Sunday, September 27, 2020

મસૂરીના માનવરત્ન - 2

કુદરત જેની કસોટી કરે છે તેની કસોટી કેટલીકવાર પૂરેપૂરી કરે છે. એની અગ્નિપરીક્ષા કરવામાં અથવા તપાવવામાં એ પાછું વાળીને નથી જોતી કે કશું બાકી નથી રાખતી. એની સાથેસાથે એ પણ એટલું જ સાચું છે કે ઈશ્વર અનુગ્રહ કરીને પોતાના શરણાગત અથવા ભક્તને સહન કરવાની પૂરેપૂરી શક્તિ આપે છે. અને સદ્દબુદ્ધિ બક્ષે છે. એ સદ્દબુદ્ધિની સહાયથી એ કષ્ટો, વિરોધો, વિપરિતતાઓની વચ્ચે પણ પથભ્રાંત કે મલિનબુદ્ધિ કે વિપથગામી નથી બનતો. ધીરજને નથી ખોતો, તેમજ હિંમત, આશા અને ઈશ્વરપરતાને ટકાવી રાખે છે. વિપત્તિ ને વેદનાને પણ પરમાત્માનો પ્રસાદ સમજે છે અને એમનો અલ્પ અથવા અધિક અનુભવ કરવા છતાં પણ પોતાના મનને સ્વસ્થ રાખે છે. જેની ઉપર વિપત્તિ વરસાવે છે, જેને વિષાદના વહ્નિમાં ધકેલે છે તેને વિપત્તિ અને વિષાદમાંથી પાર પણ એ જ ઉતારે છે.

ગુરુજીના સંબંધમાં એ વાત સાચી ઠરી.

ઈશ્વરે એમની આકરી અગ્નિપરીક્ષા કરી તો તેમાંથી બહાર નીકળવાની શક્તિ પણ એણે જ પૂરી પાડી. જીવનની કપરામાં કપરી કસોટીઓની વચ્ચે પણ એ સ્વસ્થચિત્ત, સન્માર્ગગામી, શાંત જ રહ્યા. બીજો કોઈ સામાન્ય માનવ હોત તો એ કસોટીઓની વચ્ચે હતાશ અથવા ભગ્નહૃદય બની ગયો હોત. આપઘાતનો વિચાર કરીને જીવનથી હાથ પણ ધોઈ બેઠો હોત. પરંતુ એ જુદી જ માટીના બનેલા અને એમના જ કથનાનુસાર એમને સત્સંગનો અક્ષય રંગ લાગેલો.

એમની વરસોની કલાસાધનાના પ્રાણવાન પરિપાકરૂપે તૈયાર થયેલી મહામૂલ્યવાન ચિત્રશાળાના આકસ્મિક સર્વનાશ પછી લગભગ છ મહિના પછી એમના પટ્ટશિષ્યોમાંના એક- કાલીચરણનો મુંબઈથી ટ્રેનમાં એમના નિવાસ નગર- ઝાંસી આવતા માર્ગમાં ઈંગતપુરી આગળ એકાએક થયેલા ટ્રેન-અકસ્માતમાં સ્વર્ગવાસ થયો. એ ઘટના ખૂબ જ દુઃખદ હોવા છતાં એમણે એના સમાચારને શોક સાથે છતાં શાંતિથી સહન કર્યા. કાલીચરણ વરસમાં ચારેક મહિના એમની સાથે મસૂરીમાં રહીને એમના મોટા ભાગના ચિત્રોને તૈયાર કરતા હોવાથી એમને માટે અસાધારણ આધારરૂપ હતા. તો પણ એમના અવસાન પછી એમને આશ્વાસન આપવા જનારને એ શાંતિથી કહેતા : ‘એનું મત્યુ શોકજનક છે, તો પણ શું થાય ? એને એવી રીતે જ વિદાય થવાનું હશે. આપણે પણ અમર તો નથી જ. એના આત્માની શાંતિ તથા સદ્દગતિને માટે પ્રાર્થના કરીએ અને એની વિધવા પત્નીનું ને એના બાળકોનું બનતું ધ્યાન રાખીએ. અસહ્ય નુકશાન તો એમને થયું છે. મારા સાંસારિક સ્વાર્થને યાદ કરીને હું આંસુ નહિ સારું.’

ગુરુજી માત્ર બોલીને બેસી રહ્યા એટલું જ નહિ પરંતુ જે કાંઈ સારું લાગે તે કરતા પણ રહેતા. એ કેવળ સિદ્ધાંતો કે આદર્શોમાં જ નહોતા માનતા પરંતુ આચારનો આગ્રહ રાખતા. કાલીચરણની વિધવા પત્નીને અને સ્કૂલમાં ભણનારી પુત્રીને બનતી બધી જ રીતે અવારનવાર મદદ કરવા-કરાવવાનું એ ધ્યાન રાખતા. પોતાની કથળી ગયેલી આર્થિક દશા દરમિયાન પણ એવી મદદને પોતાનું માનવોચિત કર્તવ્ય સમજતા.

કાલિચરણના મૃત્યુના થોડાક વખત પછી ગુરુજીના અમૃતસરમાં રહેતા બેતાલીસ વરસની વયના બીજા પુત્રનો સ્વર્ગવાસ થયો. એ ઘટના કાંઈ ઓછી કરુણ નહોતી. કુદરતના એ કારમા ઘાને એમણે આશ્ચર્યચકિત થઈને બનતી શાંતિ સહિત સહન કર્યો. એક આશ્વાસન આપવા આવેલા આપ્તજનને ઉદ્દેશીને એમણે જણાવ્યું : ‘બેતાલીસ વરસ પહેલાં એ કોણ જાણે ક્યાં હતો. મારો અને એનો સંબંધ વર્તમાન જીવનમાં બેતાલીસ વરસોનો જ હતો. એ સંબંધ સમાપ્ત થયો એટલે એ વિદાય થયો. જગતના જુદાજુદા જીવોનો સંબંધ એ જ પ્રકારનો છે. એમનો મોહ અને છૂટા પડવાનો અફસોસ નિરર્થક છે. એવો મોહ અને અફસોસ દુઃખ અને ક્લેશનું કારણ થઈ પડે છે.’

અમૃતસરમાં રહેતા પુત્રના સ્વર્ગવાસ પછી એની સાથે રહેતા ગુરુજીની વયોવૃદ્ધ ધર્મપત્ની મસૂરીમાં એમની સાથે રહેવા આવ્યાં. એમની વ્યાધિગ્રસ્ત દશાને લીધે એ મોટે ભાગે પથારીમાં જ રહેતા. ગુરુજીએ ઈશ્વરની ઈચ્છા સમજીને એમની તન-મન-ધનથી બનતી બધી સેવા કરી. છેલ્લા દિવસોમાં એ સન્નારી વ્યાધિગ્રસ્ત રહેતાં. એમના ચિત્તતંત્ર પર પણ વિપરીત અસર પડેલી. એમની દશા ખૂબ જ દયનીય હતી. એવા કરુણ સંજોગોમાં ગુરુજી એમને માટે પ્રાર્થના કરતા કે પ્રભુ મારી સ્ત્રીને સારી કરી દો અને જો એ સારી થઈ શકે તેમ ના જ હોય તો એને વહેલી તકે લઈ લો કે પાછી બોલાવી લો જેથી એના આત્માને શાંતિ મળે. છ થી આઠ મહિનાના અરસામાં એમનો પણ સ્વર્ગવાસ થયો. ગુરુજી એમની સાથેના ઋણાનુબંધને પૂરો થયેલો સમજીને એ વખતે પણ શાંત જ રહ્યા. ગુરુજી કહેતા કે ઈશ્વરે મારી પ્રાર્થના છેવટે સાંભળી ખરી. એ જે સારું હોય છે તે જ કરે છે એવી એમની શ્રદ્ધા અચળ હતી.

*

ગુરુજીએ એક દિવસ એક અનોખી આશ્ચર્યકારક વાત કહી સંભળાવી. એ બોલ્યા : ‘છેલ્લા કેટલાક દિવસોથી મને એક વિચિત્ર અનુભવ થઈ રહ્યો છે. થોડાથોડા દિવસને અંતરે બપોરે કે રાતે હું સૂતો હોઉં છું ત્યારે કોઈ મારા પગ અને માથા પર હાથ ફેરવે છે. હું એ વિલક્ષણ અકલ્પનીય અનુભવથી ઘણી વાર ઝબકીને જાગી જાઉં છું. કાલે એ સ્ત્રીની ઝાંખી આકૃતિને મેં પહેલવહેલી જ જોઈ. એ સ્ત્રી કોણ હશે અને આવો વ્યવહાર શા માટે કરતી હશે તે તમે કહી શકશો ?’

મેં એમને ઈશ્વરની પ્રેરણા પ્રમાણે જણાવ્યું : ‘એ સ્ત્રી પચીસ વરસની આજુબાજુની છે. એ આપઘાત કરીને મરી ગઈ છે ને દુર્ગતિ પામી છે. તમે એને ઓળખો છો. એના પ્રત્યે તમે મીઠી લાગણી રાખતા માટે એ લાગણીવશ બનીને તમારી પાસે આવે છે. એના શરીરનો રંગ ગોરો છે. મુખાકૃતિ સુંદર છે.’

ગુરુજી ભાવવિભોર થઈને બોલ્યા : ‘તમારી વાત બરાબર છે. એ સ્ત્રી એવા સ્વરૂપની જ છે. એણે આપઘાત કરેલો. એની મુક્તિ માટે કાંઈ કરી શકાય ખરું ?’

‘એ એને જ પૂછી જોજો. એ સૂચવે તેમ કરી શકાશે.’

‘તમારી શક્તિ અત્યંત અસાધારણ કહેવાય. તમે આવું બધું કેવી રીતે જાણી શકો છે?’

‘ઈશ્વરની કૃપા. એની કૃપાથી સર્વકાંઈ થઈ શકે છે.’

*

ગુરુજી અવસર ઉપસ્થિત થતાં અવારનવાર કહેતાં કે સત્સંગનો મહિમા ઘણો મોટો છે. જેને સત્સંગ સાંપડે છે એને વિભુનું વરદાન મળે છે. એમનું જીવન ધન્ય બને છે. પરમાત્માની પાસે પહોંચવા માટે સત્સંગની અનિવાર્ય આવશ્યકતા છે.

એમની બાજુમાં જે મહાનુભાવ રહેતા તે ભક્તો, સંતો, સત્સંગીઓ અને સજ્જનોની નિંદા કરતા. એમની પાસે તે અવારનવાર આવતા હોવાથી એ નિંદાત્મક વાતો એમને સાંભળવી પડતી. એથી એ વ્યથિત રહેતા. પેલા મહાનુભાવને એમની પ્રવૃત્તિને પરિત્યાગવા એ ઘટતું સમજાવતાં પણ એ ના સમજતા. તો પણ ગુરુજી એથી હતોત્સાહ થવાને બદલે એવા સંજોગોમાં પણ સ્વસ્થ રહેતા ને કહેતા કે જગતમાં બધા માનવો કાંઈ એકસરખા થોડાં જ હોય છે ? જે નિંદા કરે છે તે પોતાનું જ બગાડે છે. આપણે એમને તિરસ્કારવાને બદલે એમને માટે પ્રાર્થના કરીએ કે એ સદ્દબુદ્ધિ પામે.

૮૬ વરસની મોટી ઉંમરે પણ એ ઘરમાં જાતે જ કચરો કાઢતા, કપડાં ધોતા, રસોઈ બનાવતા, ને નિયમિત રીતે ફરતા રહેતાં. મહાત્મા ગાંધીજીના પરમ પ્રશસંક હોવાથી એમના સંબંધી સરજાયલું સાહિત્ય ખાસ અને વરસોથી વાંચતા; પરંતુ સાથેસાથે પાછલા વરસોમાં જ્ઞાનેશ્વરી ગીતા, મહાભારત, ભાગવત તથા રામાયણના અધ્યયનની અભિરુચિ પણ એમણે કેળવેલી. પ્રાર્થનાનો પ્રેમ તો એમના જીવનમાં તાણાવાણાની પેઠે વણાય ગયેલો એવું કહીએ તો ચાલે.

'जातस्य हि ध्रवो मृत्युः' એ ગીતાવચન પ્રમાણે, જે જન્મે છે તેનું જવાનું નિશ્ચિત છે. ગુરુજી માટે પણ પંચમહાભૂતના સ્થૂળ શરીરને છોડીને વિદાય થવાનો વખત આવી પહોંચ્યો. એ વખતે એ પરમાત્મામાં મનને પરોવીને શાંતિથી વિદાય થયા. એ પોતે સ્થૂળ રીતે દેખાતા બંધ થયા પરંતુ જીવનની સૌરભને મુકતા ગયા. આજે પણ એ સૌ કોઈને પ્રેરણા અર્પે છે. ભવિષ્યમાં પણ અર્પતી રહેશે.

 

Add comment

Security code
Refresh

Today's Quote

You must not lose faith in humanity. Humanity is an ocean; if a few drops of the ocean are dirty, the ocean does not become dirty.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok