ શબ્દોમાં ના કહીને જણાવ્યું : ‘મને મારી આજીવિકા પૂરતું મળી રહે છે. જીવનભર કમાતો રહ્યો છું. હવે પાછલી અવસ્થામાં જીવનના સંધ્યાકાળે ઊભો છું ત્યારે થોડીક સેવા કરી લઈશ તો હાનિને બદલે લાભ જ છે.’

દુબેજીને ઑપરેશન સિવાય જ સારું થયું.

એમણે ડૉકટર સાહેબનો સ્વાભાવિક રીતે જ આભાર માન્યો.

આજે એ દેવદૂત જેવા ડૉકટર સાહેબ અને દુબેજી નથી. બંનેનો સ્વર્ગવાસ થયો છે પરંતુ એમની સ્મૃતિ સનાતન છે.

એ સ્વનામધન્ય ડૉકટર સાહેબ હતા, ડૉકટર માલી.

એવા સેવાભાવી ડૉકટરોની વધારે ને વધારે પ્રમાણમાં ઠેરઠેર આવશ્યકતા છે, જે માનવતાના માળી બનીને માનવસમાજની માવજત કરતા હોય.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok