ભારતવર્ષમાં પહેલાંના વખતમાં કેવા પ્રતાપી મહાત્મા પુરૂષો રહેતા હતા ? એમનો ત્યાગ કેવો ભવ્ય હતો અને એમની નિસ્પૃહતા પણ કેવી અનેરી હતી ? એવા વીતરાગ તપસ્વી મહાપુરૂષોને લીધે ભારત સદા ગૌરવાન્વિત ગણાતું અને એના તરફ માનની નજરે જોવાતું. દેશની સંસ્કૃતિના સંરક્ષક સમા એ સંતપુરૂષોના સમાગમમાં અંતર એક પ્રકારના અવર્ણનીય આનંદનો અનુભવ કરતું ને પ્રેરણા તથા શાંતિ મેળવતું. એ પ્રતાપી મહાત્મા પુરૂષોને લીધે ભારતની ભૂમિ સૌભાગ્યશાળી ને કૃતાર્થ હતી.
એ મહાપુરૂષોની પરંપરામાં પ્રકટ થયેલા એક ઉચ્ચ કોટિના મહાત્મા પુરૂષ સિંધુ નદીના તટ પ્રદેશમાં રહેતા હતા. આજુબાજુના પ્રદેશના લોકો એમના તરફ સન્માનની નજરે જોતા ને એમની પ્રશંસા કરતા.
એ વખતે ગ્રીસ દેશનો રાજા સિકંદર ભારત પર ચઢી આવેલો, અને સિંધુ નદીના તટ પ્રદેશ પર એણે પડાવ નાખેલો.
એને કોઈક પ્રતાપી સંત પુરૂષના દર્શનની ઈચ્છા હતી.
સિંધુ નદી પર વાસ કરતા પેલા પ્રતાપી મહાપુરૂષની માહિતી મળવાથી, પોતાના સેવકને એણે એ મહાપુરૂષ પાસે મોકલ્યો.
સેવકે આવીને જોયું તો એ મહાપુરૂષ સિંધુ નદીની વિશાળ રેતી પર નિશ્ચિંતપણે પડ્યા હતા.
‘તમને સિકંદર બાદશાહ બોલાવી રહ્યા છે.’ સેવકે કહ્યું.
જવાબમાં પેલા મહાપુરૂષે સ્મિત કર્યું ને કહેવા માંડ્યું : ‘સિકંદર બાદશાહ ? એ વળી કોણ છે ? હું તો એક જ બાદશાહને ઓળખું છું. બાદશાહોના બાદશાહ ઈશ્વરને. બીજા બધા જ મારે મન ગૌણ છે. સિકંદરને ઈચ્છા હોય તો તે મને મળવા આવી શકે છે. હું કોઈની પાસે નથી જતો.’
સેવકે સિકંદર પાસે આવીને બધી વાત કરી એટલે સિકંદર મહાત્મા પુરૂષને મળવા માટે તૈયાર થયો. એની પાસે બેઠેલા વિદ્વાનોએ એને કહ્યું પણ ખરૂં : ‘અમારા દેશમાં તો એવી પરિપાટી છે કે સંત પુરૂષના દર્શનની ઈચ્છાવાળા પોતે જ સંતપુરૂષની પાસે પહોંચી જાય છે. સંતપુરૂષો પ્રત્યેના સદ્ ભાવ કે પૂજ્યભાવની એ જ નિશાની છે. સંતપુરૂષોને પ્રેમ હોય તો આપણી પાસે જરૂર આવે, પરંતુ સૌથી પહેલાં તો આપણે જ એમની પાસે પહોંચવું જોઈએ.’
સિંધુ નદી પરના સમર્થ સંતપુરૂષની પાસે આવીને સિકંદરે પ્રણામ કર્યા ને કહ્યું : હું તમારી શી સેવા કરું ?
‘તું મારી શી સેવા કરવાનો હતો?’ મહાપુરૂષે ખડખડાટ હસીને કહ્યું : ‘તારે હજી તારી જ સેવા કરવાની છે.
સિકંદર બરાબર સમજ્યો નહિ એટલે બોલ્યો : કેમ ?
તું તારા દેશમાંથી આટલે બધે દૂર શા માટે આવ્યો છે?
પ્રદેશ જીતવા.
એટલે તારા મનમાં લાલસા છે. જે છે તેનાથી તને તૃપ્તિ નથી. તું પોતે ભિક્ષુક છે. તું તારી જ સેવા નથી કરી શક્યો તો મારી સેવા કેવી રીતે કરી શકીશ ? મારી સેવા તો સ્વતઃ જ થયા કરે છે. સિંધુ નદી મને પાણી પૂરું પાડે છે, વૃક્ષો છાયા આપે છે, ભક્તો ભિક્ષા પૂરી પાડે છે. આ રૂપેરી રેતી મારી પથારી બને છે, આકાશ ચંદરવો થાય છે, ને પવન પંખો કરે છે. અંદરની દુનિયાને જીતી ચૂકેલો હું શહેનશાહોનો શહેનશાહ છું. મારે કોઈની સેવાની જરૂર નથી.
સિકંદરે કહેવા માંડયું : પરંતુ તમને એમ નથી લાગતું કે અહીં તમારી જરા પણ કદર નથી ? મારી સાથે મારા દેશમાં આવો તો હું તમારી પુષ્કળ સેવા કરી શકું.
આ દેશના લોકો ખરેખર કદર કરનારા છે તેથી તો તે અમારી પાસે ઓછામાં ઓછા આવે છે અને અમારો વખત નથી બગાડતા. મારે બીજી કોઈયે સેવાની જરૂર નથી. તું જેને તારો દેશ કહે છે તે સાચું જોતાં તારો દેશ નથી. અહીંની એક તસુભર જમીન પણ તારી સાથે નથી આવવાની. મૃત્યુ વખતે તારે ખાલી હાથે વિદાય થવાનું છે. માટે સંસારના વિષયો ને સંસારની વાસનામાંથી મનને પાછું વાળીને આત્મામાં એકાગ્ર કર.
સિકંદર ઘડી બે ઘડી તો વિચારમાં પડ્યો. પરંતુ પછી એણે સેવાનો બહુ જ આગ્રહ કર્યો ત્યારે સંત પુરૂષે કહ્યું : ‘તાજા ઉગેલા સૂર્યનો આ પ્રકાશ બધે ફેલાઈ રહ્યો છે. તું વચ્ચે ઉભો છે એટલે એ પ્રકાશનો સ્પર્શ મને નથી થતો. માટે મહેરબાની કરીને એક તરફ ખસી જા અને સૂર્યનાં કોમળ કિરણોને મારા શરીર પર પડવા દે. એટલી સેવા હાલ તો પૂરતી છે.’
એ વીતરાગ, નિસ્પૃહ, અકામહત, ત્યાગી, મહાપુરૂષના શબ્દો સાંભળીને સિકંદરને એમને માટે માન ઉત્પન્ન થયું. એને થયું કે આ એક સાચેસાચ મહાપુરૂષ છે. એમના સમાગમથી એણે પોતાની જાતને ઘન્ય માની. એ મહાપુરૂષને માટેના અપાર આદરભાવથી ભરાઈને એણે આખરે વિદાય લીધી.
ધન્ય ભારત ! સંસારના વિષયોમાંથી મનને પાછું વાળીને આત્મામાં સ્થાપનારા અને એ દ્વારા પરમશાંતિની પ્રાપ્તિ કરનારા આવા આપ્તકામ મહાપુરૂષો તારી ધરતી પર જ પ્રકટી શકે ને વિશેષ પ્રમાણમાં પ્રકટી શકે. તારો ભૂતકાળનો આધ્યાત્મિક ઈતિહાસ આવા અસાધારણ સામર્થ્યવાળા પ્રતાપી મહાપુરૂષોને લીધે આજે પણ અમર છે અને કાયમને માટે અમર રહેશે.
- શ્રી યોગેશ્વરજી

