Thursday, July 09, 2020

ભિક્ષુ અખંડાનંદનો મેળાપ - 1

 

ઇશ્વરની કૃપાથી તે વખતે મને એક વિચાર સૂઝ્યો. કહો કે ઇશ્વરે તે વિચાર સૂઝાડ્યો. મેં તે વખતે કેટલાક ધાર્મિક લેખો લખેલા. મને થયું કે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલયના સંચાલક શ્રી ભિક્ષુ અખંડાનંદને તે લેખો મોકલું ને સાથે સાથે મારી વર્તમાન દશા ને હિમાલય જવાની ઇચ્છાને રજૂ કરતો લાંબો કાગળ લખું. તે લેખોના બદલામાં મને પુરસ્કાર તરીકે સો રૂપિયા મળી જાય તો મારી મુશ્કેલી દૂર થાય. ભિક્ષુ અખંડાનંદનો મને પ્રત્યક્ષ પરિચય ન હતો. છતાં પણ મારી સહજ હિંમતથી પ્રેરાઇને મેં તેમને એક લાંબો પત્ર લખ્યો ને તેની સાથે પંદરથી વીસ જેટલા લેખો મોકલ્યા.

મારું એ પગલું ભારે હિંમતભર્યું હતું તો પણ મારે એનો આધાર લેવો પડ્યો. સ્વામી શ્રી ભિક્ષુ અખંડાનંદના પ્રત્યુત્તરની પ્રતીક્ષામાં મારા દિવસો અચોક્કસ મનોદશામાં પસાર થવા લાગ્યા.

ભિક્ષુ અખંડાનંદને લખેલા પત્રના પ્રત્યુત્તર માટે વધારે પ્રતિક્ષા ના કરવી પડી. અઠવાડિયું પૂરું થાય તે પહેલાં તો ઉત્તર આવી ગયો. સ્વામીજીએ પત્રમાં સૂચના આપી કે મારે તેમનો પત્ર મળે તે જ દિવસે નડીયાદમાં મળવા આવવું, સ્વામીજી પોતે ત્યાં સ્ટેશન પાસે આવેલા સંન્યાસ આશ્રમમાં આવી રહ્યા છે. ત્યાં બધી જ વાતનો ખુલાસો વ્યક્તિગત રીતે થઇ શકશે.

પત્રના એવા સહાનુભૂતિભર્યા ઉત્તરથી મને આનંદ થયો. અંતરમાં આશા પ્રકટી કે મારું કામ ઇશ્વરકૃપાથી જરૂર સિદ્ધ થઇ જશે. આવા ઉત્તરની મને આશા ન હતી. મારા મનમાં એમ હતું કે મારા લેખોને જોઇને સ્વામીજી પ્રસન્ન થશે ને તે લેખો તેમને તાત્કાલિક છાપવા જેવા નહિ લાગે તોપણ મારી પરિસ્થિતિનો ખ્યાલ કરીને મને પ્રોત્સાહન આપવા તે પુરસ્કાર જરૂર મોકલી આપશે. પણ તેને બદલે તેમણે મને પોતાની પાસે બોલાવ્યો. તેની પાછળ પણ મને ઇશ્વરનો કોઇ ગૂઢ સંકેત જણાયો. મને થયું કે સ્વામીજીને મળવાનો પ્રસંગ મારે માટે આ પહેલો જ છે. તોપણ મારે હિંમત હારવાની કે સંકોચ પામવાની જરૂર નથી. તેમને પ્રત્યક્ષ રીતે મળવાથી મને મોટી મદદ મળશે. મારા વર્તમાન જીવન અને વિચારોને પારખવામાં તેમને સુગમતા મળશે ને મારી સાચી આધ્યાત્મિક જાગૃતિ જોઇને મને ઇચ્છાનુસાર મદદ કરવા તે જરૂર પ્રેરાશે. એ વિચારથી મારી હિંમત વધી ગઇ ને પત્ર વાંચીને બે કલાક બાદ ઉપડનારી ગાડીમાં હું રવાના થયો.

નડીયાદ શહેરમાં ફરવાનો પ્રસંગ મારે માટે એ પહેલો જ હતો. તેથી સંન્યાસ આશ્રમની શોધ કરવામાં સારો એવો સમય નીકળી ગયો. સંન્યાસ આશ્રમમાં જઇને તપાસ કરતાં ખબર પડી કે સ્વામીજી આવી ગયા છે ને ઉપરના ઓરડામાં કામ કરી રહ્યા છે. મેં તેમને મારા પહોંચ્યાના સમાચાર મોકલ્યા. તેમણે મને તરત જ ઉપર આવવાની આજ્ઞા કરી.

એક સાધારણ ખૂરશી પર બેસીને સ્વામીજી ભજનોના પ્રુફ તપાસતા હતા. તેમની પાસેના ટેબલ પર કેટલાક પુસ્તકો પડેલા. તેની બાજુમાં બે મોટી મૂર્તિઓ મુકેલી. તેમનું શરીર સારું દેખાયું. મોઢું ને માથું જરા વધારે ભારે લાગ્યું. તેમણે ભગવો ઝભ્ભો પહેરેલો. એમની આકૃતિ સહેજ પ્રભાવશાળી હતી. થોડા વખત સુધી હું તેમના તરફ જોઇ રહ્યો. મારા મનમાં તેમને માટે પહેલેથી જ આદરભાવ બંધાઇ ગયેલો. તેમણે પ્રકાશિત કરેલા ગ્રંથોમાંના કેટલાક ધાર્મિક ગ્રંથો મેં જોયેલા. બોરસદના વતની એક લોહાણા ગૃહસ્થે મુંબઇમાં ગીતાની તપાસ કરી. ગીતાની કિંમત તેને વધારે લાગી. ને પછી તો તેણે ઓછી કિંમતે ગીતા જેવા ઉપયોગી ગ્રંથો બહાર પાડવાનો સંકલ્પ કર્યો. તે સંકલ્પમાંથી સ્વામી શ્રી ભિક્ષુ અખંડાનંદનો જન્મ થયો. પોતાના સંકલ્પને સાચો કરવા તેણે ભારે પ્રયાસો કરી જોયા, ને છેવટે તેમને સફળતા મળી. ઓછા અને ઉછીના લીધેલા ભંડોળની મદદથી લોકોની સેવા કરવા તે એકલે હાથે આગળ વધ્યા ને સંકલ્પના બીજમાંથી છેવટે સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય નામે મોટી સંસ્થાની, કહો કે એક વિશાળ સેવાવૃક્ષની સ્થાપના કરી. એ સંસ્થામાંથી તેના નામ પ્રમાણે ખરેખર સસ્તાં પુસ્તકોનું પ્રકાશન થવા માંડ્યું. પણ સસ્તા પુસ્તકો કેવળ સસ્તાં જ નહિ, જીવનની ઉન્નતિ માટે ઉપયોગી ને સારાં પણ હતા. તે સંસ્થામાંથી તેમણે કિંમતી પુસ્તકો બહાર પાડવા માંડ્યા. તેની પાછળ વ્યાપારવૃતિ ન હતી, પણ નિર્ભેળ ને સાચી સેવાવૃતિ હતી. વળી ઇશ્વરની અમીદૃષ્ટિ હતી એટલે થોડા જ સમયમાં સંસ્થા ને તેના સંચાલક સ્વામીજીનું નામ લોકજીભે ચડી ગયું, લોકોના હૃદયમાં રમતું થયું, ને લોકોને માટે શ્રદ્ધાભક્તિનો વિષય બની ગયું. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ ને ચૈતન્ય મહાપ્રભુના જીવનનો તથા જ્ઞાનેશ્વરી, ભાગવત, રામાયણ, યોગવાશિષ્ઠ ને દાસબોધ જેવા ઉત્તમ ગ્રંથોનો ગુજરાતીમાં તેમણે પરિચય કરાવ્યો, ને નવા ભાવમાં ભગીરથ બનીને જ્ઞાનની પવિત્ર ગંગાને વહેતી કરી. છતાં પણ તે વાતનું તેમને અભિમાન ન હતું. તેમની નમ્ર અને સરળ આકૃતિ ને વાણી પરથી તે સાફ જણાઇ આવતું. તે સેવાના સાચા ભેખધારી હતા. ઇશ્વરના હાથમાં હથિયાર બનીને તે પ્રામાણિકપણે કામ કર્યે જતા. ગુજરાતના એ મહાન કર્મયોગી કેવળ સૂકાં કર્મઠ ન હતાં. તેમનું હૃદય ભક્તિભાવથી ભરેલું. પ્રભુના પ્રેમની તરસ તેને લાગી ગયેલી. તેથી જે સફળતા, શ્રી ને યશને જોઇને સાધારણ માણસ છકી જાય તેમજ વિષયગામી બની જાય, તેમાં તે વિવેકી, નમ્ર ને નિર્મળ થઇને જીવી રહ્યા હતા. પોતાની સ્તુતિની તેમને સૂગ હતી. ગુજરાતના જ્યોતિર્ધરોમાં તેમનું નામ ને કામ પ્રથમ પંક્તિમાં શોભી રહ્યું હતું. છતાંપણ તે ગુણગાનથી સદાને માટે દૂર રહેતા. પોતાના લખાણોની નીચે સહી કરતી વખતે તે પોતાનો જે વિચિત્ર પરિચય આપતા તે વાંચીને મને નવાઇ લાગતી. આ પ્રશંસાપ્રિય જમાનામાં પોતાના નામની આગળ બ્રહ્મનિષ્ઠ, મહામંડલેશ્વર કે એવા બીજા ઇલ્કાબો લગાડવાને બદલે અત્યંત અનોખા શબ્દોમાં પોતાનો પરિચય આપતાં તે લખતાં કે 'જાણે તેટલું પળાય નહિ છતાં પરોપદેશે પાંડિત્ય જેવું લખે, તેથી ગાળોના દાવનો ખરાબ ભિક્ષુ અખંડાનંદ.' કેટલાક માણસો માનની ઇચ્છાથી પણ પોતાને માટે આવું સાધારણ લખાણ લખતા હોય છે. પણ સ્વામીજીનું દર્શન કરનારને તેમની નમ્રતા પરથી ખાતરી થતી કે તેમને માનની સૂગ છે અને એ લખાણ એમના અમાની અંતરનું સહજ લખાણ છે.

એવા મહાન પુરુષની પાસે બેસવાનો અવસર પ્રભુની કૃપાથી મને અચાનક પ્રાપ્ત થયો એટલે મારા આનંદનો પાર રહ્યો નહિ. મને થયું કે શું આજ એ મહાપુરુષ શ્રી ભિક્ષુ અખંડાનંદ છે ? મને એમ થતું કે મળતાંવેંત તે મારા લેખોને માટે મને શાબાશી આપશે ને મારી મરજી મુજબ મદદ પણ કરી દેશે. પણ તે તો શાંત ચિત્તે પોતાનું કામ કર્યે જ જતા હતા. જાણે મને ઓળખતા ના હોય તેમ મારા પત્ર કે લેખો વિશે એક અક્ષર પણ ઉચ્ચારતા ન હતા. વિચારો ને ભાવોના હિંચકા પર બેઠો હોંઉ તેમ હું તેમની પાસે બેસી રહ્યો.

 

Today's Quote

Happiness is when what you think, what you say and what you do are in harmony.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok