Sunday, September 27, 2020

મસૂરીના માનવરત્ન - 1

જીવનમાં જે બને તે બધી જ ઘટનાઓ માનવીની ઈચ્છા, યોજના અથવા અભિરુચિ પ્રમાણે ક્યાં બને છે ? જીવનનો નક્શો અંકિત થયો હોય છે એક રીતે અને સાકાર બને છે જુદી જ રીતે. જુદીજુદી ઘટનાઓ માનવના શીલ, સંયમ, સમત્વ, સદાચારની કસોટી કરનારી થઈ પડે છે. એમાંય પ્રસંગો પ્રતિકૂળ બને છે કે પ્રતિકૂળતાની પરંપરા પેદા કરે છે ત્યારે તો માનવમનને આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. એવા વિપરીત વિષમ વખતમાં સાધારણ જ નહિ પરંતુ અસાધારણ માનવોનાં મન પણ ચિંતાતુર થાય છે ને ડગી જાય છે. એવે વખતે જે અડગ, સ્વસ્થ, શાંત રહી શકે છે તે મહાવીર મનાય છે અથવા મહામાનવ કહેવાય છે.

એવા એક અસાધારણ ગુણવત્તા ધરાવતા મહામાનવના જીવનનું વિહંગાવલોકન કરી લઈએ.

એમનું નામ રૂપકિશોર કપુર.

શિષ્યો, અનુયાયીઓ, પ્રશંસકો તથા પરિચિતોમાં એ ગુરુજીના સન્માનસૂચક પ્રિય નામથી ઓળખાતા.

એ એક લોકોત્તર સિદ્ધહસ્ત નામાંકિત ચિત્રકાર હોવાથી કલાકારનું સર્વોચ્ચ સંવેદનશીલ હૃદય ધરાવતા. મહાત્મા ગાંધીજીને ગુરુ બરાબર માનતા અને એમના આદર્શોને અનુસરવાનો પ્રયત્ન કરતા.

એ પ્રયત્નમાં સંતોષકારક રીતે સફળ પણ થયેલા.

ચિત્રકળાની અસાધારણ સિદ્ધિને લીધે એ મોટામોટા નામાંકિત દેશનેતાઓ, રાજકુટુંબો, શ્રીમંતો, અધિકારીઓ અને ધર્માચાર્યોના ઘનિષ્ઠ સંબંધમાં આવેલા, અને એમનો પ્રેમ તથા પૂજ્યભાવ પામી શકેલા.

છ મહિના જેટલા સમય સુધી એ દેહરાદૂનમાં એમના મકાનમાં રહેતા ને વરસના બીજા છ મહિના મસૂરીમાં.

મસૂરીમાં એમની સુંદર, સુપ્રસિદ્ધ, સુવિશાળ ચિત્રશાળા હતી.

દરરોજ સાંજે એની બહારની ઓસરીમાં ખુરશીઓની પંક્તિ પર મસુરીનાં સુપ્રતિષ્ઠિત સ્ત્રીપુરુષો ભેગાં થતાં ને જ્ઞાનવિજ્ઞાનની વાતો કરતાં. એ વખતે નાના જ્ઞાનદરબાર જેવું દૃશ્ય ઉપસ્થિત થતું.

ગુરુજી મસુરીના પુરુષરત્ન હતા. અસાધારણ જ્વાજ્વલ્યમાન ને મહામૂલ્યવાન રમણીય રત્ન.

એમના જીવનની આકરી અગ્નિપરીક્ષા શરૂ થઈ. પ્રતિકુળતાનો પ્રલયંકર પવન પ્રારંભાયો.

એમની સમસ્ત જીવનસાધનાની સિદ્ધિ સમી સુંદર ને સુસમૃદ્ધ ચિત્રશાળાને એક રાતે  અચાનક આગ લાગી. એના પરિણામે આખી ચિત્રશાળા બળી ગઈ. જે વિરાટ મકાનના નીચેના ભાગમાં એક તરફ ચિત્રશાળા હતી તે આખુંય મકાન નામશેષ બની ગયું. ઈશ્વરકૃપાથી એમના જીવનની રક્ષા થઈ. એ પહેરેલે કપડે સહીસલામત રીતે બહાર નીકળી ગયા.

પ્રશંસકો અને પ્રેમીજનો ઊંડી સહાનુભૂતિપૂર્વક એમને આશ્વાસન આપવા આવ્યા તો એમણે જણાવ્યું કે જે થયું છે તેનું મને દુઃખ નથી. એક દિવસ તો મારે કાયમને માટે વિદાય થવાનું જ હતું. તે વખતે ચિત્રશાળા મારી સાથે નહોતી આવવાની. ઈશ્વરે એનો આવી રીતે અંત આણ્યો તો તેની યોજનામાં મંગલ જ માનવું જોઈએ. એ જે કરે છે, કરતા હશે, તે સારા માટે.

‘તમને એવું નથી લાગતું કે મોટું નુકસાન થયું ? તમારી તો આખા જીવનની કળા ચાલી ગઈ’

‘હું જીવતો છું ત્યાં સુધી કળાનો સર્વનાશ નથી થયો. એ તો મારી સાથે છે. મારા પ્રાણમાં તાણા ને વાણાની પેઠે વણાયેલી છે સ્થૂળ રીતે નિહાળતાં નુકસાન થયું છે તો પણ એનો અફસોસ કરવાથી કશું જ નહિ વળે. જે ઈશ્વરે આવી અસાધારણ અશાંતિ સરજી છે એણે જ મને શાંતિ તથા સહનશક્તિ બક્ષી છે એ એની અનુકંપા છે. એ અનુકંપા કાંઈ ઓછી નથી.’

શ્રોતાજનો વિચારમાં પડ્યા. એમનામાંના એકાદ બે શ્રોતાજનો બોલી ઊઠ્યા: ‘આવી પ્રતિકૂળ, અતિશય પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તમારું મન આટલું બધું સ્વસ્થ અને શાંત રહી શક્યું છે તેનું શું કારણ ? આવી સ્થિરતા તથા શાંતિ તો મોટામોટા મુનિવરોમાં પણ ના હોઈ શકે.’

ગુરુજીએ છેક જ શાંતિપૂર્વક કહ્યું: ‘એનું કારણ સત્સંગ છે.’

‘સત્સંગ ?’

‘હા. સત્સંગ. છેલ્લા કેટલાક વખતથી મને યોગેશ્વરજીના સત્સંગનો દેવદુર્લભ લાભ મળે છે તેનું એ પરિણામ છે. એમની મારા પર કૃપા છે. એમના સદુપદેશ અને સત્સંગથી હું સમજ્યો છું કે સર્વ કાંઈ અનિત્ય છે. એની મમતા તથા મોહિની દુઃખદ છે. એવી સમજથી જ મારા મનને શાંત રાખી શક્યો છું.’

‘તો તો તમને સત્સંગ ફળ્યો.’

‘તમે જેમ માનો તેમ.’

*

સત્સંગની અસર એમની ઉપર એવી અસાધારણ થયેલી. એ એમના મસૂરીમાં રહેતા કે મસૂરી બહારથી આવતા પ્રેમીજનો, પ્રશંસકો કે પરિચિતોને અવારનવાર કહેતા : ‘જીવનમાં વાસ્તવિકત સુખશાંતિ મેળવવા અને જીવનને જીવવાની સાચી દૃષ્ટિ પામવા માટે સત્સંગ આવશ્યક છે. ગાંધીનિવાસ સોસાયટીમાં ચાલતા સત્સંગનો લાભ જરૂર લો. એ સત્સંગ અદ્વિતીય છે. એનો લાભ લેવાથી તમને અસાધારણ આનંદ આવશે, ઘણુંઘણું જાણવાનું મળશે, ને જીવનપરિવર્તનની નવી દૃષ્ટિની પ્રાપ્તિ થશે. ‘

એ પોતે રોજ સાંજના ગાંધીનિવાસ સોસાયટીના સત્સંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં.

એકવાર એ મારી પાસે એકાએક વહેલી સવારે આવી પહોંચ્યા. એમની સાથે એમનો નાનો નોકર નન્હો હતો. એને એક તરફ ઊભો રાખીને એમણે  જણાવ્યું : ‘મારી કફનીના ખિસ્સામાંથી છેલ્લા કેટલાય વખતથી પૈસા ચોરાય જાય છે, તો તારા વિના બીજું કોણ ચોરે ? યોગેશ્વરજીની આગળ ચોરીને કબૂલ કરી દે તો તને કોઈ પ્રકારની સજા નહીં કરું.’

‘પણ મેં ચોરી નથી કરી.’ નન્હાએ કહ્યું.

‘તો પછી કોણે કરી ? પૈસા જાય ક્યાં ?’

‘મને શી ખબર ?’

‘તું જુઠ્ઠું બોલે છે. પૈસા તેં જ લીધા છે. ગીતાને હાથમાં લઈને કબૂલ કર નહીં તો તને ઘરમાં નહીં રાખું ને પોલીસને સુપ્રત કરીશ.’

નન્હો શાંત રહ્યો.

‘યોગેશ્વરજી પાસે બધું જ જાહેર કરી દે. એ મહાપુરુષ છે.’

ગુરુજીના શબ્દોની અસર સહેજ પણ ના થઈ. નન્હો નીચે બેસી ગયો.

ગુરુજીએ મારી તરફ સૂચક રીતે જોયું એટલે મેં જણાવ્યું : ‘નન્હા, તું ના પાડે છે પરંતુ પૈસાની ચોરી તેં જ કરી છે. તારી મુખાકૃતિ પરથી એ વાતની સ્પષ્ટતા થાય છે. ખોટું બોલીને તો તું એક બીજો વધારાનો અપરાધ કરી રહ્યો છે. બોલ, ચોરી કરનાર તું જ છે કે બીજો કોઈ ? સાચું બોલીશ તો તને કોઈ પણ પ્રકારની સજા નહીં થાય. ક્ષમા કરી દેવામાં આવશે.’

નન્હાનું મનોમંથન હવે પરાકાષ્ઠા પર પહોંચ્યું. એ એની સઘળી હિંમતને એકઠી કરીને બોલ્યો : ‘ચોરી મેં જ કરી છે.’

‘વાહ ! હવે તું સાચું બોલ્યો. શાબાશ. અત્યાર સુધી તું ખોટું બોલતો હતો તો તે માટે ગુરુજીની માફી માંગી લે. હજુ તો તારી ઉંમર નાની છે. અત્યારથી જ આવી કુટેવોનો શિકાર બનીશ તો જીવનનો નાશ કરી નાખીશ. માટે હવેથી કદી પણ ચોરી ના કરવાની પ્રતિજ્ઞા લે.’

‘હવેથી કદી પણ ચોરી નહિ કરું. આજે પ્રતિજ્ઞા કરું છું. ‘

‘પ્રતિજ્ઞાને પાળજે.’

એણે ગુરુજીની માફી માગી. ગુરુજીને પરમ સંતોષ થયો કે નન્હો જીવનસુધારના મંગલ માર્ગે આગળ વધ્યો. પરંતુ એ ઘટના પછી થોડાક દિવસે નન્હો એમની પાસેથી સ્વેચ્છાથી છૂટો થયો. એમણે એની વિદાય પછી કોઈ બીજા નોકરને ના રાખ્યો. નોકરનું બધું જ સેવાકાર્ય એમણે કરવા માંડ્યું અને એ પણ ખૂબ જ શાંતિપૂર્વક, સ્મિત સાથે. પાછળથી એ કોઈકવાર વાત નીકળતાં કહેતા : ‘પોતાનું કામ પોતાની રીતે પોતાની મેળે કરી લેવાનો આનંદ અનોખો છે. કામ કરતાં કરતાં ઈશ્વરનું સ્મરણ પણ કરતો રહું છું એટલે અધિક આનંદ અનુભવાય છે. કામનો ભાર નથી લાગતો ને કંટાળો પણ નથી આવતો. હવે તો જીવનપર્યંત કોઈ નોકર નથી રાખવો.’

મિત્રો તથા પ્રશંસકો કહેતા કે નોકર રાખી લો, એના પગારના પૈસા અમે આપીશું. તો પણ એમના નિર્ણયમાંથી ચલાયમાન થયા વગર પોતાનું કામ એ પોતાની મેળે જ કરી લેતા. એમનો સ્વાશ્રયી જીવન પ્રત્યેનો પ્રેમભાવ એવો અસાધારણ હતો.

 

Add comment

Security code
Refresh

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok