Saturday, August 15, 2020

ભિક્ષુ અખંડાનંદનો મેળાપ - 2

 લાંબા સમય સુધી તેમણે કામ કર્યું. પછી પુસ્તકને બાજુ પર મૂકીને મારી તરફ મુખ ફેરવ્યું ને મારી સાથે વાતો કરવાની શરૂ કરી. મારા જીવનમાં આટલી નાની ઉમરમાં વૈરાગ્ય કેમ થયો, હિમાલય જવાની ઇચ્છા કેવી રીતે ઉત્પન્ન થઇ, મારે હિમાલય શા માટે જવું છે, તે વિશે એમણે મને પૂછવા માંડ્યું. એમના પ્રશ્નોના ઉત્તરો મેં ક્રમેક્રમે શાંતિપૂર્વક આપવા માડ્યાં. તે સાંભળીને તેમને આનંદ થયો. મારા જીવનની આધ્યાત્મિક ભૂમિકાનો ખ્યાલ આપીને મેં એમને કહેવા માંડ્યું, 'મારો વૈરાગ્ય સાચો અને ચોક્કસ વિકાસના પરિણામરૂપ છે. તેની પાછળ કોઇ ઉર્મિ, ગાંડપણ, મગજની નબળાઇ કે ઘેલછા નથી. મારું મન સંસારમાં લાગતું નથી. પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની મને લગની લાગી છે. તેને માટે મારુ હૃદય રડ્યા કરે છે. મને લાગે છે કે તેના વિના મારું જીવન વ્યર્થ વહી રહ્યું છે. તેને માટે હું ગમે તેવો ભોગ આપવા પણ તૈયાર છું. સ્ત્રીમાત્રમાં જગદંબાની ઝાંખી કરવાની મેં ટેવ પાડી છે, એટલે મને કામવાસના નથી થતી ને લગ્ન કરવાની જરૂર નથી જણાતી. બ્રહ્મચર્ય મારે માટે સહજ થઇ ગયું છે ને તેના પાલનનું મેં વ્રત લીધું છે. મને શ્રદ્ધા છે કે જો હિમાલયના શાંત અને સુંદર વાતાવરણમાં રહેવા મળે, તો વધારેમાં વધારે છ મહિનામાં મને પરમાત્માનો સાક્ષાત્કાર થઇ શકે ને શાંતિ મળે. આ જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે જ છે, તેની મને ખાતરી થઇ છે. તેના વિના મને ચેન પડતું નથી. માટે જ મેં તમને મને બનતી મદદ કરવાની વિનંતી કરી છે.'

થોડીવાર શ્વાસ ખાઇને મેં સ્વામીજી તરફ જોયું તો મારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એમની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને એમના મુખ પર કરુણાની લાગણી ફરી વળી. મારે માટે એ બીજા અખંડાનંદનું - તેમના સ્વરૂપનું દર્શન હતું. તે બોલ્યા, 'તમારું સદભાગ્ય છે કે આટલી નાની ઉંમરમાં તમને આવા સુંદર વિચારો સુઝે છે. બાકી અમારું જીવન તો એમ ને એમ જ વહી ગયું.'

એ શબ્દોમાં તેમના નવા જ સ્વરૂપનું દર્શન થયું. તેમનું પ્રેમ ને ભક્તિથી ભરેલું હૃદય પ્રકટ બન્યું. જે મહાપુરુષે ગુજરાતના લાખો લોકોને ઉત્તમ સંસ્કારસાહિત્યનો વારસો આપ્યો અને નિસ્વાર્થ વૃતિથી જીવનને કર્મયોગમાં ખર્ચી નાખ્યું; સમય ને સંજોગો સાનુકૂળ હોવા છતાં જે શ્રી ને સંપત્તિની મોહિનીથી સદાયે દૂર રહ્યા ને લોકસંગ્રહને માટે ઇશ્વરના હાથમાં મહાન અસરકારક હથિયારરૂપ બન્યા; તે મહાપુરુષનું જીવન એમ ને એમ વહી ગયું એમ કહેવાય ? તેમનું જીવન તો સાચા અર્થમાં ધન્ય ને ઉપકારક બનીને અમર થઇ ગયું. છતાં પણ તે મહાપુરુષ પોતાનું જીવન એમ ને એમ વહી ગયું એમ કહી રહ્યા છે તે તો તેમની નમ્રતા છે. વળી કર્મ કરતાં કરતાં પણ પરમાત્માના સાક્ષાત્કાર માટે તેમનું હૃદય કેટલું બધુ જાગ્રત છે તેની તેના પરથી સૂચના મળે છે. તેમના જેવા વિવેકી પુરુષ જ દિનરાત કર્મ કરતાં કરતાં પણ આટલા બધા જાગ્રત રહી શકે, ને તેમના જ મુખમાંથી નમ્રતાની આવી સરળ વાણી નીકળી શકે. અખંડાનંદને જે કેવળ કર્મઠ સમજે છે તેમણે પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ. તે ભાવભક્તિથી ભરેલા એક પ્રભુભક્ત પણ હતા. તેમના શબ્દો કોઇનાય દિલમાં તેમને માટે આદરભાવ ઉત્પન્ન કરે તેવા હતા. હું પણ તેમાં અપવાદરૂપ કેવી રીતે હોઇ શકું ?

થોડાક વખત સુધી અમે કેટલી ધાર્મિક વાતો કરતા રહ્યા. પછી તેમણે તેમના ટેબલ પર પડેલી મૂર્તિ તરફ આંગળી કરીને મને પૂછ્યું: 'આ મૂર્તિ કેવી છે ?'

મૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણની હતી ને ઘણી સુંદર હતી. એટલે મેં કહ્યું કે તે ઘણી સુંદર છે.

'તો શું તમને ગમે છે ?' તેમણે ફરી પ્રશ્ન કર્યો.

મેં કહ્યું: 'હા.'

'તો પછી એ મૂર્તિ તમે લઇ લો.' મારા આશ્ચર્ય વચ્ચે તેમણે તદ્દન નવો જ પ્રસ્તાવ મૂક્યો.

મેં કહ્યું: 'મૂર્તિ મને ગમે છે એનો અર્થ એવો નથી કે મારે તે જોઇએ છે. મૂર્તિ લેવાની મારી બિલકુલ ઇચ્છા નથી.'

પણ તેઓ ક્યાં માને તેમ હતા ? તેમણે તો પોતાનો આગ્રહ ચાલુ જ રાખ્યો. 'તમને ગમે છે તો તમે તેને જરૂર લઇ જાવ. જે વસ્તુ તમને ગમતી હોય તે મારે ના જોઇએ.'

તેમનું વલણ મજબૂત હતું. એટલે વધારે વિરોધ કરવાનું છોડી દઇને તેમણે મારી પાસે લાવી મૂકેલી મૂર્તિને મેં લઇ લીધી.

બે-ત્રણ મિનીટ વીત્યા પછી ટેબલ પર પડેલી બીજી મૂર્તિ તરફ જોઇને તેઓ પૂછવા માંડ્યા, 'આ મૂર્તિ કેવી લાગે છે ?'

મને થયું કે આ પ્રશ્નનું પરિણામ પણ શું પહેલા જેવું જ આવશે કે ? તેવું પરિણામ આવવાનું હોય તો મારે શો ઉત્તર આપવો ? પણ તેમના પ્રશ્નનો ખોટો ઉત્તર તો અપાય જ નહિ. એટલે મેં કહ્યું, 'આ તો ભગવાન કૃષ્ણની મૂર્તિ છે. આ પણ સુંદર છે.'

'તમને ગમે છે ?'

'હા.' મેં ઉત્તર આપ્યો.

'તો પછી આ પણ મારે ના જોઇએ. તમે લઇ લો.' અને બીજી મૂર્તિ પણ તેમણે મારી પાસે મૂકી દીધી. તે પણ મારે લઇ લેવી પડી. મને થયું કે આ પુરુષનું વ્યક્તિત્વ કેટલું વિચિત્ર લાગે તેવું છે !

એટલી વારમાં સાંજનો વખત થઇ ગયો. તેમણે મને તેમની સાથે ફરવા આવવા કહ્યું. ફરવાની ટેવ મને ગમતી એટલે મેં તેમની સાથે ફરવા નિકળવાની સંમતિ આપી. ધીરે ધીરે રસ્તો કાપતા અમે સ્ટેશને પહોંચ્યા ને ઝાડ નીચે એક બાંકડા પર બેઠા. તેમણે ઋષિકેશનો પ્રવાસ કર્યો હતો એટલે ત્યાંના વાતાવરણથી પરિચિત હતા. તે ઉપરાંત, બીજા કેટલાય સાધુ સંતોના સંપર્કમાં આવ્યા હતા. તેના કડવા મીઠા અનુભવો તેમના સ્મૃતિપટ પર તાજાં થયા. તે વિશે તેમણે થોડીક વાતચીત કરી. મેં હિમાલય જઇને સાધના કરવાના મારા સંકલ્પનું પુનરુચ્ચારણ કર્યું ને મારા જીવનપ્રવાહની ચોખવટ કરી. સંન્યાસ આશ્રમમાં પાછા ફરતાં તેમણે મને સહૃદયતાથી સાંજના ભોજન વિશે પૂછી જોયું. તેના ઉત્તરમાં મેં કહ્યું: 'વધારે ભાગે હું એક ટંક જમું છું. રાતે ભોજન ના કરવાથી પેટ હલ્કુ રહે છે ને સાધનભજન કરવામાં મુશ્કેલી નથી પડતી. સવારે વહેલા ઉઠવામાં પણ મદદ મળે છે. તે ઉપરાંત, બીજા પણ ઘણાં લાભ થાય છે.'

મારા શબ્દો સાંભળીને એમને આનંદ થયો.

આશ્રમમાં આવીને તેમણે મને પૂછ્યું: 'તમે ચંપલ કે બૂટ કશું જ પહેરતા નથી તેનું કારણ શું ?'

'પહેલાં હું ચંપલ પહેરતો. પણ આ વરસથી નથી પહેરતો. કેમ કે હું વિદ્યાર્થી છું ને બીજા પર નભું છું. માટે મારો ખર્ચ બનતો ઓછો જોઇએ ને જીવનની જરૂરતોને પણ તે માટે મારે ઘટાડવી જોઇએ. વળી મારે હિમાલય જવું છે ને ત્યાગમય જીવન જીવવું છે. એટલે અત્યારથી મારે ત્યાગ અને સંયમની તાલીમ લેવી જોઇએ. શરીર પણ સુદૃઢ કરવું જોઇએ ને સહનશક્તિ વધારવી જોઇએ. તેથી મેં કોટ અને ચંપલ બન્નેનો ત્યાગ કર્યો છે.'

મારા ઉત્તરથી તે સંતોષ તો પામ્યા, પરંતુ તેમનો વિચાર જુદો જ હતો. તેમના ઓરડામાં એક તરફ સપાટો ને ચંપલોનો ઢગલો પડેલો. 'આ ઢગલામાંથી જે ફાવે તે પહેરી લો.' એમણે મને આદેશ આપ્યો.

મેં કહ્યું: 'ચંપલ મને નથી મળતાં માટે હું નથી પહેરતો એમ નથી. મને તે સહેલાઇથી મળી રહે છે. છતાં મારે એની આવશ્યકતા નથી તેથી હું તેનો ઉપયોગ નથી કરતો.'

'તોપણ મારા આગ્રહ ને મારી ઇચ્છાને માન આપીને આમાંથી તમે એક જોડી પહેરી લો.' તેમણે તેમનો આગ્રહ છેવટ સુધી ચાલુ રાખ્યો. આખરે તેને માન આપવા માટે મેં સપાટની એક જોડ લઇ લીધી. મોટા માણસની આગળ આવી સાધારણ વસ્તુને માટે હઠ કરવી ને તેમનું મન-દુઃખ કરવું તે પણ સારું નહિ.

 

 

Today's Quote

We are not human beings on a spiritual journey, We are spiritual beings on a human journey.
- Stephen Covey

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok